હવે કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલનું રાજીનામુંઃ ગુજરાતમાં ઓપરેશન લોટસ ચાલુ છે!
અમદાવાદ, 19 ડિસેમ્બર 2023, ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપે ઓપરેશન લોટસ શરૂ કરી દીધું છે. આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી બાદ હવે ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે આજે સવારે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું છે. સુત્રોમાં એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંનેમાંથી વધુ કેટલાક ધારાસભ્ય રાજીનામું આપી શકે છે. કોંગ્રેસના 17 વિધાનસભ્યોમાંથી હવે માત્ર 16 જ રહ્યા છે. ખંભાતમાં 1990 બાદ પ્રથમ વખત કોંગ્રેસને ખંભાતમાં ચિરાગ પટેલે ઉમેદવારી કરીને જીત અપાવી હતી.
ખંભાત બેઠક 3711 મતે ચિરાગ પટેલે જીતી હતી
ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ખંભાત બેઠક પર ચિરાગ પટેલને ટિકિટ આપી હતી અને તેમની જીત થઈ હતી. ચિરાગ પટેલને 69,069 મત મળ્યા હતા. જેની સામે ભાજપના મહેશ રાવલને 65,358 મત મળ્યા હતા. આમ, ભાજપની 3711 મતે હાર થઇ હતી. ખંભાત ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 108 નંબરની બેઠક છે જે આણંદ લોકસભામાં આવે છે.આમ એક પછી એક ધારાસભ્યોના રાજીનામાંથી વિપક્ષની હાલત ખરાબ થઇ ગઈ છે.
PM મોદીને કોંગ્રેસના નેતાઓનું પણ સમર્થન મળે છે
ચિરાગ પટેલના રાજીનામા બાદ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતૃત્વ જેવું હવે કઈ બાકી રહ્યું જ નથી. ખરાબ નેતૃત્વના કારણે કોંગ્રેસ પાછળ ધકેલાઈ રહી છે. કોંગ્રેસમાં રહીને ધારાસભ્યો ગુંગળાઈ રહ્યા છે. કોંગ્રેસમાં રાજકારણ નહી પરંતુ રાજનીતિ ચાલે છે. અમે કોઈ પણ નેતાને આમંત્રણ આપતા નથી. કોંગ્રેસના નેતાઓ તેમની રીતે જ ભાજપમાં આવે છે અને PM મોદીને કોંગ્રેસના નેતાઓનું પણ સમર્થન મળે છે. આ વખતે પણ લોકસભામાં 26 માંથી 26 બેઠક ભાજપ જીતશે.
આ પણ વાંચોઃ મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં હાઈકોર્ટે જયસુખ પટેલની જામીન અરજી ફગાવી