

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પહેલા જ તમામ પાર્ટીઓ મેદાનમાં ઉતરી ગઈ છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અત્યારથી તૈયારીઓમાં લાગી ગઈ છે. ત્યારે હવે રાહુલ ગાંધી ગુજરાતમાં પ્રચારનું બિડુ ઝડપશે. રાહુલ ગાંધી હવે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. રાહુલ ગાંધીના પ્રવાસ અંગે કોંગ્રેસના નેતાઓની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઇ. કોંગ્રેસના પ્રભારી ડો રઘુ શર્માએ કહ્યું કે, અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે 5મી તારીખે રાહુલ ગાંધી સંમેલનને સંબોધન કરશે. જેને પરિવર્તન સંકલ્પ બુથ સ્તરીય સંમેલન નામ આપવામાં આવ્યું છે.

કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં અમારા આગેવાનો આ કાર્યક્રમ અંગે કામ કરી રહ્યા છે. બુથના કાર્યકરોમાં ઉત્સાહનો સંચાર કરવા રાહુલ ગાંધી આવી રહ્યા છે. તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે, સરકારમાં પરિવર્તન, બેરોજગારીમાં પરિવર્તન લાવવામાં આવશે. મહિલાઓ ઉપર થતાં અત્યાચારમાં પરિવર્તન, પેપર ફૂટવાની ઘટનામાં પરિવર્તન લાવવા માટેનો સંકલ્પ છે. 52 હજાર બુથ ઉપરના યોદ્ધાઓ તૈયાર કરવામાં આવ્યા છે. આ યોદ્ધાઓને રાહુલ ગાંધી માર્ગદર્શન આપશે.

મહેસાણામાં 7 જેટલા મતદારોમાં ગડબદ નિકળી છે. જેના પગલે હવે અમે તમામ 182 બેઠકોની મતદાર યાદી ચકાસવામાં આવશે. દરેક બેઠક ઉપર એવરેજ 10 હજાર બોગસ મતદારો છે. આવા બોગસ મતદારો રદ્દ કરવા કોંગ્રેસ કાનૂની અને રસ્તાની લડાઈ લડશે. 5મી તારીખે ગુજરાતના રાજકારણમાં આશ્ચર્જનક વળાંક આવશે.
આ પણ વાંચો : એશિયા કપ 2022 : આજે ફરી ભારત પાકિસ્તાન વચ્ચે કાંટાની ટક્કર