આ રાજ્યમાં શરૂ થશે ‘લાડલા ભાઈ યોજના’, પુરુષોને પણ મળશે રૂપિયાની સાથે નોકરી
- હવે લાડલી બેન યોજનાની જેમ છોકરાઓ માટે લાડલા ભાઈ યોજના શરૂ થવા જઈ રહી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ વિધાનસભા ચૂંટણી પહેલા બુધવારે આ મોટી જાહેરાત કરી છે
મહારાષ્ટ્ર, 17 જુલાઈ: ઘણી વખત સરકાર દીકરીઓ અને મહિલાઓને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે અનેક યોજનાઓ શરૂ કરતી રહે છે. આ લોકપ્રિય યોજનાઓમાંની એક લાડલી બેન યોજના છે. ત્યારે હવે મહારાષ્ટ્ર સરકારે ભાઈઓ માટે પણ લાડલી બેન યોજનાની જેવી જ લાડલા ભાઈ યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રાજ્યના યુવાનોને ભેટ આપતાં હવે મુખ્ય પ્રધાન લાડલીબહેન પછી ‘લાડલા ભાઈ યોજના’ શરૂ કરવાની જાહેરાત કરી છે. ચાલો જાણીએ આ યોજના હેઠળ યુવાનોને શું લાભ મળશે.
યોજનાનો શું થશે ફાયદો?
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પંઢરપુરમાં લાડલા ભાઈ યોજના અંગે જાહેરાત કરી છે. આ યોજના હેઠળ સરકાર 12મું પાસ કરનારા યુવાનોને દર મહિને રૂ. 6,000, ડિપ્લોમા કરનારા યુવાનોને રૂ. 8,000 અને સ્નાતક યુવાનોને દર મહિને રૂ. 10,000 આપશે.
નોકરીમાં પણ થશે ફાયદો
લાડલા ભાઈ યોજના હેઠળ યુવક એક વર્ષ માટે ફેક્ટરીમાં એપ્રેન્ટિસશીપ કરશે, ત્યારબાદ તેને કામનો અનુભવ મળશે અને તે અનુભવના આધારે તેને નોકરી મળશે. સીએમ શિંદેએ કહ્યું કે એક રીતે અમે કુશળ માનવબળ તૈયાર કરી રહ્યા છીએ. અમે રાજ્યની સાથે દેશના ઉદ્યોગોને કુશળ યુવાનો આપવાના છીએ. યુવાનોને તેમની નોકરીમાં કુશળ બનાવવા માટે સરકાર ચૂકવણી કરવા જઈ રહી છે.
CM શિંદેએ શું કહ્યું?
સીએમ એકનાથ શિંદેએ કહ્યું છે કે આ યોજના હેઠળ અમારી સરકાર અમારા રાજ્યના યુવાનોને ફેક્ટરીઓમાં એપ્રેન્ટિસશિપ કરવા માટે પૈસા આપવા જઈ રહી છે જ્યાં તેઓ કામ કરશે. ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે કોઈ સરકારે આવી યોજના લાવી હોય, આ યોજના દ્વારા અમે બેરોજગારીનો ઉકેલ શોધી કાઢ્યો છે. આ યોજના હેઠળ અમારા યુવાનોને કારખાનાઓમાં એપ્રેન્ટિસશીપ મળશે અને સરકાર તેમને સ્ટાઈપેન્ડ આપશે.
આ પણ વાંચો: સફળતા આને કહેવાય: ફૂટપાથ પર શાકભાજી વેચતી મહિલાનો પુત્ર બન્યો CA,વાયરલ વીડિયો કરી દેશે ભાવુક