હવે ડેસ્ટિનેશન પર પહોંચવું વધુ મોંઘું થશે, આ તારીખથી ટોલ ટેક્સ આટલો વધી જશે !
‘હવે રસ્તામાં ઘણા ટોલ ખૂલ્યા છે’, ‘ટોલ ટેક્સ પણ ઘણો વધી ગયો છે’… આવી વાતો આપણે લોકો પાસેથી વારંવાર સાંભળીએ છીએ. જોકે હવે લોકોએ વધુ ટેક્સ ભરવો પડશે. ટૂંક સમયમાં સામાન્ય જનતાને મોટો આંચકો લાગવા જઈ રહ્યો છે. નેશનલ હાઈવે (NH) અને એક્સપ્રેસવે પર મુસાફરી કરતા લોકોએ આવતા મહિનાથી વધુ પૈસા ખર્ચવા પડશે. મળતી માહિતી મુજબ 1લી એપ્રિલથી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા ટોલના દરમાં વધારો થવાની સંભાવના છે. એક રિપોર્ટ અનુસાર ટોલ રેટ 5% થી 10% વધશે.શું છે ટોલ ટેક્સનો નિયમ
રાષ્ટ્રીય ધોરીમાર્ગ ફી નિયમો, 2008 મુજબ, 1 એપ્રિલથી દર વર્ષે ફીના દરોમાં સુધારો કરવાનો હોય છે. આમાં, જરૂરિયાતોને આધારે સમય સમય પર ચોક્કસ ટોલને લગતા મુદ્દાઓ પર નીતિગત નિર્ણયો લેવામાં આવે છે. માર્ગ પરિવહન મંત્રાલય આ મહિનાના છેલ્લા અઠવાડિયા સુધીમાં દરખાસ્તોની સમીક્ષા કરતી વખતે યોગ્ય વિચારણા કર્યા પછી નવા દરોને મંજૂરી આપી શકે છે. કાર અને હળવા વાહનો માટે ટોલ દર પાંચ ટકા અને અન્ય ભારે વાહનો માટે તે 10 ટકા સુધી જવાની સંભાવના છે.
નવી દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર પણ ટોલ વધશે
તાજેતરમાં શરૂ કરાયેલા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર પણ ટોલ દરો વધારવામાં આવશે. હાલમાં નવા ખુલેલા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના સેક્શન પર પ્રત્યેક કિલોમીટર માટે રૂ. 2.19 વસૂલવામાં આવે છે, જેમાં લગભગ 10 ટકાનો વધારો કરવામાં આવશે. આ સિવાય ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે અને દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે અને અન્ય એક્સપ્રેસ વે ના ટોલ દરોમાં પણ વધારો થવાની શક્યતા છે.