ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત

હવે હદ થઈ ગઈ, સુરતમાં નકલી મેડિકલ ઈન્સ્ટિટ્યૂટ ઝડપાઈ

સુરત: 21 નવેમ્બર, 2024: ખ્યાતિ હોસ્પિટલકાંડથી લાગેલા આઘાતના આંચકા હજુ શાંત થયા નથી ત્યાં હવે નકલી મેડિકલ ઈન્સ્ટિટ્યૂટનો વેપલો પકડાયો છે. મળતા અહેવાલ મુજબ સુરતમાં સાવ નાનકડી જગ્યામાં મેડિકલ ઈન્સ્ટિટ્યૂટ ચાલતી હોવાના અહેવાલ મળી રહ્યા છે. સુરતમાં હવે તો બધું નકલી ચાલી રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. હોસ્પિટલ, ડોક્ટર બાદ હવે તો મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ પણ બોગસ ચાલતું હોવાનું સામે આવ્યું છે. સુરતના પુણા પાટિયા વિસ્તારમાં આવેલા લા-સીટાડોલ કોમર્શિયલ શોપિંગ કોમ્પલેક્ષની દુકાનની અંદર આખીને આખી નકલી મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ચાલી રહી હતી. જીવનદીપ નામની બોગસ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થિનીઓને મેડિકલના વિવિધ કોર્સ ભણાવાતા હતા. બોગસ ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરતી હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે.

સુરતના એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા આ મામલે એક સ્ટિંગ ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું. જેમાં એક શોપિંગ કોમ્પલેક્ષની નાની દુકાનમાં આખું ઇન્સ્ટિટ્યૂટ ચલાવવામાં આવતું હતું. ત્રણ વિદ્યાર્થિનીઓ પણ આવી હતી અને મસમોટી ફી આપવા સાથે બેંગલોર પરીક્ષા આપવા લઈ જવામાં આવે છે. આ મામલે એનએસયુઆઈ દ્વારા તપાસ કરવામાં આવતા આ ઇન્સ્ટિટ્યૂટ બોગસ હોવાનું જાણવા મળ્યું હતું. આ ઇન્સ્ટિટ્યૂટમાં નર્સિંગના અભ્યાસના નામે ફી લેતા હોવાનું પણ સામે આવ્યું છે. કાયદા અને નિયમ વિરૂદ્ધ ઇન્સ્ટિટ્યૂટ ચાલી રહી હતી.

જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટમાં 12 બાય 20ના રૂમમાં નર્સિંગ કોર્સ, ડિપ્લોમા ઈન મેડિકલ, લેબ ટેકનોલોજી (DMLT), સીટી સ્કેન જેવા ટેકનિશિયન કોર્સ ચલાવવામાં આવી રહ્યા હતા. વિદ્યાર્થીઓમાંથી ફરિયાદો મળી હતી કે આ સંસ્થા દ્વારા ડોક્યુમેન્ટ લીધા પછી પરત આપવામાં આવ્યા નથી અને એક વિદ્યાર્થીઓ દીઠ 80 હજાર રૂપિયા જેટલી ફી લેવામાં આવી રહી છે. યુથ કોંગ્રેસના આગેવાનોને આ અંગેની ફરિયાદ મળતા સ્થળ પર પંહોચીને તપાસ કરી હતી.

તપાસમાં સામે આવ્યું કે, 15થી 20 વિદ્યાર્થીઓ બેસી શકે તેટલી બેન્ચ મુકવામાં આવી હતી. આ ઉપરાંત જાણવા મળ્યું હતું કે વિધ્યાર્થીઓને પરીક્ષા આપવા છેક બેંગ્લોર મોકલાઈ રહ્યા છે. આ ફરિયાદના આધારે NSUI ના મિતેશ હડિયા અને યુથ કોંગ્રેસના સુરત મહામંત્રી રવિ પૂંછડીયા ઇન્સ્ટિટ્યૂટ પર જઈ તપાસ કરી હતી. જેમાં આ ઇન્સ્ટિટ્યૂટ ખોટી રીતે ચાલતી હોવાનું સામે આવ્યું હતું. આ સંસ્થા સામે કાયદેસની કાર્યવાહી કરવાની તેમજ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય ના બને એ દિશામાં સરકારે યોગ્ય પગલાં લેવા માંગ કરી હતી.

આ પણ વાંચો…Zomato CEOની અનોખી જોબ ઓફર, 20 લાખ જમા કરાવો અને 1 વર્ષ સુધી…

Back to top button