૧૯ નવેમ્બર એટલે વીરાંગના ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈનો જન્મદિવસ, જાણો શું છે ઇતિહાસ ?
- ઝાંસી રાજ્યના રાણી લક્ષ્મીબાઈ ૧૮૫૭ના ભારતીય સ્વતંત્રતા સંગ્રામની નાયિકા
- રાણી લક્ષ્મીબાઈનો જન્મ કાશીના વારાણસીમાં તથા મૃત્યુ ગ્વાલિયરમાં થયું હતું
અંગ્રેજો વિરુદ્ધ પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ ૧૮૫૭માં થયો હતો. જેમાં વીરોએ પોતાના સંગઠિત પ્રયાસથી અંગ્રેજોના દાંત ખાટા કર્યા હતા. જેમાંના એક વીરાંગના ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ હતા. રાણી લક્ષ્મીબાઈ ઝાંસી રાજ્યની રાણી હતા. જેઓ ૧૮૫૭ના ભારતીય સ્વતંત્રતા સંગ્રામની નાયિકા હતા. તેમનો જન્મ કાશીના વારાણસીમાં તથા મૃત્યુ ગ્વાલિયરમાં થયું હતું. તેમનું નાનપણનું નામ મણિકર્ણિકા હતું પણ લાડમાં તેમને લોકો મનુ કહેતા હતા.
શું છે વીરાંગના ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈનો ઇતિહાસ ?
રાણી લક્ષ્મીબાઈનો જન્મ કાશીના વારાણસીમાં થયો હતો. રાણી લક્ષ્મીબાઈના પિતાનું નામ મોરોપંત તોંબે અને માતાનું નામ ભાગીરથીબાઈ હતું. તેઓ એક મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ હતા. તેમની માતા એક સુસંસ્કૃત, બુદ્ધિમાન અને ધાર્મિક મહિલા હતી. રાણી લક્ષ્મીબાઈના બાળપણનાં નામ મનુ, છબીલી, મણિકર્ણિકા છે. ઢીંગલીઓ રમવાની વયે રાણી લક્ષ્મીબાઈ ઘોડેસવારી, તીરંદાજી, તલવાર યુદ્ધ જેવા પુરુષોચિત કાર્યોમાં આનંદ લેતાં હતા. નાનાસાહેબ પેશ્વા તેમના બાલ્યકાળના સખા હતા. તેમના લગ્ન સન ૧૮૪૨માં ઝાંસીના રાજા મહારાજા ગંગાધરરાવ સાથે થયાં હતા. તે રીતે તેઓ ઝાંસીની રાણી બન્યાં. વિવાહ પછી તેમનું નામ લક્ષ્મીબાઈ રાખવામાં આવ્યું. ૧૮૫૧માં રાણી લક્ષ્મીબાઈએ એક પુત્રને જન્મ આપ્યો પણ ચાર મહીનાની ઉંમરમાં જ તેનું મૃત્યુ થયું હતું. ૧૮૫૩માં રાજા ગંગાધરરાવનું સ્વાસ્થ્ય ખૂબ બગડ્યુ એટલે તેમને દત્તક પુત્ર લેવાની સલાહ આપવામાં આવી. પુત્ર દત્તક લીધા પછી રાજા ગંગાધર રાવનું ૨૧ નવેમ્બર ૧૮૫૩માં મૃત્યુ થયું. જેથી રાણી લક્ષ્મીબાઈ ૧૮ વર્ષની ઉંમરમાં વિધવા બને છે. દત્તક પુત્રનું નામ દામોદર રાવ રાખવામાં આવે છે. આ દત્તકપુત્ર દામોદરરાવને સાથે લઈ રાણી લક્ષ્મીબાઈ સરસ રીતે શાસન ચલાવે છે.
અચાનક કપટી અંગ્રેજો દામોદરરાવના શાસનને અસ્વીકૃત કરી બ્રિટિશ શાસનમાં ભેળવી દે છે. પણ રાણી લક્ષ્મીબાઈ તેનો વિરોધ કરી અંગ્રેજો સામે સંઘર્ષ કરતાં ગર્જના કરે છે, ‘હું મારી ઝાંસી નહી આપું.’ અંગ્રેજોએ રાણીના એક સરદાર સદાશિવને આગળ કરી વિદ્રોહ કરાવે છે, પણ રાણી તેને ખૂબ જ કુનેહપૂર્વક કચડી દે છે. રાણીની ભારતીય સેના ઘણા વિદ્રોહીઓ અને અંગ્રેજોને મૃત્યુલોક પહોંચાડે છે. રાણીએ રાજ્યનું સંપૂર્ણ શાસન પોતાના હાથમાં લઈ લેતાં અંગ્રેજો સળગી ઊઠ્યા.
અલ્પ આયુમાં રાણી લક્ષ્મીબાઈ વીરગતિ પામે છે
જનરલ હ્યૂ રોજ સેના લઈ ઝાંસી પર આક્રમણ કરે છે. રાણી પુત્ર દામોદરરાવને પીઠ પર બાંધી રર માર્ચ ૧૮૫૮ના રોજ યુદ્ધક્ષેત્રમાં ઝંપલાવે છે. આ યુદ્ધ આઠ દિવસ ચાલે છે, યુધ્ધમાં રાણી લક્ષ્મીબાઈ અંગ્રેજોને આગળ વધવા દેતા નથી. જેમાં તાત્યાટોપે સહાયમાં આવે છે, પણ અંગ્રેજોએ સૈન્ય શક્તિને વધારતાં રાણીને કાલપી જવું પડ્યું. કાલપીથી ગ્વાલિયર જાય છે, ત્યાં ૧૭ જૂન ૧૮૫૮ના રોજ બ્રિગેડિયર સ્મિથ સાથે યુદ્ધમાં રાણી વીરગતિ પામે છે. રાણીના વિશ્વાસપાત્ર બાબા ગંગાદાસ તેમના પાર્થિવ દેહને પોતાની ઝુંપડીમાં રાખી ઝુંપડીને સળગાવી તેમના અંતિમ સંસ્કાર કરે છે. ૨૨ વર્ષ અને 7 મહિનાના અલ્પ આયુમાં રાણી લક્ષ્મીબાઈ સ્વાભિમાન આત્મગૌરવ સાથે દેશના દુશ્મનો સામે સંઘર્ષ કરી ગ્વાલિયરમાં વીરગતિ પામે છે….આ છે ભારતની નારીની સૂરવિરતા….
આ પણ જુઓ :સાળંગપુરમાં કષ્ટભંજન દેવ હનુમાનજીને 1 કિલોના સોનાનો મુગટ અર્પણ, જાણો તેની વિશેષતાઓ