હવે શિંદે-સેનાનો દાવોઃ ઉદ્ધવ જૂથના નવા સાંસદો NDAમાં જોડાવા માગે છે
મુંબઈ, 8 જૂનઃ લોકસભા ચૂંટણી 2024નાં પરિણામોની જાહેરાત બાદ મીડિયા અને સોશિયલ મીડિયામાં અટકળોનો દોર અટકવાનું નામ નથી લેતો. હવે સમાચાર આવી રહ્યા છે કે, શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની મુસીબતોમાં કોઈ ઘટાડો થવાના સંકેત દેખાતા નથી. પહેલા, 2019 ની સરખામણીમાં તેમની બેઠકો ઘટી હતી, જ્યારે હવે તેમના બે નવા ચૂંટાયેલા સાંસદોએ મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેનો સંપર્ક કર્યો છે. તેમણે NDAમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી છે એવો દાવો શિવસેના શિંદે જૂથે કર્યો છે.
તાજેતરની લોકસભા ચૂંટણીમાં શિવસેના શિંદે જૂથના નેતા અને નવા ચૂંટાયેલા સાંસદ નરેશ મહાસ્કેએ કહ્યું છે કે શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના બે નવા ચૂંટાયેલા સાંસદોએ એકનાથ શિંદેનો સંપર્ક કર્યો છે. તે એનડીએ અને શિવસેના શિંદે સાથે આવવા માંગે છે. શિંદે જૂથનો દાવો છે કે ઉદ્ધવ જૂથના 2 સાંસદો સંપર્કમાં છે અને 4 વધુ સાંસદો પણ લાઈનમાં જ છે, જેઓ ટૂંક સમયમાં શિંદે જૂથનો સંપર્ક કરવાના છે.
શિંદે જૂથના નરેશ મ્હસ્કેના આ નિવેદનથી UBT ગ્રુપમાં હલચલ મચી ગઈ છે. હાલમાં ઉદ્ધવ જૂથના કોઈ નેતા આ અંગે વાત કરવા તૈયાર નથી. મુખ્યપ્રધાન એકનાથ શિંદેની પાર્ટી શિવસેનાએ પાર્ટીમાં બળવો થયા બાદ પહેલીવાર મહાયુતિ સાથે મળીને લોકસભાની ચૂંટણી લડી હતી, જે 15 બેઠકો પર ચૂંટણી લડી હતી, જ્યારે ઉદ્ધવ જૂથની શિવસેનાને કુલ 9 બેઠકો મળી હતી. જ્યારે શિંદે સેનાને 7 બેઠકો મળી હતી.
આ અગાઉ પણ શિવસેનાના ધારાસભ્ય સંજય શિરસાટે શુક્રવારે દાવો કર્યો હતો કે શિવસેના (UBT) ના કેટલાક નેતાઓ આગામી થોડા દિવસોમાં તેમની પાર્ટીમાં જોડાશે. મીડિયા સાથે વાત કરતા શિરસાટે કહ્યું કે શિવસેના (યુબીટી)ના કેટલાક મહત્વના લોકો 10 જૂન પહેલા અમારી પાર્ટીમાં જોડાશે. લોકસભા ચૂંટણી પછી, કેટલાક શિવસેના (યુબીટી) નેતાઓએ દાવો કર્યો હતો કે મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેનાના પાંચ-સાત ધારાસભ્યો ટૂંક સમયમાં પક્ષ બદલી લેશે.
મહારાષ્ટ્રમાં જોકે આ વખતે NDAને મોટો ઝટકો લાગ્યો છે. તેને માત્ર 17 બેઠકો મળી છે. તે જ સમયે, ઈન્ડી ગઠબંધનને 30 બેઠકો મળી છે જેમાં કોંગ્રેસને 13, શિવસેનાને 9 અને NCP શરદ પવારને 8 બેઠકો મળી છે. વર્ષ 2019માં NDAએ મહારાષ્ટ્રમાં કુલ 41 સીટો જીતી હતી, જેમાં ભાજપે એકલા હાથે 23 બેઠકો પર ઝંડો ફરકાવ્યો હતો. જ્યારે ઉદ્ધવની શિવસેનાને 18 બેઠકો મળી હતી.