ગુજરાત

હવે અમદાવાદમાં પણ બપોરે 12થી 4 વાગ્યા સુધી સિગ્નલમાંથી છૂટકારો; નિયમ પાલન કરવાની ટ્રાફિક પોલીસની અપીલ

Text To Speech

અમદાવાદઃ રાજકોટ બાદ હવે અમદાવાદમાં પણ ટ્રાફિક પોલીસને વધુ પડતી ગરમીમાંથી રાહત મળી શકે છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ વિભાગે પણ ગરમીના કારણે તમામ ટ્રાફિક સિગ્નલ બપોરે 12થી સાંજના 4 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. હાલમાં આ પ્રયોગ બે દિવસ સુધી કરવામાં આવશે.

આ દરમિયાન પોલીસે વાહનચાલકોને નિયમોનું પાલન કરવા અને આવી ગરમીમાં ટ્રાફિક જામની સમસ્યાથી બચવા અપીલ પણ કરી છે. જો આ પ્રયોગ સફળ થશે તો આ નિર્ણય હજુ થોડા દિવસો માટે લંબાવવામાં આવશે. કાળઝાળ ગરમીમાં બપોરના સમયે વાહનોના ધુમાડા વચ્ચે ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહેવું કપરું બની રહ્યું છે. તેમાંય ચાર પૈડા વાળા વાહનો કરતા ટુવ્હિલર અને થ્રી વ્હિલર વાહનચાલકોની સ્થિતિ દયનીય બની જાય છે. ઉપરથી ગરમીનો પ્રકોપ અને ડામરરોડ તેમાં વધારાનો વાહનોનો ધુમાડો વાહનચાલકોને પરસેવે રેબઝેબ કરી મુકે છે. ત્યારે આવી પરિસ્થિતિમાં લૂ ન લાગે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ટ્રાફિક પોલીસે સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

રાજકોટમાં પણ બપોરે ‘નો સિગ્નલ’
રાજકોટમાં સૂર્યનારાયણના પ્રકોપથી જનજીવન પર તેની ઘેરી અસર જોવા મળી રહી છે, બપોરના સમયે કામ સબબ ઘરની બહાર નીકળતાં લોકો ટ્રાફિક પોઇન્ટ પર પહોંચે ત્યારે સિગ્નલ બંધ હોય ત્યારે લાંબો સમય તેણે તડકામાં પરેશાન થવું પડે છે, લોકોની આ મુશ્કેલીને ધ્યાને લઇ ઇન્ચાર્જ પોલીસ કમિશનરે સંવેદના દાખવીને બપોરના 1થી 4 વાગ્યા સુધી શહેરના તમામ સિગ્નલ બંધ રાખવાનો આદેશ કર્યો છે.

Back to top button