લો કરો વાત, હવે ટ્રેનની ટિકિટના પણ EMI,સમજો-IRCTCની નવી સ્કીમ
પૂરી ફેમિલી સાથે ટ્રેનના ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરવાનુ મન છે કે પછી દેશની કોઈ પ્રીમિયમ ટ્રેનમાં ફરવાની ઈચ્છા છે પરંતુ બજેટ નથી તો ટેન્શન ના લેશો. ટિકિટ બુક કરાવો અને આ ટિકિટના પૈસા બાદમાં ચૂકવી દેજો. ઈ-કોમર્સ પ્લેટફોર્મની આ સફળ રણનીતિને IRCTC પણ અપનાવવા જઈ રહ્યુ છે. ટ્રાવેલ નાઓ પે લેટરની સુવિધા હેઠળ તમે પૈસાની ચૂકવણી વિના રેલવેની ટિકિટ બુક કરાવી શકો છો જે બાદ તમે પોતાના હિસાબે આ પૈસાને ચૂકવી શકો છો.
જાણો-શું છે આ સુવિધા
ટ્રાવેલ નાઓ પે લેટર સુવિધા હેઠળ તમારે ટિકિટ બુક કરતી વખતે રૂપિયા ચૂકવવાના બદલે આ સુવિધા પસંદ કરવાની રહેશે. જે માટે CASHe એ IRCTC સાથે પાર્ટનરશિપ કરી છે. ભાડાની ચૂકવણી કરતી વખતે જ્યારે તમે આ સુવિધાને પસંદ કરો છો તો તમને ભાડાની ચૂકવણી માટે 3 થી 6 EMIનો વિકલ્પ મળે છે. ઈએમઆઈ પસંદ કરવાની સાથે જ તમે તમારી ટિકિટ તે સમયે પૈસા ચૂકવ્યા વિના બુક કરાવી શકો છો અને ભાડુ બાદમાં ચૂકવી શકો છો. મુસાફર આ સુવિધાનો ઉપયોગ ઈમરજન્સી અને જનરલ રિઝર્વેશન બંને માટે કરી શકશો.
CASHe સોશિયલ લોન કવોશન્ટનો ઉપયોગ કરીને યુઝર્સની રિસ્ક પ્રોફાઈલ તપાસે છે અને આના આધારે લોન આપે છે. કંપનીના જણાવ્યા અનુસાર આ માટે એઆઈ આધારિત ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે અને એવા લોકોને પણ લોન આપી શકાય છે જેમને સામાન્ય રીતે લોન મળવી સંભવ હોતી નથી.
આ લોકોને થશે ફાયદો
એવા લોકો જેમના એકાઉન્ટમાં કોઈ કારણોસર ટિકિટ બુક કરાવવાના પૈસા ના હોય અથવા તો તેમના ટ્રેનની મુસાફરીનુ બિલ વધી જતુ હોય એટલે કે પૂરી ફેમિલી સાથે મુસાફરી વગેરે. આવી સ્થિતિમાં મુસાફર આ સુવિધાનો ફાયદો ઉઠાવી શકે છે અને મુસાફરી સમયે ભાડાની ચિંતાથી મુક્ત રહી શકે છે. બચેલા પૈસાનો ઉપયોગ અન્ય કાર્યોમાં પણ કરી શકાય છે અને બાદમાં પૈસા હોય ત્યારે EMI દ્વારા ધીમે ધીમે આ રકમને ચૂકવી શકાય છે. આ સુવિધા, નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, UPI ની જેમ પેમેન્ટનો એક વધુ વિકલ્પ પણ સાબિત થઈ શકે છે.