હવે ટ્રાન્સપોર્ટેશન દરમ્યાન ફળો અને શાકભાજી બગડશે નહીં ! જાણો કેમ ?
જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલયના રીન્યુએબલ એનર્જીએન્જીનીયરીંગ વિભાગહસ્તક ચાલતી ઓલ ઈન્ડિયા કો-ઓર્ડીનેટેડ રીસર્ચ પ્રોજેક્ટ ઓન પ્લાસ્ટિક એન્જીનીયરીંગ ઇન એગ્રીકલ્ચરલ સ્ટ્રકચર એન્ડ એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ યોજના દ્વારા ફળો અને શાકભાજી પાકોના પરિવહન દરમ્યાન થતા બગાડ અટકાવવા માટે વિકસાવવામાં આવેલ ફોલ્ડેબલ પ્લાસ્ટિક ખાનાવાળા સંશોધનને પેટન્ટ મળેલ છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીની આ સૌ પ્રથમ પેટન્ટ કે જેને ભારત સરકારની માન્યતા મળવાથી યુનિવર્સીટી“ સુવર્ણ સિદ્ધિ” પ્રાપ્ત થયેલ છે.
વર્ષ 2013 માં સૌપ્રથમ વખત ઉપયોગ થયેલ
રીન્યુએબલ એનર્જી એન્જીનીયરીંગ વિભાગના કૃષિ વૈજ્ઞાનિકો સ્વ. ડો. ડી. કે. અંટાળા, ડો. પી.એમ. ચૌહાણ, ડો.આર.એમ. સતાસીયા, ડો.આર.એ. ગુપ્તા, જે.વી. ભુવા દ્વારા વર્ષ ૨૦૧૩માં આ ફોલ્ડેબલ પ્લાસ્ટિક બોકસનું બાગાયતી પાકોના પરિવહન માટે સંશોધન કરવામાં આવેલ. તેમજ તેની પેટન્ટના રજીસ્ટ્રેશન માટે ભારત સરકારને રજુઆત કરવામાં આવેલ હતી. આ સંશોધન માટે વર્ષ ૨૦૧૭ માં ભારત સરકાર દ્વારા બે રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ એનાયત કરવામાં આવેલ હતા. જેમાં પ્રથમ નેશનલ રિસર્ચ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા સામાજીક ઇનોવેશન એવોર્ડ પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. હર્ષવર્ધન, સાયન્સ અને ટેકનોલોજી મંત્રાલયના હસ્તે તેમજ બીજો એવોર્ડ પેટ્રોકેમિકલ અને પ્લાસ્ટિક પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ, મંત્રાલયના પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વ.અનંતકુમારના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. આ અનુસંધાને બાગાયત પાકોના ઉત્પાદકો, ખેડૂતો તથા તેને સંલગ્ન વેપારીઓ માટે અત્યંત ઉપયોગી એવા ફોલ્ડેબલ પ્લાસ્ટિક ખાનાવાળાબોક્ષની સંશોધન ભલામણો, બુકલેટ, પેમ્ફલેટ, વિગેરે પણ જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી દ્વારા ફોલ્ડેબલ પ્લાસ્ટિક ખાનાવાળા બોક્ષ પર આતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીયકક્ષાના રિસર્ચ પેપરો અને લેખો પણ સંશોધકો દ્વારા પ્રકશિત કરવામાં આવેલ છે.
શું છે આ સંશોધનની વિશિષ્ટતા ?
પોલીપ્રોપીલીન કોરુગેટેડ શીટમાંથી બનાવેલ આ પરિવહન ખાનાવાળા બોક્ષની વિશિષ્ઠતાઓમાં તેને સંપૂર્ણપણે ફોલ્ડ કરી શકાય છે, સ્થળાંતર દરમ્યાન હવાની અવર- જવર સારી રહે તે માટે બોક્ષમાં કાણાઓ રાખવામાં આવેલ છે, આ બોક્ષ ચાર સ્તરનું બનેલુ છે, દરેક સ્તરમાં ફળ કે શાકભાજીને અલગ-અલગ રાખવા માટે તેની સાઈઝ મુજબના એડજસ્ટેબલ ખાનાઓ આપેલા છે. વધુમાં, આ પરિવહન બોક્ષમાં ગોઠવવામાં આવતા ફળો કે શાકભાજી જેમકે ચીકુ, ટામેટા, વિગેરે એકબીજાને સ્પર્શતા ન હોવાથી તેમની વચ્ચે આંતરિક ઘર્ષણ થતું નથી, તેમજ અલગ-અલગ સ્તરમાં ગોઠવેલ ફળ કે શાકભાજી પર કોઈપણ જાતનું દબાણ કે ભારણ ન આવતું હોવાથી તેમાં સંગ્રહિત ફળ કે શાકભાજીનો લાંબા અંતરના પરિવહન દરમ્યાન કોઈપણ જાતનું નુકશાન કે બગાડ થતો નથી. આ પરિવહન બોક્ષ દ્વારા સ્થળાન્તરીત કરવામાં આવેલ ફળ કે શાકભાજીની મૂળભૂત ગુણવત્તાઓ જેમકે સુગંધ, સ્વાદ, કલર, પરિપક્વતા, સખ્તાઈ વિગેરે જળવાઈ રહે છે. આ પરિવહન બોક્ષનો અનેક વાર ઉપયોગ કરી શકાય છે અને તેના ઉપયોગથી પરિવહન ખર્ચ પણ ઘટે છે. ૩૯ સેમી X ૩૨.૫સેમી X ૨૪.૫ સેમીની સાઈઝ ધરાવતું ફોલ્ડેબલ પ્લાસ્ટિક પરિવહન બોક્ષનું વજન માત્ર ૧.૫ કિલો, તેની પરિવહન ક્ષમતા ૧૦ કિલો છે. આપરિવહન બોક્ષના ઉપયોગથી કોથળામાં સ્થળાંતર કરવાની પદ્ધતિની સરખામણીમાં ફળ-શાકભાજી પાકોને જેટલું ઓછું નુકશાન થાય છે. આ પરિવહન બોક્ષ રોડ, રેલ્વે, દરિયાઈ તેમજ હવાઈ માર્ગે સરળતાથી પરિવહન કરવા ખુબજ ઉપયોગી છે.