નવી દિલ્હી, 6 ફેબ્રુઆરી : પીઢ રાજકારણી શરદ પવારને ચૂંટણી પંચ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે, ચૂંટણી પંચે અજીતના જૂથને અસલી એનસીપી જાહેર કરી દીધું છે. ચૂંટણી પંચે કહ્યું કે તમામ પુરાવાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ચૂંટણી પંચનું કહેવું છે કે અજિત પવાર જૂથને NCPના નામ અને ચૂંટણી ચિન્હનો ઉપયોગ કરવાનો અધિકાર છે. જોકે, પંચે શરદ પવારને નવી પાર્ટીની રચના માટે ત્રણ નામ આપવા જણાવ્યું છે. આ નામો કાલે બુધવારે સાંજે 4 વાગ્યા સુધીમાં આપવાના રહેશે.
કેવી રીતે ચૂંટણી પંચે ચુકાદો આપ્યો ?
6 મહિનાથી વધુ ચાલેલી 10 થી વધુ સુનાવણી પછી ચૂંટણી પંચે NCPમાં વિવાદનું સમાધાન કર્યું છે અને અજિત પવારની આગેવાની હેઠળના જૂથની તરફેણમાં ચુકાદો આપ્યો છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, શરદ પવાર જૂથ સમયસર બહુમત સાબિત કરી શક્યું નથી, જેના કારણે વસ્તુઓ તેમના પક્ષમાં નથી ગઈ. મહારાષ્ટ્રમાંથી રાજ્યસભાની 6 બેઠકો માટેની ચૂંટણીની સમયમર્યાદાને ધ્યાનમાં રાખીને, શરદ પવાર જૂથને ચૂંટણી આચાર નિયમો 1961ના નિયમ 39AAને અનુસરવા માટે વિશેષ છૂટ આપવામાં આવી છે. તેમને 7 ફેબ્રુઆરીની સાંજ સુધીમાં નવા પક્ષની રચના માટે ત્રણ નામ આપવા માટે કહેવામાં આવ્યું છે. અજિત પવારના પક્ષ માટે ઘણા વકીલોએ દલીલો રજૂ કરી હતી. તેમાં મુકુલ રોહતગી, નીરજ કૌલ, અભિકલ્પ પ્રતાપ સિંહ (એડવોકેટ ઓન રેકોર્ડ) તેમજ શ્રીરંગ વર્મા, દેવાંશી સિંહ, આદિત્ય કૃષ્ણા, યામિની સિંહનો સમાવેશ થાય છે.
પાર્ટીનો અસલી ‘બોસ’ કોણ છે તે કેવી રીતે નક્કી થાય છે?
પાર્ટીનો અસલી ‘બોસ’ કોણ હશે? તેનો નિર્ણય મુખ્યત્વે ત્રણ બાબતો પર આધારિત છે. પ્રથમ- કયા જૂથમાં વધુ ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે? બીજું – કોની પાસે વધુ પદાધિકારીઓ છે અને ત્રીજું – કોની બાજુ મિલકતો છે. પરંતુ કયા જૂથને પક્ષ ગણવામાં આવશે? તેનો નિર્ણય સામાન્ય રીતે ચૂંટાયેલા પ્રતિનિધિઓની બહુમતીના આધારે લેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જે જૂથમાં વધુ સાંસદો અને ધારાસભ્યો હોય તેને પક્ષ ગણવામાં આવે છે. એનસીપી અને શિવસેનામાં આના આધારે નિર્ણય લેવામાં આવ્યો છે.