ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે સતત મજબૂત થતા સંબંધોમાં ગુરુવારે એક નવો અધ્યાય ઉમેરાયો છે. સાઉદી અરેબિયાએ નિર્ણય લીધો છે કે ભારતીય નાગરિકોને હવે દેશમાં વિઝા મેળવવા માટે પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ (પીસીસી) સબમિટ કરવાની જરૂર રહેશે નહીં. દિલ્હીમાં સાઉદી એમ્બેસીએ ટ્વિટ કર્યું, સાઉદી અરેબિયા અને ભારત વચ્ચેના મજબૂત સંબંધો અને વ્યૂહાત્મક ભાગીદારીને જોતાં, કિંગડમે ભારતીય નાગરિકોને પોલીસ ક્લિયરન્સ પ્રમાણપત્રો સબમિટ કરવાથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે.
સાઉદીમાં વસતા 20 લાખ ભારતીયોના યોગદાનની પ્રસંશા
દૂતાવાસ દ્વારા જારી કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય નાગરિકોએ હવે વિઝા મેળવવા માટે PCC સબમિટ કરવાની જરૂર રહેશે નહીં. બંને દેશો વચ્ચે વધી રહેલા સંબંધોને વધુ સુધારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. દૂતાવાસ સાઉદી અરેબિયામાં શાંતિપૂર્ણ રીતે રહેતા 20 લાખ ભારતીય નાગરિકોના યોગદાનની પ્રશંસા કરે છે.
ધંધા રોજગાર ક્ષેત્રે નવી તકો ઉભી થવાની શકયતા
સાઉદી અરેબિયા દ્વારા લેવામાં આવેલા નિર્ણયના કારણે ભવિષ્યમાં ધંધા રોજગારની ઉત્તમ તકો ઉભી થવાની છે. વિદેશ અને ખાસ કરીને સાઉદી અરેબિયા જેવા દેશોમાં નોકરી કે ધંધો કરવા જવાનું ઇચ્છતા લોકો માટે આ નિર્ણય ખુબ જ આવકારદાયક છે.