રાજકોટમાં પાથરણાંવાળાઓને લેન્ડ ગ્રેબિંગની નોટીસઃ MLA મેવાણીએ ધરણાની ચીમકી ઉચ્ચારી
રાજકોટ, 27 જૂન 2024, શહેરનાં આજીડેમ ખાતે 40 વર્ષ જૂની રવિવારી બજારમાં પાથરણાં પાથરી રોજગાર મેળવતા નાના વેપારીઓને વહિવટી તંત્ર દ્વારા લેન્ડ ગ્રેબિંગની નોટિસ મળી છે. જેને પગલે આજે કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની આગેવાનીમાં કલેકટર કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી. રાજકોટ કલેકટરને સંબોધીને લખાયેલું આવેદન અધિક કલેક્ટર ચેતન ગાંધીને આપવામા આવ્યું હતું. પાંચ મહિના પહેલા રાજકોટના અધ્યાપક ડો.હિરેન મહેતાએ શહેરના આજીડેમ પાસે ભરાતી રવિવારી બજાર પર વિશ્લેષણ કરતું રિસર્ચ પેપર તૈયાર કર્યું હતું. જેમાં મહિનામાં માત્ર 4 રવિવાર ભરાતા આ બજારનું અંદાજે 12 કરોડનું ટર્નઓવર હોવાનું સામે આવ્યું હતું.અધ્યાપકોનું આ રિસર્ચ પેપર UGC કેર લિસ્ટમાં સ્થાન પામ્યું છે.
નિરાકરણ નહીં આવે તો કલેક્ટર કચેરી બહાર ધરણાંની ચીમકી
ધારાસભ્ય મેવાણીએ જણાવ્યું કે, ભાજપના નેતાઓએ અધિકારીઓ અને બિલ્ડરો સાથે સાંઠગાંઠથી ગેરકાયદે બિલ્ડીંગો ઊભી કરી છે. જેની સામે કાર્યવાહી કરવાને બદલે આજીડેમ ખાતે રવિવારી બજારમાં રોજગારી મેળવતા 500 જેટલા વેપારીઓને લેન્ડ ગ્રેબિંગની નોટિસ ફટકારી છે. જે કાર્યવાહી ન થવી જોઈએ આ મુદ્દે કલેક્ટરને રજૂઆત કરવા આવ્યા છીએ અને જો તેનું 15 દિવસમાં નિરાકરણ નહીં આવે તો કલેક્ટર કચેરી બહાર ધરણાં પર અમે બેસી જઈશું.રાજકોટ મ્યુનસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા ટીપર વાનના ડ્રાઈવર અને સંલગ્ન સ્ટાફને લઘુતમ વેતન ચૂકવવામાં આવતું નથી. પગાર સ્લીપ આપવામાં આવતી નથી અને અન્ય શ્રમ કાયદાનું ઉલ્લંઘન કરી એમનું શોષણ કરવામાં આવે છે. અમે માંગણી કરીએ છીએ કે, નિયમાનુસાર લઘુત્તમ વેતન ચૂકવાય, પગાર સ્લીપ મળે, એમનુ પી.એફ. જમા થાય એ માટે શ્રમ વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશનને જરૂરી નિર્દેશો આપશો.
પાથરણાવાળાઓને લેન્ડ ગ્રેબિંગની નોટિસો
ધારાસભ્ય મેવાણીએ કહ્યું હતું કે, આજ પ્રમાણે રાજકોટ શહેરના સેંકડો પાથરણા વાળા, રેંકડી વાળા જેઓ રવિવારી બજાર ભરતાં હોય છે. તેઓને ત્યાંથી ખસેડી દેવાની અને પાથરણાવાળાઓને લેન્ડ ગ્રેબિંગની નોટિસો ફટકારવામાં આવી છે. આ સંદર્ભે લેન્ડ ગ્રેબિંગની કોઈ કાર્યવાહી આવા રોજ કમાઈને રોજ ખાનારા ગરીબો ઉપર ન કરવામાં આવે અને તેઓને જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં ન આવે ત્યાં સુધી એ સ્થળેથી દૂર પણ કરવામાં ના આવે એ સુનિશ્ચિત કરશો.રાજકોટ જિલ્લાના ગામડાના ખેતમજૂરોને સરકારે 1971 આસપાસ જમીનોની ફાળવણી કરી ખેડૂત બનાવ્યા હતા, પરંતુ આ 25 એકર જમીનોમાં માથા ભારે લોકોનું દબાણ છે અને એ બાબતની અરજદાર ખેડૂતોની વારંવારની રજૂઆતો બાદ પણ કોઈ કાર્યવાહી કરાઈ નથી.
આ પણ વાંચોઃરાજકોટ અગ્નિકાંડને એક મહિનો પૂર્ણઃ કોંગ્રેસના બંધના એલાનમાં વેપારીઓ સ્વયંભૂ જોડાયા