કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

હવે પાટીદારો મેદાનમાંઃ કાજલ હિન્દુસ્તાની પર FIR નહિ થાય તો ગુજરાત બંધની ચીમકી

મોરબીઃ 30 માર્ચ 2024, બેફામ વાણીવિલાસ માટે જાણિતી કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર સમાજની દીકરીઓ વિશે કરેલી અભદ્ર ટિપ્પણીનો વિવાદ વધુ વકર્યો છે. આજે પાટીદાર સમાજ દ્વારા બાઈક-કારની મહારેલી યોજી કલેક્ટર કચેરીએ આવેદન પાઠવ્યું હતું. જેમાં કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ કાર્યવાહી કરવા 48 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું અને કાર્યવાહી નહિ કરાય તો પાટીદાર મહાસંમેલન બોલાવવાની તેમજ મોરબી બંધ અને ગુજરાત બંધ સુધીના આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. પાટીદાર સમાજના અગ્રણીઓ, સંસ્થાઓ, એસો.ના આગેવાનો અને ઉદ્યોગપતિઓ તેમજ રાજકીય આગેવાનો સહિતનાઓએ આજે નવા બસ સ્ટેન્ડથી મહારેલી યોજી હતી. બાઈક અને કાર રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરીને સૂત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરી પહોંચી હતી.

પાટીદાર સંસ્થાઓએ રેલી યોજી કલેક્ટરને આવેદન આપ્યું
પાટીદાર સમાજ અગ્રણી પોપટ કગથરાએ જણાવ્યું હતું કે કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર દીકરીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરી હોવાથી આવેદન આપવા આવ્યા હતાં તેમજ એસપીને પણ મળ્યા હતા. ઠાલાં વચનોથી પાટીદાર સમાજ નારાજ છે અને સંતોષ થયો નથી. જેથી 48 કલાકમાં અરજી પરથી FIR દાખલ ના થાય તો મહાપાટીદાર સંમેલન બોલાવાશે જેની જવાબદારી તંત્રની રહેશે. પાટીદાર અગ્રણી ટી.ડી.પટેલે જણાવ્યું હતું કે કાજલ હિન્દુસ્તાનીએ જે ટિપ્પણી કરી છે તેની સામે અગાઉ માફીની માગ કરી હતી કે માફી માગી લો અને આવો કોઈ બનાવ બન્યો નથી એવું સ્વીકારી લો પરંતુ તેમણે માફી માગી નથી જેથી આજે પાટીદાર સમાજ અને સંસ્થાઓએ રેલી યોજી કલેક્ટરને આવેદન આપ્યું છે.

કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવા માગ
સમાજની શાંતિ ડહોળનાર વિરુદ્ધ કાર્યવાહી કરવા માગ કરી છે. અન્યથા આ માત્ર ટ્રેલર હતું, પિક્ચર અભી બાકી હૈ, સમગ્ર ગુજરાતના પાટીદારોને એકત્ર કરીશું અને મોરબી બંધ તેમજ ગુજરાત બંધ સુધીનું એલાન કરાશે એમ તેમણે જણાવ્યું હતું.રેલી અને આવેદન અંગે જિલ્લા કલેક્ટર કે.બી.ઝવેરીએ જણાવ્યું હતું કે પાટીદાર સમાજે રેલી યોજી આવેદન આપ્યું, જેમાં પાટીદાર દીકરીઓ પર ટિપ્પણી કરનાર કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવા માગ કરી હતી. એ અંગે એસપીને કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવશે અને વિના વિલંબે કાર્યવાહી થાય એની કાળજી લેવામાં આવશે.

આ પણ વાંચોઃરાજકારણ સમાજમાં ફાંટા પડાવે છે, ગઈકાલની બેઠકનું સમાધાન મંજૂર નથીઃ પદ્મિનીબા

Back to top button