ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડસ્પોર્ટસ

શમી નહીં, આ બોલર જશે ઓસ્ટ્રેલિયા… જાણો કોણ છે આ ખેલાડી જે અશ્વિનનું સ્થાન લેશે

  • બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હેઠળ ચાલી રહેલી 5 મેચની ટેસ્ટ સિરીઝ દરમિયાન ભારતીય ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો

મુંબઈ, 24 ડિસેમ્બર: રોહિત શર્માની કપ્તાની હેઠળ, ભારતીય ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટેસ્ટ સિરીઝ રમી રહી છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હેઠળ ચાલી રહેલી 5 મેચની ટેસ્ટ સિરીઝ દરમિયાન ભારતીય ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ત્રીજી ટેસ્ટ બાદ સ્ટાર સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. જેથી હવે ભારતીય ટીમમાં એક નવા ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ 26 વર્ષનો ઓફ સ્પિન ઓલરાઉન્ડર તનુષ કોટિયન છે. જમણા હાથના ઓફ-સ્પિનર ​​તનુષ કોટિયને 2018-19ની રણજી સિઝનમાં ફર્સ્ટ-ક્લાસમાં પ્રવેશ કર્યો હતો.

 

અહેવાલો અનુસાર, તનુષ કોટિયન આજે મંગળવારે ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે. પહેલા એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે, ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જશે. શમી છેલ્લી બે ટેસ્ટ મેચ રમશે. પરંતુ BCCIની મેડિકલ ટીમે સોમવારે સ્પષ્ટ કર્યું છે કે, શમી ઈજાગ્રસ્ત છે અને તે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર નહીં જાય. આ સાથે BCCIએ તનુષ કોટિયનને ટીમમાં સામેલ કરવાની પણ પુષ્ટિ કરી છે. અશ્વિનની જેમ તનુષમાં પણ બોલિંગની સાથે બેટિંગમાં પણ ધમાલ મચાવવાની તાકાત રાખે છે.

કર્ણાટકના તનુષનો મુંબઈમાં ઉછેર

તનુષ કોટિયનનો જન્મ અને ઉછેર મુંબઈમાં થયો હતો. જો કે, તેમના પરિવારના મૂળ દરિયાકાંઠાના કર્ણાટકમાં છે. તેમના પિતા કરુણાકર અને માતા મલ્લિકા કોટિયન ઉડુપી જિલ્લાના પંગાલાના છે. તનુષ કોટિયન મુંબઈ માટે સ્થાનિક ક્રિકેટ રમે છે. તે ભારતની અંડર 19 ટીમ માટે પણ રમી ચૂક્યો છે. તે ભારત Aના તાજેતરના ઓસ્ટ્રેલિયા પ્રવાસનો પણ એક ભાગ હતો. તનુષ કોટિયન પણ IPL 2024માં રાજસ્થાન રોયલ્સ માટે એક મેચ રમ્યો હતો. IPL 2025ની મેગા ઓક્શનમાં તનુષ વેચાયા વગરનો રહ્યો.

કોટિયને ઘરેલુ ક્રિકેટમાં તબાહી મચાવી 

જમણા હાથના ઓફ-સ્પિનર ​​તનુષ કોટિયને 2018-19ની રણજી સિઝનમાં ફર્સ્ટ-ક્લાસમાં ડેબ્યૂ કર્યો હતો. અત્યાર સુધી તેણે 33 ફર્સ્ટ ક્લાસ મેચમાં 25.70ની એવરેજથી 101 વિકેટ ઝડપી છે. આ સમયગાળા દરમિયાન, તેણે 3 વખત એક ઇનિંગમાં 5 વિકેટ લીધી હતી.

બેટિંગની વાત કરવામાં આવે તો તનુષે 41.21ની એવરેજથી 1525 રન બનાવ્યા છે. કોટિયને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 2 સદી અને 13 અડધી સદી ફટકારી છે. તેણે 20 લિસ્ટ-A અને 33 T20 મેચ પણ રમી છે. લિસ્ટ-A મેચોમાં કોટિયનના નામે 43.60ની એવરેજથી 20 વિકેટ છે. T20 મેચમાં તેણે 20.03ની એવરેજથી 33 વિકેટ લીધી છે.

તનુષ કોટિયને લિસ્ટ-A મેચોમાં 90 રન અને ટી20 મેચોમાં 87 રન બનાવ્યા છે. રણજી ટ્રોફી 2023-24 સીઝનમાં, તનુષે તુષાર દેશપાંડે સાથે મળીને એક મેગા રેકોર્ડ બનાવ્યો હતો. બરોડા સામેની ક્વાર્ટર ફાઈનલ મેચમાં, તનુષ કોટિયન (120*) અને તુષાર દેશપાંડે (123)એ 10મા અને 11મા સ્થાને સદી ફટકારી હતી. રણજી ટ્રોફીમાં પ્રથમ વખત નંબર-10 અને નંબર-11 બેટ્સમેનોએ સદી ફટકારી હતી.

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે બંને ટીમો

ભારતની ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કે.એલ. રાહુલ, અભિમન્યુ ઈશ્વરન, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, ઋષભ પંત, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, તનુષ કોટિયન.

ઓસ્ટ્રેલિયાની ટીમઃ પેટ કમિન્સ (કેપ્ટન), ટ્રેવિસ હેડ (વાઈસ-કેપ્ટન), સ્ટીવ સ્મિથ (વાઈસ-કેપ્ટન), સીન એબોટ, સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, જોશ ઈંગલિસ, ઉસ્માન ખ્વાજા, સેમ કોન્સ્ટાસ, માર્નસ લાબુશેન, નાથન લિયોન, મિશેલ માર્શ, ઝાય રિચાર્ડસન, મિશેલ સ્ટાર્ક, બ્યુ વેબસ્ટર.

આ પણ જૂઓ: વિરાટ કોહલી બ્રાયન લારાનો રેકોર્ડ તોડવાની નજીક પહોંચ્યો, માત્ર આટલા રનની જરૂર

Back to top button