હવે ગ્રાહકો પોતે જ જોઈ શકશે પોતાનું લાઈટબીલ, PGVCL લગાવશે સ્માર્ટ મીટર
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે કે પીજીવીસીએલ દ્વારા આગામી દિવસોમાં સૌરાષ્ટ્રમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવનાર છે જેના થકી ગ્રાહકો પોતે જ પોતાનું મીટર રીડ કરી શકશે અને કેટલું બીલ છે તે જાણી શકશે. આ પ્રોજેકટને મંજૂરી આપી દેવામાં આવી છે. ટૂંકા ગાળામાં કામગીરી શરૂ કરી દેવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.
બે તબક્કામાં 56 લાખ ગ્રાહકોને આવરી લેવાશે, પ્રથમ 23 મીટર લાગશે
આ અંગે મળતી માહિતી મુજબ રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્ર ઝોનની પીજીવીસીએલ ઓફીસના એમડી દ્વારા આગામી દિવસોમાં સૌરાષ્ટ્રભરમાં ગ્રાહકોને સ્માર્ટ મીટર આપવાની યોજનાની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત તેઓએ જણાવ્યું હતું કે ગ્રાહકો પોતે જ પોતાના મીટર રીડ કરી શકે તેવા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી આગામી થોડા જ દિવસોમાં શરૂ કરવામાં આવશે. આ અંગેનો તખ્તો તૈયાર કરી લેવામાં આવ્યો છે અને તેને મંજૂરી પણ મળી ગઈ છે. વધુમાં તેમણે કહ્યું હતું કે આ યોજના બે તબક્કામાં પૂર્ણ કરવામાં આવનાર છે. જેમાં પ્રથમ ફેસમાં 23 લાખ ગ્રાહકો મળી કુલ 56 લાખ ગ્રાહકો સુધી આ મીટર પહોંચાડવામાં આવનાર છે. ઉપરાંત આગામી 2025 સુધીમાં આ પ્રોજેકટ પૂર્ણ કરવાની હાલ શક્યતા સેવાઈ રહી છે.