ઈઝરાયેલના સમર્થનમાં અમેરિકા, જાણો- હમાસ સાથે કોણ ?
અમેરિકા ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં ઉતર્યું છે. અમેરિકાની એન્ટ્રી બાદ હમાસ અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ વધુ ખતરનાક બની શકે છે. તમને જણાવી દઈએ કે આ યુદ્ધમાં અમેરિકા ઈઝરાયેલની સાથે છે. અમેરિકાનું કહેવું છે કે તે આ યુદ્ધમાં ઈઝરાયલની સાથે મક્કમતાથી ઊભું છે અને જ્યારે પણ મદદની જરૂર પડશે ત્યારે તમામ શક્ય મદદ આપવા તૈયાર છે. અમેરિકાએ ઇઝરાયેલ પર હમાસના હુમલાની આકરી નિંદા કરી હતી.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને એક દિવસ પહેલા કહ્યું હતું કે તેઓ હમાસના હુમલા પર નજીકથી નજર રાખી રહ્યા છે. તેમણે કહ્યું કે હમાસ એક આતંકવાદી સંગઠન છે. તેનો એકમાત્ર હેતુ યહૂદીઓની હત્યા કરવાનો છે. તમને જણાવી દઈએ કે હમાસના હુમલામાં 14 અમેરિકન નાગરિકોના પણ મોત થયા છે, જ્યારે ઘણા ઘાયલ થયા છે અને કેટલાક લાપતા છે.
યુદ્ધ પછી વિશ્વ બે ભાગમાં વહેંચાઈ ગયું
જો બાઈડેને કહ્યું કે તેમણે ઈઝરાયેલના રાષ્ટ્રપતિ બેન્જામિન નેતન્યાહુ સાથે ફોન પર વાત કરી અને શક્ય તમામ મદદની ખાતરી આપી. અમેરિકાએ ઈઝરાયેલને લગભગ 8 બિલિયન ડોલરની મદદની જાહેરાત કરી છે. હમાસ દ્વારા ઈઝરાયેલ પરના હુમલા બાદ દુનિયા બે જૂથોમાં વહેંચાઈ ગઈ છે. કેટલાક ઈઝરાયેલ સાથે છે તો કેટલાક હમાસને સમર્થન આપી રહ્યા છે. અમેરિકા, ભારત, બ્રિટન અને યુરોપિયન યુનિયન જેવા દેશો ઈઝરાયેલના સમર્થનમાં છે જ્યારે ઈસ્લામિક દેશો હમાસને સમર્થન આપી રહ્યા છે. તે જ સમયે, કેટલાક દેશો એવા છે જે મૌન છે અને યુદ્ધવિરામની હાકલ કરી રહ્યા છે.
કયા દેશોનું ઇઝરાયેલને સમર્થન?
અમેરિકા
ઓસ્ટ્રેલિયા
યુક્રેન
બ્રિટન
ફ્રાન્સ
નોર્વે
ઑસ્ટ્રિયા
યુરોપિયન યુનિયન
બેલ્જિયમ
હમાસને કયા દેશોનું સમર્થન?
ઈરાન
કતાર
કુવૈત
લેબનોન
યમન
ઈરાક
સીરિયા
આ તમામ દેશો પેલેસ્ટાઈનની સાથે છે અને ઈઝરાયેલ પર હમાસના હુમલાને સમર્થન આપી રહ્યા છે.
હુમલાને લઈ આ દેશોએ મૌન જાળવી રાખ્યું છે
રશિયા, ચીન, તુર્કી…આ એવા દેશો છે જે હમાસ અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધ પર મૌન સેવી રહ્યા છે. અલબત્ત, આ દેશોએ યુદ્ધની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે અને યુદ્ધવિરામની વાત કરી રહ્યા છે. પરંતુ તેઓ ન તો ઇઝરાયલનું સમર્થન કરી રહ્યા છે અને ન તો હમાસના પક્ષમાં બોલી રહ્યા છે.
યુદ્ધમાં અત્યાર સુધીમાં 3000થી વધુ લોકોના મોત
ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં અત્યાર સુધીમાં 3000 થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે જ્યારે હજારો લોકો ઘાયલ થયા છે. ઈઝરાયેલમાં 1200થી વધુ લોકોના મોત થયા છે જ્યારે 2800થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ગાઝામાં 900 લોકો માર્યા ગયાના સમાચાર છે. આ સિવાય ઈઝરાયેલમાં 1500 આતંકવાદીઓના મોતના સમાચાર પણ સામે આવ્યા છે. એકંદરે આ આંકડો 3000ને પાર પહોંચી ગયો છે.