હવે ડૉક્ટર પણ આવું કરે તો કોના ઉપર વિશ્વાસ રાખવાનો?
મહારાષ્ટ્ર, 15 ફેબ્રુઆરી : ક્રાઇમની દુનિયામાં રોજ નવા નવા ગુનાઓ બનતા રહે છે, આપણે ડૉક્ટરને ભગવાન સમાન ગણીએ છીએ, પરંતુ જો એ જ ગુના કરવા લાગશે તો માનવી કોના પર ભરોશો કરશે? ડૉક્ટરની આવી જ એક ગુનાખોરી સામે આવી છે, મહારાષ્ટ્રમાંથી છેતરપિંડી કરતી એક મામલો સામે આવ્યો છે. એક ખેડૂતને ભારતીય રેલવેમાં નોકરી અપાવવાનું વચન આપીને છેતરપિંડી કરવા બદલ ડૉક્ટર અને તેના સહયોગી વિરુદ્ધ નવી મુંબઈ પોલીસ દ્વારા કેસ નોંધવામાં આવ્યો છે. આજે ગુરુવારે એક અધિકારી દ્વારા આ જાણકારી આપવામાં આવી હતી.
રેલવેમાં નોકરીનું વચન
સીબીડી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે, મહારાષ્ટ્રના જલગાંવના રહેવાસી પીડિતએ ગયા વર્ષે 28 નવેમ્બરના રોજ નવી મુંબઈના બેલાપુર વિસ્તારમાં ડૉક્ટરને તેના ક્લિનિકમાં કથિત રીતે 25,000 રૂપિયા આપ્યા હતા, ખેડૂતે દાવો કર્યો હતો કે તેને રેલવેમાં નોકરી અપાવવાનું વચન આપવામાં આવ્યું હતું અને પૈસા ચૂકવ્યા બાદ તેને નકલી નિમણૂક પત્ર પણ આપવામાં આવ્યો હતો.
ખેડૂતે રેલવે પોલીસમાં નોંધાવી ફરિયાદ
ખેડૂતે ઇગતપુરી સ્ટેશન ખાતે સરકારી રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ આ ફરિયાદને CBD પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવી હતી, જ્યાં ભારતીય દંડ સંહિતાની કલમ 420 (છેતરપિંડી), 465 (બનાવટ) અને 34 (સામાન્ય હેતુ) હેઠળ બુધવારે ડૉક્ટર અને તેના સહયોગી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : ઇન્ટરનેટ વગર કામ કરશે આ AI ચેટબોટ, જાણો તેનો ઉપયોગ કેવી રીતે કરવો?