હાલમાં તમે જ નહીં પણ સૌ કોઈ છે ખાંસી-ઉધરસથી પરેશાનઃ જાણો શું કહે છે એક્સપર્ટ
લગભગ એક મહિનો થઇ ગયો, પરંતુ આ વખતે ખાંસીના દર્દીઓની સંખ્યા ઘટી રહી નથી. માત્ર દિલ્હી જેવા પોલ્યુટેડ શહેરોમાં જ નહીં, પરંતુ અન્ય શહેરોમાં પણ આવા કેસ વધી ચુક્યા છે. વાઇરલ ઇન્ફેક્શન થાય ત્યારે ખાંસી આવતી હોય છે, હવે આ ઇંફેક્શન તો ઠીક થઇ ગયુ છે, પરંતુ ખાંસી અને કફની બિમારી ઠીક થઇ રહી નથી. તેનાથી ઉલટુ એકવાર ખાંસી થાય છે પછી તે ઘણા દિવસો સુધી જતી નથી. આ કારણે ગળા અને છાતીમાં દુખાવાની તકલીફ થાય છે.
પોલ્યુશન અને ઠંડીથી બચવુ જરૂરી
ડોક્ટર્સ આ અંગે કહી રહ્યા છે કે પ્રદુષણ, હવામાન અને ઇન્ફેક્શનના કારણે ખાંસી લાંબી ચાલે છે. સાથે સાથે દર્દીની બેદરકારી પણ આમાં મહત્ત્વની ભુમિકા ભજવે છે. એશિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સમાં રેસ્પિરેટરી વિભાગના ડિરેક્ટર ડો. માનવ મનચંદા કહે છે કે ખાંસી ઘણા કારણોસર લાંબી ચાલે છે. એક તો ફ્લુનો વાઇરસ જે ખુબ જ ફેલાયેલો છે. હવામાન પણ વારંવાર બદલાઇ રહ્યુ છે. તેનાથી લોકોને ઠંડી લાગી રહી છે અને ચેસ્ટ કંજેશન થઇ રહ્યુ છે. જેના કારણે ખાંસી આવી રહી છે. પ્રદુષણનું સ્તર વધવાની સાથે લોકોને નેઝલ એલર્જી અને બ્રોંકાઇટિસની સમસ્યા થઇ રહી છે. ખાંસી એટલે સતત મહિનો મહિનો ચાલી રહી છે કેમકે લોકોને તાવ આવે છે ત્યારે સાથે બ્રોંકાઇટિસ પણ થઇ જાય છે. લોકો વાઇરલ માટે તો દવા લઇ લે છે, પરંતુ બ્રોંકાઇટિસને પકડી શકતા નથી. આવા ઘણા પેશન્ટ્સ ઓપીડીમાં આવી રહ્યા છે, જેમનુ વાઇરલ તો ખતમ થઇ ગયુ છે, પરંતુ તેમને પોસ્ટ વાઇરલ બ્રોંકાઇટિસ થઇ રહ્યો છે. તેનો અલગ અલગ ઇલાજ કરવાનો હોય છે. અન્ય એક ડોક્ટર કહે છે કે ખાંસી લાંબી ચાલવાનું સૌથી મોટુ કારણ વાતાવરણમાં ફેલાયેલુ પ્રદુષણ છે.
આ બેદરકારી પડી રહી છે ભારે
- ઘણા બધા પેશન્ટ જાતે પોતાનો ઇલાજ કરવાની કોશિશ કરે છે અને પછી સાજા ન થતા ડોક્ટર પાસે જાય છે.
- કેટલાક લોકો પોતાની જાતે જ નેબ્યુલાઇઝર અને ઇનહેલરનો ઉપયોગ કરે છે. તેના લીધએ ચક્કર આવવા, ધબકારા વધી જવા કે પોટેશિયમ લેવલ ઘટવા જેવી સમસ્યાઓ થાય છે.
- ઘરે ને ઘરે ઇલાજ કરીને, વસ્તુને સિરીયસલી નહીં લેવાના કારણે ન્યુમોનિયા જેવી સ્થિતિનું પણ નિર્માણ થાય છે. વાઇરલ અંદર ને અંદર વકરે છે.
- કેટલાક દર્દીઓ તાવ ઉતરી જાય ત્યારે ખુદને ઠીક સમજી લે છે અને બહાર નીકળવા લાગે છે, ફરી ઠંડી અને ઇન્ફેક્શનના સંપર્કમાં આવે છે. તેમનું શરીર હજુ તેના માટે રેડી હોતુ નથી. આ કારણે ખાંસી લાંબી ચાલે છે.
આ રીતે મળશે આરામ
ડોક્ટર્સનું કહેવુ છે કે જો એકાદ બે દિવસથી લાંબો સમય ખાંસી રહે તો તમારા ડોક્ટરની સલાહ લઇને જ કોઇક દવા લો. આ ઉપરાંત કેટલીક સાવધાનીઓ રાખવાની જરૂર છે, જેથી ખાંસીમાં ઝડપથી આરામ મળે. ઘરમાં જો એરપ્યુરિફાયર હોય તો ખાંસીના દર્દી તેને રુમમાં જરૂર લગાવે. પ્રદુષણમાં જતા બચો. જો જવુ જ પડે એમ હોય તો એન-95 માસ્ક લગાવો. વધુમાં વધુ પાણી પીવો. હુંફાળુ પાણી પીવો તો બહેતર છે. તડકામાં બેસો. જામફળ જેવા ઠંડા ફળો ન આરોગો. દુધ-દહીં ઠંડા ન ખાવ.
આ પણ વાંચોઃ ‘Pathaan’ની બોક્સ ઓફિસ પર ધમાલ