નક્સલીઓના ગઢમાં હવે પોલીસ કેમ્પ, જાણે નક્સલવાદીઓની છાતી પર ત્રિરંગો
છત્તીસગઢ, 19 ફેબ્રુઆરી : સુરક્ષા દળોએ શનિવારે છત્તીસગઢના બસ્તરમાં સ્થિત પૂવર્તી ગામમાં એક નવો પોલીસ કેમ્પ ખોલીને નક્સલવાદીઓની છાતી પર જાણે ત્રિરંગો લગાવ્યો હોય તેવું લાગે છે. આઝાદી પછી પ્રથમ વખત આ પૂવર્તીમાં ત્રિરંગો લહેરાવવામાં આવ્યો છે. ટોપ મોસ્ટ વોન્ટેડ નક્સલી હિડમાનું આ ગામ હોવાને કારણે પૂવર્તીમાં અગાઉ નક્સલવાદીઓ તેમની સમાંતર સરકાર ચલાવતા હતા. તેમજ, અહીં સુરક્ષા દળો સામેની રણનીતિ પણ તૈયાર કરવામાં આવતી હતી.
પોલીસ અને CRPF અધિકારીઓએ રવિવારે ખૂંખાર નક્સલવાદી હિડમાના ગામનું નિરીક્ષણ કર્યું. આ દરમિયાન ઘણા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. નક્સલવાદીઓએ બટાલિયન હેડક્વાર્ટરમાં તેમની સુરક્ષા માટે તમામ પ્રકારની તૈયારીઓ કરીને રાખી હતી. ગામની આસપાસ મોરચા બનવામાં આવ્યા છે. જ્યાંથી તેઓ આવતા-જતા લોકો પર નજર રાખતા હતા. ગામની વચ્ચોવચ ઝૂંપડા જેવું આરામગૃહ બનાવવામાં આવ્યું છે. જેનો ઉપયોગ શાળા તરીકે પણ થતો હતો. તેઓ ગામની નજીક લગભગ 3-4 એકર જમીનમાં શાકભાજી અને ફળોનું ઉત્પાદન પણ કરતા હતા. રીંગણ અને લેડીફિંગર સહિત વિવિધ પ્રકારના શાકભાજી મોટા પ્રમાણમાં અહીં ઉગાડવામાં આવે છે.
નક્સલવાદીઓના મનોબળને જોરદાર ફટકો
વર્ષોના સંઘર્ષ પછી પોલીસ અને સુરક્ષા દળોને નક્સલીઓના ગઢમાં સુરક્ષા શિબિર ખોલવામાં સફળતા મળી છે. પૂવર્તીમાં કેમ્પ બનાવીને જવાનોએ નક્સલવાદીઓના મનોબળને જોરદાર ફટકો આપ્યો છે. પહેલા સુરક્ષા દળો આ વિસ્તારોમાં જતા ડરતા હતા, પરંતુ છેલ્લા અઢી મહિનામાં આ નક્સલી મજબૂત વિસ્તારોમાં 7 કેમ્પ ખોલવામાં આવ્યા છે. તેનો ઉપયોગ ટેક્નિકલ હેડ ક્વાર્ટર તરીકે કરવામાં આવશે. આ અગાઉ અહીં ગામની ચાર-પાંચ કિમીની ત્રિજ્યામાં નક્સલવાદીઓ તાલીમ શિબિર, બેઠકો અને યુવાનોની ભરતી જેવી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરતા હતા. હવે તેમને અંકુશમાં લેવા માટે સુરક્ષા દળોને મદદ મળશે. તેમજ, નક્સલી મુવમેન્ટના સમાચાર મળતાની સાથે જ સુરક્ષા દળો થોડા કલાકોમાં સરળતાથી સ્થળ પર પહોંચીને ઘેરાબંધી કરી શકશે.
SP મળ્યા હિડમાની માતાને
સુરક્ષા દળોના અધિકારીઓ નક્સલવાદી કમાન્ડર હિડમાની માતાને મળ્યા હતા. એસપીએ નક્સલવાદી કમાન્ડર હિડમાની માતાને તમામ પાયાની સુવિધાઓ પૂરી પાડવાની ખાતરી આપી હતી. સાથે જ તેમણે ગ્રામજનોને નક્સલવાદથી દૂર રહેવાની અપીલ કરી છે. આ સાથે તેમણે ગ્રામજનોને સરકારી યોજનાઓનો લાભ મળે તે માટે શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી હતી. કેમ્પ ખોલ્યા પછી ગામમાંથી ગાયબ થયેલા પુરુષોને પાછા ફરવાની અપીલ કરતી વખતે એસપીએ કહ્યું કે તેઓ નક્સલવાદનો માર્ગ છોડીને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાઈ, ફોર્સ એના માટે જ છે. ગ્રામજનોના સહકારથી જ ગામનો વિકાસ શક્ય છે.
ટેકલગુડામાં શહીદ થયા પછી પણ પાછા હટ્યા નથી
30 જાન્યુઆરીએ ટેકલગુડા પોલીસ કેમ્પ પર નક્સલી હુમલામાં CRPFના ત્રણ જવાન શહીદ થયા હતા. તેમજ, મોટી સંખ્યામાં સૈનિકો પણ ઘાયલ થયા હતા. આ છતા પણ સુરક્ષા દળ પાછળ હટ્યું નહીં. ઘટનાના 15 દિવસની અંદર સુરક્ષા દળોએ નક્સલવાદીઓના મુખ્ય વિસ્તારમાં એક નવો પોલીસ કેમ્પ સ્થાપિત કર્યો. પીએલજીએ બટાલિયનને નષ્ટ કરીને સમગ્ર વિસ્તારને કબજે કરવામાં દળને સફળતા મળી હતી.
નક્સલવાદી ફાર્મ પણ સૈનિકોનો કબજો
નક્સલવાદીઓએ પૂવર્તી ગામ પાસે 3 થી 4 એકર જમીનમાં શાકભાજીની ખેતી કરી છે. સંગઠનમાં રહેતા લડવૈયાઓ માટે નક્સલવાદીઓ દ્વારા વિવિધ પ્રકારના શાકભાજીનું ઉત્પાદન કરવામાં આવે છે. કેમ્પ ખોલ્યા બાદ સુરક્ષા દળોએ નક્સલવાદીઓના ખેતરો અને તળાવ પર કબજો કરી લીધો છે. પૂવર્તી ગામમાં લગભગ 1500 ડીઆરજી, એસટીએફ, કોબ્રા જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.
એસપીએ કહ્યું, શરણાગતિ સ્વીકારનારાઓને ખુલ્લા દિલથી આવકારીશું
સુકમાના પોલીસ અધિક્ષક કિરણ ચવ્હાણે કહ્યું છે કે માઓવાદીઓ સામે વ્યૂહરચના બનાવવામાં પૂવર્તી કેમ્પ મુખ્ય કેન્દ્ર હશે. બસ્તરમાં નક્સલવાદ સામે અંતિમ લડાઈ ચાલી રહી છે. નક્સલવાદીઓને અપીલ કરવામાં આવે છે કે, તેઓ પોતાના હથિયાર નીચે મુકીને મુખ્ય પ્રવાહમાં જોડાય, સરકાર અને વહીવટીતંત્ર ખુલ્લા હાથે તેમનું સ્વાગત કરવા તૈયાર છે.
આ પણ વાંચો : નોકરી અથવા વ્યવસાયની સાથે-સાથે તમે સાઈડ ઇન્કમ કરવા માંગો છો?