રાજીનામાં આપનાર ભાજપના સાંસદોને સરકારી ઘર ખાલી કરવાની નોટિસ
- ભાજપના સાંસદ સીઆર પાટીલની આગેવાની હેઠળની લોકસભા હાઉસિંગ કમિટીએ નોટિસ મોકલી
- છેલ્લા 2 દિવસમાં રાજીનામું આપનારા ભાજપના તમામ સાંસદોને 30 દિવસમાં તેમના સરકારી ઘર ખાલી કરવા માટે નોટિસ
નવી દિલ્હી, 08 ડિસેમ્બર: ભાજપના લોકસભા સાંસદો જેમણે તેમની ચૂંટણીમાં જીત બાદ રાજીનામું આપ્યું છે, તેમને તેમના સરકારી બંગલા ખાલી કરવા કહેવામાં આવ્યું છે. ભાજપના સાંસદ સીઆર પાટીલની આગેવાની હેઠળની લોકસભા હાઉસિંગ કમિટીએ છેલ્લા 2 દિવસમાં રાજીનામું આપનારા તમામ ભાજપના સાંસદોને 30 દિવસમાં તેમના સરકારી ઘર ખાલી કરવા માટે નોટિસ મોકલી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્યો (સાંસદો), જેમણે તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ રાજીનામું સુપરત કર્યું હતું, તેમને હવે 30 દિવસમાં દિલ્હીમાં તેમના સંબંધિત સરકારી બંગલા ખાલી કરવાનું કહેવામાં આવ્યું છે.
લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યું હતું કે, તેમણે ચૂંટણી જીત્યા બાદ કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને પ્રહલાદ પટેલ સહિત નવ લોકસભા સાંસદોના રાજીનામાનો સ્વીકાર કર્યો છે. બે કેન્દ્રીય પ્રધાનો ઉપરાંત, રાજીનામું આપનારા અન્ય લોકસભા સાંસદોમાં મધ્ય પ્રદેશના રાકેશ સિંહ, ઉદ્ય પ્રતાપ સિંહ અને રીતિ પાઠક, રાજસ્થાનના દિયા કુમારી અને રાજ્યવર્ધન સિંહ રાઠોડ અને છત્તીસગઢના ગોમતી સાઈ અને અરુણ સાઓ હતા. રાજ્યસભાના સાંસદ કિરોડી લાલ મીણાએ પણ રાજીનામું આપી દીધું છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અર્જુન મુંડાને કૃષિ મંત્રાલય અને ખેડૂત કલ્યાણનો વધારાનો હવાલો આપ્યો છે, જ્યારે ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરને MoS તરીકે જલ શક્તિનો વધારાનો હવાલો આપવામાં આવ્યો છે.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી શોભા કરંદલાજેને તેમના હાલના પોર્ટફોલિયો ઉપરાંત ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝના રાજ્ય મંત્રીનો હવાલો સોંપવામાં આવ્યો હતો. આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય પ્રધાન ભારતી પ્રવિણ પવારને આદિજાતિ બાબતોના મંત્રાલયમાં રાજ્ય પ્રધાનનો વધારાનો હવાલો આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો, ગુજરાતના 3 સરકારી બાબુઓ પાસે અપ્રમાણસર મિલકતો હોવાથી તપાસ શરૂ