ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસાયન્સ એન્ડ ટેકનોલોજી

હવે ભારત પણ પોતાની સ્પેસ ફોર્સ બનાવશે, એરફોર્સે બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી

  • અમેરિકા અને ચીન જેવા દેશો અંતરિક્ષમાં પોતાનું વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કરી રહ્યા છે
  • ભારત પણ અંતરિક્ષમાં પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે
  • અત્યારે રશિયા અને અમેરિકા સિવાય સ્પેસ ફોર્સ ચીન પાસે છે

નવી દિલ્હી, 11 ડિસેમ્બર: અવકાશ ક્ષેત્રે સતત સફળતાનો ઝંડો લહેરાવતું ભારત હવે વધુ એક પગલું આગળ વધારવાની તૈયારી કરી રહ્યું છે. ભારતે આકાશની સાથે સાથે અંતરિક્ષની પણ શક્તિ બનવાનું નક્કી કર્યું છે. ભારતીય વાયુસેના (IAF)એ આ મામલે ચીનની બરાબરી કરવા માટે રોડમેપ પણ તૈયાર કર્યો છે. તેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સૈદ્ધાંતિક માળખું પણ તૈયાર કરવામાં આવ્યું છે. એટલું જ નહીં તેની નવી ભૂમિકા માટે ભારતીય વાયુસેના ટૂંક સમયમાં તેના નવા નામ સાથે નવા અવતારમાં ઉભરી આવશે.

ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ એજન્સીના સહયોગથી એરફોર્સ તેના કર્મચારીઓને અવકાશની વિવિધ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને મોટા પાયા પર તાલીમ પણ આપશે. આ અંતર્ગત હૈદરાબાદમાં સ્પેસ વોર ટ્રેનિંગ કમાન્ડની પણ સ્થાપના કરવામાં આવી રહી છે. આ સંસ્થા હેઠળ અવકાશ કાયદાની તાલીમ માટે અલગ કોલેજ પણ બનાવવામાં આવશે. આ કોલેજમાં આંતરરાષ્ટ્રીય અવકાશ કાયદામાં નિપુણ વ્યાવસાયિક દળો તૈયાર કરવામાં આવશે.

ભારતીય વાયુસેના (IAF) 60 ટકા ખર્ચ ઉઠાવશે

સ્પેસ ફોર્સ બનવા માટે એરફોર્સ સ્પેસ સેટેલાઇટનો મોટો કાફલો તૈયાર કરી રહી રહી છે. ભારતીય વાયુસેના આગામી 7 થી 8 વર્ષમાં ખાનગી ક્ષેત્રની મદદથી ભારતમાં 100 થી વધુ મોટા અને નાના લશ્કરી ઉપગ્રહો સ્થાપિત કરવા માંગે છે. આનો ઉપયોગ કોમ્યુનિકેશન, હવામાનની આગાહી, નેવિગેશન, રિયલ ટાઈમ સર્વેલન્સ જેવી પ્રવૃત્તિઓ માટે કરવામાં આવશે. વાયુસેનાએ નિર્ણય લીધો છે કે તે આ ઉપગ્રહોના પ્રક્ષેપણમાં થતા ખર્ચના 60% ભોગવશે. જ્યારે ISRO અને DRDO લોન્ચિંગમાં મુખ્ય ભૂમિકા ભજવશે.

વાયુસેનાએ DRDOને આવા વિમાન પર કામ કરવા માટે પણ વિનંતી કરી છે, જે અંતરિક્ષમાં સરળતાથી ઉડી શકે. DRDO હવે આના પર કામ કરી રહ્યું છે. આમાં એરોસ્પેસ સંબંધિત ખાનગી કંપનીઓને પણ સામેલ કરવાનો પ્રસ્તાવ છે. આ ભારતના અવકાશના લશ્કરીકરણની શરૂઆત છે. ભવિષ્યની લડાઈઓ જમીન, સમુદ્ર, આકાશ તેમજ સાયબર અને સ્પેસ ફિલ્ડમાં લડવામાં આવશે. ભારત હવે સુરક્ષા માટે અંતરિક્ષમાં તેના રક્ષણાત્મક અને આક્રમક બળોને વધારવા પર કામ કરી રહ્યું છે.

ભારતીય વાયુસેના હવે અંતરિક્ષમાં પણ પોતાના મહત્વના ઠેકાણાઓને સુરક્ષિત રાખવા માટે તેની રક્ષણાત્મક ક્ષમતા વધારવા માંગે છે. અમેરિકા અને ચીન જેવા દેશો અંતરિક્ષમાં પોતાનું વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ભારત પણ અંતરિક્ષમાં પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. અત્યારે રશિયા અને અમેરિકા સિવાય સ્પેસ ફોર્સ ચીન પાસે છે. ટૂંક સમયમાં ભારત પણ આ યાદીમાં સામેલ થશે.

સ્પેસ ફોર્સ શું છે?

સ્પેસ ફોર્સને ‘એસ્ટ્રોનોટ સોલ્જર’ તરીકે ગણી શકાય. જેનો અર્થ છે કે આવા લડાયક સૈનિકોને અવકાશની સુરક્ષા માટે તાલીમ આપવામાં આવશે. જો કે, આ ફોર્સ થોડી અલગ છે કારણ કે આ લડવૈયાઓ અવકાશમાં તૈનાત કરવામાં આવશે નહીં પરંતુ તેમના ઉપગ્રહો અને અન્ય અવકાશ વાહનોની સુરક્ષા માટે ત્યાં કામ કરશે.

વર્ષ 2015માં ચીને સ્ટ્રેટેજિક સપોર્ટ ફોર્સની રચના કરી હતી જે સ્પેસ, સાયબર અને ઈલેક્ટ્રોનિક વર્લ્ડ સંબંધિત યુદ્ધ મિશનમાં સામેલ છે. તેવી જ રીતે તત્કાલીન અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષ 2019માં આવી ફોર્સ બનાવવાની વાત કરી હતી અને તે 10 મહિનામાં તૈયાર થઈ ગઈ હતી.

આ પણ વાંચો, ઉત્તરપ્રદેશમાં હિંડન એરબેઝની દીવાલ પાસે સુરંગ મળી આવતા સુરક્ષા બાબતે ચિંતા

Back to top button