હદ છે હો… હવે બોટાદમાં રેલવે ટ્રેક પર 4 ફૂટનો પાટાનો ટૂકડો મૂકીને અકસ્માત કરવાનું કાવતરું ઝડપાયું
બોટાદ, 25 સપ્ટેમ્બર, રાજ્યમાં દિવસેને દિવસે કોઈ ને કોઈ રીતે ગુનાહોનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે હવે તો હદ જ કરી નાખી છે. હવે રેલવે ટ્રેક પર ટ્રેન પલટી મારવાના મોટા ષડયંત્રો કરવામાં આવી રહ્યા છે. દેશમાં ટ્રેનને પાટા પરથી ઉથલાવવા માટેના 20થી વધુ પ્રયાસો કરવામાં આવ્યા છે. ત્યારે વધુ એક બનાવ ગુજરાતમાં બોટાદ જિલ્લામાં બનવા પામ્યો છે. જ્યાં કુંડલી ગામ પાસે મોડી રાત્રે રેલવે ટ્રેક પર 4 ફૂટના લોખંડના પાટાનો ટૂકડો ઉભો કરી દેવામાં આવતા ટ્રેનનું એન્જીન બંધ થઈ ગયું હતું. આ બનાવમાં પોલીસે ટ્રેન ઉથલાવવાના પ્રયાસની આશંકા સાથે તપાસ હાથ ધરી છે.
ગુજરાતમાં 4 દિવસ પહેલાં સુરતના કીમ સ્ટેશન નજીક ટ્રેન ઉથલાવવાના પ્રયાસનો પર્દાફાશ થયા બાદ આજે ફરી એકવાર ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો છે. બોટાદના કુંડલી ગામ નજીક મોડી રાત્રે રેલવે ટ્રેક પર 4 ફૂટ ઊંચા પાટાનો ટુકડો કોઇએ ઊભો કરી દીધો હતો જે બાદ મોડી રાત્રે ઓખા-ભાવનગર ટ્રેન તેની સાથે અથડાઇ હતી જેથી એન્જિન બંધ થઈ ગયું હતું. આ અકસ્માતમાં ટ્રેન સહીસલામત ટ્રેક પર ઊભી રહી જતા હજારો લોકોના જીવ બચી ગયા હતા. બોટાદ પોલીસ, LCB, SOG સહિતની ટીમે આ બનાવ કઈ રીતે બન્યો તે અંગે ડોગ-સ્ક્વોડ અને ડ્રોન કેમેરાની મદદથી તપાસ હાથ ધરી છે.
આ ઘટના અંગે બોટાદ જિલ્લા SP કે.એફ. બરોડિયાએ જણાવ્યું હતું કે બોટાદ જિલ્લાના રામપુર કુંડલી ગામથી 2 કિલોમીટરના અંતરે વહેલી સવારે પેસેન્જર ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર જતી હતી ત્યારે કોઈએ રેલવે ટ્રેકની વચ્ચે આશરે ચારેક ફૂટ લંબાઈનો જૂનો પાટાનો ટુકડો ઊભો કરી દીધો હતો. જેના લીધે ઓખા-ભાવનગર ટ્રેન અથડાતાં તે ઊભી રહી ગઈ હતી. જેના કારણે ટ્રેનનું એન્જીન બંધ થઇ ગયું હતું. આ બનાવમાં ટ્રેન સલામત રીતે રેલવે ટ્રેક પર ઉભી રહી જતાં ટ્રેનમાં સવાર મુસાફરોના જીવ બચ્યા હતા. આ પછી બીજા એન્જિનનો ઉપયોગ કરીને ટ્રેન શરૂ કરવામાં આવી હતી.
આ પણ વાંચો…અમદાવાદ: ફ્લોરસન્ટ પબ્લિક સ્કૂલના સંચાલકે કરી આત્મહત્યા, 18 પાનાની સ્યૂસાઈડ નોટ મળી