આંતરરાષ્ટ્રીયવિશેષસ્પોર્ટસ

નોવાક જોકોવિચ ફેન્સને ઓટોગ્રાફ આપી રહ્યો હતો અને થયો અક્સ્માત

13 મે, રોમ: ટેનીસ દિગ્ગજ નોવાક જોકોવિચ અહીં ઈટાલીયન ઓપનમાં રમાયેલી એક મેચ જીત્યા બાદ પોતાના ફેન્સને ઓટોગ્રાફ આપી રહ્યો હતો. આવા સમયે એક એવી ઘટના બની જેણે જોકોવિચના ફેન્સને ચિંતામાં નાખી દીધા છે. જોકોવિચ પણ સતત પોતાની તબિયત બાબતે સોશિયલ મીડિયામાં અપડેટ્સ આપી રહ્યો છે.

મેચ જીત્યા બાદ નોવાક જોકોવિચ દર્શક દીર્ઘા તરફ જઈને પોતાના ચાહકોને ઓટોગ્રાફ આપવામાં મશગુલ હતો. એવામાં ઉપરની ગેલેરીમાંથી કોઈ દર્શકની બેગમાંથી પાણી ભરેલી બોટલ નીચે પડી ગઈ હતી અને સીધી જ જોકોવિચના માથા પર અફળાઈ હતી. બોટલ અથડાઈ કે તરત જ સર્બિયાનો આ ચેમ્પિયન ખેલાડી પોતાનું માથું પકડીને જમીન પર ફસડાઈ પડ્યો હતો.

આ દ્રશ્યોએ સ્વાભાવિકપણે ટેનીસ અને જોકોવિચના ફેન્સમાં ચિંતા ફેલાવી દીધી હતી. પરંતુ થોડા સમય બાદ ઈટાલીયન ઓપનના ઓફીશીયલ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘ચિંતાનું કોઈજ કારણ નથી.’

શનિવારે બનેલી આ ઘટનાની વિગતો હવે સામે આવી રહી છે અને એક નવા સમાચાર અનુસાર આગલી મેચ અગાઉ પ્રેક્ટીસ કરતી વખતે જોકોવિચ હેલ્મેટ પહેરીને જોવા મળ્યો હતો તેણે પ્રેક્ટીસ બાદ ફેન્સને ઓટોગ્રાફસ પણ આપ્યા હતા.

નોવાક જોકોવિચે સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘આજે હું પૂરી તૈયારી કરીને આવ્યો છું!’

શુક્રવારે જોકોવિચે રેન્કિંગમાં નંબર 1 ખેલાડી કોરેન્ટીન મોન્તેન્ટને હરાવ્યા બાદ કોર્ટથી બહાર જતી વખતે દર્શક દીર્ઘામાંથી પસાર થતી વખતે ફેન્સને ઓટોગ્રાફ આપ્યા હતા અને આ દરમ્યાન ઉપર રહેલો એક પ્રશંસક નીચે વળ્યો હતો અને અકસ્માતે તેની બુક બેગમાંથી પાણીથી ભરેલી બોટલ ભૂલથી નીચે પડી અને સીધી જોકોવિચના માથા પર જ અફળાઈ હતી.

આ ઘટના અંગે ટુર્નામેન્ટના અધિકારીક પ્રવક્તાએ જણાવ્યું હતું, ‘નોવાક જોકોવિચે મેચના અંત બાદ સેન્ટર કોર્ટમાંથી બહાર નીકળતી વખતે દર્શકોને ઓટોગ્રાફ આપતી વખતે પાણીથી ભરેલી એક બોટલ ભૂલથી તેમના માથા પર લાગી ગઈ હતી. તેમને યોગ્ય દવાઓ આપવામાં આવી છે અને તેઓ ઓલરેડી પોતાની હોટલ તરફ જવા રવાના થઇ ગયા છે. તેમની હાલત ઠીક છે અને ચિંતાનું કોઈજ કારણ નથી.’

ત્યારબાદ જોકોવિચે પણ ટ્વીટર પર સંદેશ લખીને પોતાના પ્રશંસકોને સમાચાર આપતાં લખ્યું હતું, ‘આ એક અક્સ્માત હતો, હું અત્યારે હોટલમાં આઈસપેક લગાવી રહ્યો છું અને આરામ કરી રહ્યો છું. રવિવારે તમારા બધા સાથે ફરીથી મુલાકાત થશે.’

Back to top button