મોરબી પુલ દુર્ઘટના અંગે રાજ્યના ચીફ સેક્રેટરી અને ડીજીપીને અપાઈ નોટિસ
મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડવાની ગોઝારી ઘટનામાં 135 લોકોના દર્દનાક મોત નિપજ્યા હતા. આ બનાવ માનવ સર્જિત હોવાનું સાબિત થયા પછી ઘટનામાં ચાર અઠવાડિયા સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નહીં જેથી માનવ અધિકાર આયોગે રાજ્યના ચીફ સેક્રેટરી અને ડીજીપીને નોટિસ ફટકારી છે અને એક્શન ટેકન રિપોર્ટ માંગ્યો છે.
અમદાવાદ સ્થિત કાર્યકર્તાએ કરેલી અરજીના આધારે કાર્યવાહી
મળતી માહિતી મુજબ, અમદાવાદ સ્થિત માનવ અધિકાર કાર્યકર્તા કાંતિલાલ પરમારની ફરીયાદમાં માનવ અધિકાર આયોગે તાબડતોબ કાર્યવાહી કરેલ છે અને મોરબીમાં ગત તા.30/10/22 ના રોજ ઝુલતા પુલ તૂટવાની દુર્ઘટના ઘટી હતી જેમાં 135 લોકોના મોત થયા હતા જેમાં માનવ અધિકાર આયોગને માનવ અધિકાર ભંગની ફરિયાદ મળતા આ ગંભીર ઘટનામાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ નવી દિલ્હી દ્વારા ગુજરાત રાજ્યના ચીફ સેક્રેટરી અને ડીજીપીને મોરબીમાં ઝુલતા પુલ તૂટવાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 135 લોકોના પરિવારના સભ્યોના માનવ અધિકાર ભંગના બનાવમાં અમદાવાદ સ્થિત માનવ અધિકાર કાર્યકર્તા કાંતિલાલ પરમારની પિટિશન કરી હતી.
ચાર અઠવાડિયામાં જવાબ આપવા જણાવાયું
જેના આધારે હાલમાં આયોગે નોટિસ ફટકારી છે અને ચાર અઠવાડિયામાં એક્શન ટેકન રીપોર્ટ માંગ્યો છે અને કાંતિલાલ પરમાર દ્વારા ઝુલતા પુલનો જેને કોન્ટ્રાકટ લીધો હતો તે ઓરેવા કંપનીના જવાબદાર માલિક અને નગરપાલિકા, જીલ્લા કલેક્ટર સહિતના જવાબદારો સામે કાર્યવાહી કરવા માટેની માંગ કરવામાં આવી છે અને પ્રત્યેક ભોગ બનનારના વારસદાર આશ્રિતને ૫૦ લાખનું વળતર અને સાચા ગુનેગારો સામે કાયદાકીય પગલા ભરવાની માંગણી કરવામાં આવેલ છે.