હવે કાશ્મીર બ્રિટનની ચૂંટણીનો પણ મુદ્દો બન્યો, પક્ષ-વિપક્ષ આવી ગયા સામસામે
લંડન, 19 જૂન, 2024: બ્રિટનમાં આવતા મહિને સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ત્યાં પણ કાશ્મીર મુદ્દો ચમક્યો છે. યુકેમાં હાલના શાસક પક્ષના એક ઉમેદવારે પોતાને મત આપવાની અપીલ કરતો પત્ર ભારતીય સમુદાયને લખ્યો છે, જેને કારણે વિવાદ જાગ્યો છે. બ્રિટનના વિપક્ષ લેબર પાર્ટીએ સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવાર દ્વારા મતદારોને લખેલા પત્રની ટીકા કરી છે. કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવાર દ્વારા લખાયેલા પત્રમાં મતદારોને અપીલ કરવામાં આવી છે કે તેઓ લેબર પાર્ટીના બ્રિટિશ ભારતીય ઉમેદવારને બદલે તેમને મત આપે જેથી કરીને બ્રિટિશ સંસદમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવવામાં આવે તે સુનિશ્ચિત કરી શકાય. લેબર પાર્ટીએ પત્રને ‘વિભાજનકારી’ ગણાવ્યો હતો.
ઈંગ્લેન્ડના વેસ્ટ મિડલેન્ડ્સ પ્રદેશમાં ડુડલી બેઠકના ટોરી (કન્ઝર્વેટિવ) ઉમેદવાર માર્કો લોન્ગી દ્વારા જારી કરાયેલા સત્તાવાર પ્રચારપત્રનો પ્રારંભ મુસ્લિમોને ઈદ અલ-અદહાની શુભકામનાઓ સાથે થયો છે. આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી ટર્મ માટે ચૂંટાયા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ડુડલીમાં બ્રિટિશ પાકિસ્તાની/કાશ્મીરી સમુદાયના મતદારોને સંબોધવામાં આવેલા પત્રમાં લખ્યું હતું કે, ‘તાજેતરમાં આપણે ભારતમાં મોદીની પાર્ટી બીજેપીને ફરીથી ચૂંટાતી જોઈ છે. આનો અર્થ એ છે કે આગામી મહિનાઓમાં કાશ્મીરના લોકો માટે વધુ મુશ્કેલ સમય આવશે.’
પત્રમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, ‘નરેન્દ્ર મોદીએ તાજેતરમાં સ્પષ્ટ કર્યું છે કે તેઓ કાશ્મીરને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા જઈ રહ્યા છે, જેનો અર્થ એ થશે કે કાશ્મીરીઓના તમામ સાર્વભૌમ અધિકારો અને તેમનો વિશેષ દરજ્જો સંપૂર્ણપણે ખતમ થઈ જશે. હું 2019 માં તમારા સાંસદ તરીકે ચૂંટાયો હતો અને હું કાશ્મીરના લોકો પર ભારત સરકારના અત્યાચારો સામે બોલવામાં સૌથી આગળ રહ્યો છું.’
શાસક પક્ષના આ ઉમેદવારે લખેલા પત્રમાં મતદારોને 4 જુલાઈએ યોજાનારી યુકેની સામાન્ય ચૂંટણીમાં મત આપવા અપીલ કરવામાં આવી છે કે “કાશ્મીર માટે સંસદમાં કોણ બોલશે? શું તે હું હોઈશ કે લેબર પાર્ટીના સંસદીય ઉમેદવાર સોનિયા કુમાર?”
શાસક પક્ષના ઉમેદવારના આવા ભાગલાવાદી પ્રચારનો સોનિયા કુમારે જવાબ આપતા કહ્યું કે તેઓ માનતા નથી કે તેમના મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતી વખતે ધર્મ કે વારસો કોઈ ભૂમિકા ભજવે છે. ‘હું આપણી NHS [નેશનલ હેલ્થ સર્વિસ]માં ફિઝિયોથેરાપિસ્ટ તરીકે કામ કરું છું અને ડુડલીમાં તમામ લોકોને મદદ કરું છું, પછી તેમની પૃષ્ઠભૂમિ ગમે તે હોય,’ તેણીએ કહ્યું. લેબર ઈન્ડિયન ડાયસ્પોરા ઓર્ગેનાઈઝેશન તથા લેબર બ્રિટિશ ઈન્ડિયન ઉમેદવાર રાજેશ અગ્રવાલે આ મુદ્દે લોન્ગીની ટીકા કરી હતી અને વડાપ્રધાન ઋષિ સુનકને તેમની પાર્ટીને લોન્ગી માટેનું સમર્થન પાછું ખેંચવાની અપીલ કરી હતી.
લેબર પાર્ટીના સમર્થક ભારતીયો દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘લેબર પાર્ટીના ભારતીયો રાજકીય લાભ માટે ડુડલીમાં સમુદાયોને વિભાજિત કરવાની માર્કો લોન્હીની ઘેરી વિભાજનકારી વિચારધારા અને પગલાંની નિંદા કરે છે.’
ઈન્દોરમાં જન્મેલા ઉદ્યોગસાહસિક-રાજકારણી અગ્રવાલ જેઓ લેસ્ટર ઈસ્ટમાંથી લેબર સાંસદ તરીકે ચૂંટાઈ આવવા ચૂંટણી લડી રહ્યા છે તેમણે કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવારના આ પત્રને ‘સમુદાયોને વિભાજીત કરવાનો શરમજનક પ્રયાસ’ ગણાવ્યો. તેમણે કહ્યું, ‘લોંગી જે પ્રકારની રાજનીતિ કરી રહ્યા છે તેના પ્રત્યે ઝીરો ટોલરન્સ હોવી જોઈએ. ઋષિ સુનકે આ અંગે સ્પષ્ટતા કરવી જોઈએ અને લોન્ગીની ઉમેદવારીને તેમના પક્ષનો ટેકો તરત જ પાછો ખેંચી લેવો જોઈએ અને બ્રિટિશ ભારતીયોને અલગ કરવાના પ્રયાસ બદલ માફી માંગવી જોઈએ.’