હવે WhatsApp ગ્રુપમાં પણ ‘રાજકીય’ મુદ્દા પર ‘આચાર સંહિતા’, જાણો શું છે આ મુદ્દો
વિધાનસભાની ચૂંટણી સાથે ઘણાં પ્રતિબંધો અને આચારસંહિતામાં ઘણાં કડક નિયમો લાગે છે ત્યારે સોશિયલ મીડિયા પર પણ તેનો પ્રતાપ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા અને એમાંય વોટ્સએપ ગ્રુપના એડમિન્સ સક્રિય થઇ ગયા છે અને ગ્રુપમાં કોઈ વિવાદ કે કોઈની લાગણી ન દુભાય તે માટે કોઇએ પણ ‘રાજકીય’ મેસેજીસ ગ્રુપમાં કરવા નહીં તેવી તાકીદ કરી છે.
રાજ્યમાં ચૂંટણી જાહેર થતાંની સાથે જ વિવિધ વોટ્સએપ ગ્રુપ પર એવા મેસેજ ફરતાં થયા હતા કે,’ચૂંટણીની આચારસંહિતાને ધ્યાનમાં રાખીને કોઇ પણ મિત્રએ કોઇ પણ પક્ષ કે સરકારની તરફેણ કે વિરોધના મેસેજ ગ્રુપમાં મૂકવા નહીં.’ આ રીતે એડમિન્સ દ્વારા ‘સોશિયલ મીડિયા’ પર ‘આચાર સંહિતા’ લાગુ કરવાની શરૂઆત કરી દીધી છે !
ચૂંટણીનો માહોલ જામે ત્યારે સોશિયલ મીડિયા સૌથી વધુ એક્ટિવ થઇ જાય છે. વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર જેવા માધ્યમો ઉપર સક્રિય લોકો ચૂંટણીને લગતા ફ્રેશ અને ફોરવર્ડેડ મેસેજીસ કરવા લાગે છે. કોઇ સત્તાપક્ષને ટેકો આપે છે તો કોઇ સત્તાપક્ષના ટાંટિયા ખેંચે છે. આવા મેસેજીસના પગલે ગ્રુપમાં પણ ગરમાવો આવી જાય છે અને મેમ્બર્સ વચ્ચે મનદુખ અને વૈમનસ્ય સર્જાય છે. કેટલાક વોટ્સએપ ગ્રુપના સભ્યો માટે તેના એડમિન્સે એક પ્રકારની આચારસંહિતા ચૂંટણીની તારીખ જાહેર થતાં જ જાહેર કરી દીધી છે.
શું કહે છે ગ્રુપ એડમિન્સ ?
આ ઉપરાંત એડમિન્સે સભ્યોને જણાવ્યું છે કે,’ચૂંટણી કાલે પતી જશે. કોઇ જીતશે અને કોઇ હારશે. પરંતુ ગ્રુપના સભ્યો તો મિત્રો છે અથવા તો કુટુંબના સભ્યો છે. તેમની વચ્ચેના સંબંધોમાં ચૂંટણી કે રાજકારણના પગલે ખટાશ કે તીખાશ આવવી જોઇએ નહીં.’ બીજી તરફ એક ગ્રુપના એડમિને જણાવ્યું હતું કે,’રાજકારણ અને અંગત સંબંધો બે જુદીજુદી વસ્તુ છે. રાજકીય મેસેજીસ સોશિયલ ગ્રુપમાં કરીને એકબીજા સાથેના સંબંધો વણસે એવું ક્યારેય થવું જોઇએ નહીં. મિત્રો વચ્ચે રાજકારણના લીધે મનદુઃખ કે મનભેદ થવા જોઇએ નહી.’
બીજા એક ગ્રુપના એડમિનનું કહેવું હતું કે,’અમારા ગ્રુપમાં કેટલાક એવા મિત્રો છે જેઓ રાજકારણમાં પણ સક્રિય છે. જોકે તેમને અંગત રીતે અમે કહ્યું છે કે ફ્રેન્ડ્સના ગ્રુપમાં તેઓ કોઇ રાજકીય મેસેજ ન કરે. જોકે આ નિયમનો અમલ તેઓ પહેલા પણ કરતા હતા. જેના લીધે અમારા ગ્રુપમાં ‘રાજકીય’ ચડસાચડસી જોવા મળતી નથી.’
જ્યારે એક ગ્રુપના એડમિનનું કહેવું હતું કે,’અગાઉ અમારા ગ્રુપમાં મિત્રો વચ્ચે ચૂંટણી અને ચૂંટણી સિવાય પણ જે રીતે રાજકીય વિચારધારાના પક્ષ કે વિરોધમાં મેસેજ થતાં હતા, તેના કારણે મિત્રો વચ્ચે ખટરાગ થઇ ગયા હતા. સ્કૂલના મિત્રો વર્ષો બાદ મળ્યા અને વોટ્સએપ ગ્રુપથી બધા એકબીજાના સંપર્કમાં રહે છે. ત્યારે આવા રાજકીય મેસેજીસ ના કરવા માટે અને અંગત વિચારધારા ન મુકવા જણાવ્યું છે.’
આ પણ વાંચો : ‘અવસર ઈ-પ્લેડ્જ કેમ્પેઈન’ લોન્ચ થયું : 24 કલાકમાં 1,50,000 થી વધુ મતદારોએ મતદાન માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી