હવે Swiggy કરી રહ્યુ છે છટણીઃ આટલા કર્મચારીઓની જશે નોકરી
ફુડ અને ગ્રોસરીની ડિલિવરી કરનારુ પ્લેટફોર્મ સ્વિગી પણ હવે કર્મચારીઓની છટણી કરવા જઇ રહ્યુ છે. 6000 લોકોના સ્ટાફ વાળી આ કંપની તેના 8થી 10 ટકા એટલે કે 600 જેટલા કર્મચારીઓને છુટા કરી રહી છે. આશ્વર્યની વાત એ છે કે ડિલીવરી પ્લેટફોર્મ તરફથી છટણીના સમાચારો ત્યારે આવ્યા છે, જ્યારે કંપની પોતાનો આઇપીઓ આવતા પહેલા નફો વધારવાના પ્લાનિંગમાં હતી. જોબ કટથી પ્રોડક્ટ, એન્જિનિયરીંગ અને ઓપરેશન્સ ડિવિઝન્સના લોકો પ્રભાવિત થશે. જ્યારે કંપની કેટલાક લોકોને પીઆઇપી (પરફોર્મન્સ ઇંમ્પુવમેન્ટ પ્લાન)માં નાંખશે. કંપની આ માટે ઓક્ટોબરના પરફોર્મન્સનો રિવ્યુ પણ કરી ચુકી છે.
સ્વિગીને નાણાંકીય વર્ષ 2022માં 3628.9 કરોડ રૂપિયાનું નુકશાન થયુ હતુ અને આ જોતા આગળ હજુ વધુ કોસ્ટ કટિંગ સાથે જોડાયેલા સમાચારો સામે આવી શકે છે. સ્વિગીએ પોતાના તમામ કર્મચારીઓ માટે શુન્યથી પાંચની વચ્ચે રેટિંગ સ્કેલ બનાવ્યો છે અને જેને બે રેટિંગ અપાયુ છે તેને પીઆઇપી અંગે બતાવીને ચેતવણી આપવામાં આવી છે. સુત્રો જણાવે છે કે છેલ્લા છ મહિનાથી કંપની ખુબ જ દબાણમાં હતી. છેલ્લા થોડાક સમયથી ટીમોમાં બદલાવ કરવામાં આવી રહ્યો છે. કર્મચારીઓને ટાર્ગેટ કરવાનું પણ કહેવામાં આવી રહ્યુ છે.
ઉલ્લેખનીય છે કે સ્વિગી પહેલા જાણીતી ટેક કંપની માઇક્રોસોફ્ટે પણ 10,000 કર્મચારીઓને નોકરીમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો છે. આ આંકડો દુનિયાભરમાં કામ કરી રહેલા કુલ કર્મચારીઓના પાંચ ટકા છે. કંપની હાલની આર્થિક સ્થિતિઓ અને કસ્ટમરની બદલતી પ્રાથમિકતાઓના કારણે આ કામ કરી રહી છે. સ્વિગી અને માઇક્રોસોફ્ટ પહેલા મેટા, એમેઝોન, ઝોમેટો પણ કર્મચારીઓને ઘરભેગા કરી ચુકી છે.
આ પણ વાંચોઃ શેરબજારમાં ટ્રેડિંગ કરતા લોકો માટે સારા સમાચારઃ 27 જાન્યુઆરીથી T+1 સિસ્ટમ લાગુ!