હવે વિદેશમાં પણ 12th Failની ધૂમ, ચીનમાં 20 હજાર સ્ક્રીન પર થશે રીલીઝ


- 27 ઓક્ટોબર, 2023ના રોજ રીલીઝ થયેલી 12th Fail ફિલ્મને જાણીતા ડિરેક્ટર વિધુ વિનોદ ચોપરાએ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મને લઈને તેમણે ખૂબ પ્રશંસા પણ મેળવી.
17 એપ્રિલ, મુંબઈઃ અભિનેતા વિક્રાંત મૈસી સ્ટારર 12th Fail વર્ષ 2023ની સૌથી સફળ ફિલ્મોમાં સામેલ છે. ક્રિટિક્સથી લઈને દર્શકો સુધી દરેક વ્યક્તિને આ ફિલ્મ ખૂબ પસંદ આવી હતી. દેશભરમાં આ ફિલ્મની ખૂબ જ ચર્ચાઓ ચાલી. બોક્સઓફિસ પર પણ ફિલ્મે ખાસ્સી કમાણી કરી. 27 ઓક્ટોબર, 2023ના રોજ રીલીઝ થયેલી આ ફિલ્મને જાણીતા ડિરેક્ટર વિધુ વિનોદ ચોપરાએ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મને લઈને તેમણે ખૂબ પ્રશંસા પણ મેળવી. દેશભરમાં આટલી સફળતાઓ બાદ આ ફિલ્મ હવે વિદેશમાં પણ પરચમ લહેરાવા તૈયાર છે.
ચીનમાં રીલીઝ થશે ફિલ્મ
12th Failમાં મુખ્ય ભૂમિકા ભજવનાર અભિનેતા વિક્રાંત મેસીએ તાજેતરમાં ખુલાસો કર્યો છે કે ભારત બાદ આ ફિલ્મ ચીનમાં પણ રીલીઝ થશે. તેણે કહ્યું છે કે આ માટે મેકર્સ સાથે કેટલાક સમયથી પ્લાનિંગ ચાલી રહ્યું છે અને શક્ય છે કે તે ફિલ્મના પ્રમોશન માટે ચીન પણ જાય. જોકે, રીલીઝ ડેટ હજુ નક્કી કરવામાં આવી નથી. આ ફિલ્મે ભારતમાં અંદાજે 67 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે આ ફિલ્મ ચીનમાં પણ રીલીઝ થશે, ત્યારબાદ બોક્સ ઓફિસની કમાણીનો આંકડો ફરી એકવાર વધતો જોવા મળશે.
View this post on Instagram
20 હજારથી વધુ સ્ક્રીન્સ પર રીલીઝ
12th Fail હવે ચીનમાં પણ રીલીઝ થવા જઈ રહી છે. આ અંગે છેલ્લા કેટલાક મહિનાઓથી કામ ચાલી રહ્યું હતું. ચીનમાં હિન્દી સિનેમાની ઘણી માંગ છે. આ ફિલ્મ ચીનમાં 20 હજારથી વધુ સ્ક્રીન પર રીલીઝ થશે. આ પહેલા બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન પણ પોતાની ફિલ્મ દંગલ (2016)ના પ્રમોશન માટે ચીન ગયા હતા. આ સિવાય 2009માં આવેલી ફિલ્મ 3 ઈડિયટ્સે પણ ચીનમાં સારું પ્રદર્શન કર્યું હતું.
ફિલ્મને મળ્યા અનેક એવોર્ડ્સ
ફિલ્મ 12th Fail આઈપીએસ અધિકારી મનોજ કુમાર શર્માના જીવન પર આધારિત છે. આ ફિલ્મમાં વિક્રાંત મૈસી અને મેઘા શંકર લીડ રોલમાં હતા. ફિલ્મ માટે ડિરેક્ટર વિધુ વિનોદ ચોપરાને 69માં ફિલ્મફેર એવોર્ડ્સમાં બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ મળ્યો હતો. બેસ્ટ ફિલ્મ અને બેસ્ટ સ્ક્રીન પ્લેનો એવોર્ડ પણ આ જ ફિલ્મને મળ્યો હતો.
આ પણ વાંચોઃ બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને ‘લતા મંગેશકર એવોર્ડ’થી કરાશે સન્માનિત