પાલનપુર શ્રીજી એપાર્ટમેન્ટના 30 રહીશોને જાહેરમાં ગંદાપાણીનો નિકાલ કરવા મુદ્દે નોટીસ ફટકારાઈ
પાલનપુર: પાલનપુર-ડીસા હાઇવે પર આવેલ શ્રીજી એપાર્ટમેન્ટના 30 રહીશોને જાહેરમાં ગંદાપાણીનો નિકાલ કરવાના મુદ્દે નોટીસ ફટકારી ત્રણ દિવસમાં પોતાના ગંદા પાણી માટે શોષકુવો કરી પાલિકાને જાણ કરવા નોટીસ અપાઇ છે. જેને પગલે રહીશોમાં દોડધામ મચી ગઇ છે.
સીઆરપીસી કલમ 133 હેઠળ કાર્યવાહી કરાશે
પાલનપુર -ડીસા હાઇવે પર આવેલા શ્રીજી એપાર્ટમેન્ટમાં શોષકુવાની વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો હતો.જેથી રહીશો દ્વારા પોતાના ઘર વપરાશનું ગંદુ પાણી જાહેરમાં નિકાલ કરતા તે પાણી રોડ પર આવી ખાબોચીયા ભરાઇ રહેતા હતા.જેના પગલે બાજુમાં આવેલી સોસાયટીના રહીશોને ચાલવામાં મુશ્કેલી પડતી હોવાથી તેમજ રોગચાળો ફેલાવાના ભયના કારણે રહીશો દ્વારા પાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી. તેથી પાલિકાની સેનિટેશન વિભાગની ટીમ દ્વારા સર્વે કરી શ્રીજી એપાર્ટમેન્ટના બિલ્ડર સહીત તમામ 30 રહીશોને પોતાના સ્વખર્ચે શોષકુવા બનાવી ગંદાપાણીનો યોગ્ય રીતે નિકાલ કરવા નોટીસ આપી તાકીદ કરાઇ છે.જો નોટીસ આપ્યાના ત્રણ દિવસમાં કાર્યવાહી નહી કરાય તો આગામી દિવસોમાં પાલિકા દ્વારા સીઆરપીસીની કલમ 133 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવાની સુચના સાથે નોટીસો મકાનો પર ચીપકાવામાં આવી છે.
અગાઉ ગંદા પાણીને લઇ બાજુની સોસાયટીના રહીશો દ્વારા રસ્તા રોકવામાં આવ્યા હતા
ડીસા હાઇવે પર આવેલ શ્રીજી એપાર્ટમેન્ટ દ્વારા લાંબા સમયથી ગંદા પાણીનો જાહેરમાં નિકાલ કરવામાં આવતો હોવાથી અગાઉ બાજુની સોસાયટીના રહીશો દ્વારા રજૂઆત કરવા છતાં કામગીરી કરવામાં ન આવતા રહીશો દ્વારા રસ્તા રોકી વાહનો થોભાવી દેવાયા હતા.