ધો. 12ના પાઠ્યપુસ્તકમાં હવે ‘બાબરી મસ્જિદ’ને બદલે “ત્રણ ગુંબજનું માળખું” શબ્દોનો ઉપયોગ
નવી દિલ્હી, 16 જૂનઃ નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) દ્વારા ધોરણ 12 પોલિટિકલ સાયન્સ પાઠ્યપુસ્તકમાં કેટલાક આવકારદાયક ફેરફાર કરવામાં આવ્યા છે. આ પાઠ્યપુસ્તક હવે બજારમાં ઉપલબ્ધ છે. સૌથી નોંધપાત્ર ફેરફાર એ “બાબરી મસ્જિદ” શબ્દને દૂર કરવાનો છે, જેને હવે નવી આવૃત્તિમાં “ત્રણ ગુંબજનું માળખું” તરીકે ઓળખવામાં આવે છે. તે ઉપરાંત અયોધ્યા પરનું પ્રકરણ જે ચાર પાનાનું હતું તે હવે બે પાનામાં સંક્ષિપ્ત કરવામાં આવ્યું છે.
NCERT removes the name of Babri Masjid and calls it a ‘three-domed structure’, Shortens the chapter on Ayodhya dispute in Class 12 social science book.
Includes BJP’s Rath Yatra from Somnath to Ayodhya, the role of kar sevaks, violence after demolition of Babri Masjid & BJP’s… pic.twitter.com/oaIt3raaVI
— Megh Updates 🚨™ (@MeghUpdates) June 16, 2024
ધોરણ-12ના પુસ્તકમાં અયોધ્યા પ્રકરણ નાનું કરી દેવામાં આવ્યું છે. તેમાં ભગવાન રામની રથયાત્રા, કાર સેવકોની ભૂમિકા, માળખાના વિધ્વંસ પછીની હિંસા અને રાષ્ટ્રપતિ શાસન લાદવાના વર્ણન સહિતની સામગ્રી ચાર પાનાથી ઘટાડીને બે કરવામાં આવી છે. વિવાદી માળખાના અગાઉના વર્ણનને મીર બાંકી દ્વારા બાંધવામાં આવેલી 16મી સદીની મસ્જિદને બદલે હવે 1528માં ભગવાન રામના જન્મસ્થળ પર બાંધવામાં આવેલા માળખા તરીકે વર્ણવવામાં આવે છે, જેમાં હિન્દુ ચિત્રો અને મૂર્તિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું મીડિયા અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે.
નોંધપાત્ર છે કે, જૂના પુસ્તકમાં સદીઓથી ખંડેર પડી રહેલા માળખાને પૂજા માટે ખોલવાના 1986ના ફૈઝાબાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટના નિર્ણયની વિગતો આપવામાં આવી હતી, જેના કારણે કોમી તણાવ અને રમખાણો થયા હતા. નવા પુસ્તકમાં આ ઘટનાઓનો સારાંશ આપવામાં આવ્યો છે, જેમાં ત્રણ-ગુંબજની રચના અને ત્યારબાદના કાયદાકીય અને સાંપ્રદાયિક સંઘર્ષોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પુસ્તકની નવી આવૃત્તિમાં સુપ્રીમ કોર્ટના 2019ના ચુકાદાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તે સાથે તત્કાલીન કલ્યાણ સિંહ સરકારને હટાવવા સંબંધિત અખબારોના કટિંગના ફોટા દૂર કરી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં પરંતુ લોકશાહી અધિકારોના પ્રકરણમાંથી ગુજરાત રમખાણોનો ઉલ્લેખ કાઢી નાખવામાં આવ્યો હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે.
આ અહેવાલો અનુસાર, 2014 થી અત્યાર સુધીમાં NCERTના પુસ્તકની આ ચોથી આવૃત્તિ છે જેમાં નવા રાજકીય પ્રવાહો પર આધારિત અપડેટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. નવું પાઠ્યપુસ્તક 2024-25 શૈક્ષણિક સત્ર માટે લાગુ કરવામાં આવશે, જેનો હેતુ શૈક્ષણિક સામગ્રીને સમકાલીન રાજકીય વિકાસ સાથે સંકલિત કરવાનો છે.
ભાજપની રથયાત્રાનો ઉલ્લેખ પણ દૂર કરવામાં આવ્યો
જૂના પાઠ્યપુસ્તકમાં અયોધ્યાની રામ જન્મભૂમિ માટે ભાજપે કાઢેલી રથયાત્રાનું વિગતે વર્ણન હતું, પરંતુ આજે 16 જૂનને રવિવારે પ્રકાશિત થયેલા મીડિયા અહેવાલો અનુસાર નવી આવૃત્તિમાંથી એ રથયાત્રાનો ઉલ્લેખ દૂર કરી દેવામાં આવ્યો છે. ભાજપે રામ જન્મભૂમિ માટે જનસમર્થન મેળવવા માટે 1989-90માં ગુજરાતના સોમનાથથી યુપીના અયોધ્યા સુધી રામ-રથયાત્રા કાઢી હતી.
આ પણ વાંચોઃ રિયાસીમાં યાત્રાળુઓનો હત્યારો પાકિસ્તાનમાં ઠાર મરાયો હોવાનો વાયરલ વીડિયોમાં દાવો