ઉત્તર ગુજરાતમાં ડબ્બા ટ્રેડિંગને ડામવા સેધાજીને જ નહીં અનિલને પણ પકડવો પડશે
હાજી મસ્તાન, વરદરાજન અને અંડરવર્લ્ડનો સૌથી મોટો ડોન દાઉદ… શું આ તમામ લોકો પોતાની માંના પેટમાંથી જ અપરાધી બનીને જન્મ્યા હતા? આ બધા સામાન્ય માણસ હતા. પરંતુ પેટના ખાડાએ તેમને ક્રાઇમની દુનિયાના કૂખ્યાત અપરાધી બનાવીને મોસ્ટ વોન્ટેડોની યાદીમાં ટોચનું સ્થાન અપાવી દીધું. તેઓ અપરાધને એક નેક્સ્ટ લેવલ પર લઈ ગયા અને દેશભરમાં ફેમસ થઇ ગયા.
હાજી મસ્તાન , વરદરાજન અને અંડરવર્લ્ડનો સૌથી મોટો ડોન દાઉદ કેવી રીતે ધંધાને ઉંચાઈ પર લઈ ગયા ?
આ બધા વચ્ચે પોલીસની ભૂમિકા શું રહી તે બાબત મહત્વપૂર્ણ છે. આ તમામ મોટા આરોપીઓ એક યા બીજી રીતે અવાર-નવાર પોલીસના સંપર્કમાં આવ્યા હતા. તેઓ અપરાધની દુનિયામાં આવ્યા પછી વર્ષો પોતાના વિકાસ માટે સ્ટગલ કરતાં રહ્યાં પરંતુ આ વચ્ચે પોલીસની રહેમનજર તેમના પર રહી અને તેઓ પોતાની અપરાધિક દુનિયામાં પોતાને એટલા મજબૂત કરી લીધા કે પાછળથી પોલીસ પોતે જ તેમને સેલ્યૂટ મારવા મજબૂર બની ગઈ. એક સમયે વરદરાજને કેન્દ્રીય મંત્રીના ઘરે લગાવવામાં આવનાર એન્ટીનાની ચોરી કરી લીધી અને પોલીસ દોડતી થઈ ગઈ. તો તે સમયે પોલીસ અધિકારીઓને પોતાની નોકરી બચાવવા માટેહાજી મસ્તાનની મદદ લેવી પડી. તો સુલતાને વરદરાજન પાસેથી પોલીસને એન્ટીના પાછા અપાવીને મદદ તો કરી પરંતુ સાથે-સાથે તેને વરદરાજનને પોલીસ પાસેથી છોડાવીને તેને પોતાનો પાર્ટનર બનાવીને સ્મગલીંગના ધંધાને નવી ઉંચાઈ પર લઈ ગયો.
ધીમે-ધીમે મસ્તાના ધંધાનો વિસ્તાર થયો
60ના દશકામાં ચીજ-વસ્તુઓની સ્મગલીંગ કરવાનો ગુનો પોતાના પ્રારંભિક તબક્કામાં હતો. તે સમયે મસ્તાન કૂલી તરીકે કામ કરતો હતો અને તે દરમિયાન તેનો ભેટો એક વિદેશી અરબ સાથે થયો હતો. જે સાઉદી અરેબિયાથી સોનાની ચીજ-વસ્તુઓ લાવીને ભારતમાં બેવડા ભાવમાં વેચીને પૈસા કમાતો હતો. ધીમે-ધીમે મસ્તાને તે ધંધાનો એટલો વિસ્તાર કર્યો કે, તે “ભાઈ” બની ગયો. રાજકીય નેતાઓ પણ તેના આગળ-પાછળ ફરવા લાગ્યા. રાજકીય નેતાઓ ફંડ લેવા માટે મસ્તાનનો દરવાજો ખટખટાવવા લાગ્યા. બસ પછી તો શું હતું… ? અત્યારે પણ આપણે હાજી મસ્તાનને અજય દેવગણના રૂપમાં યાદ કરી શકીએ છીએ.
વરદરાજને મુંબઈમાં આ રીતે વિસ્તાર કર્યો
તો સાઉથનો એક નાનકડો છોકરો મુંબઈ આવીને દેશી ઠર્રાનો મોટો કિંગ કેવી રીતે બની ગયો? રાતો-રાત તો કંઇ આવું બન્યું નહીં હોય? વરદરાજને મુંબઈમાં પગ મૂક્યો ત્યારે દારૂનો ધંધો પણ પોતાના પ્રારંભિક તબક્કામાં હતો. પરંતુ તેને પોતાના સાઉથના લોકોને પોતાની ગેંગમાં સામેલ કરીને દેશી દારૂના ધંધાનો એટલો તો વિસ્તાર કર્યો કે પોલીસે પણ ક્યારેય વિચાર્યું નહતું. એક રિપોર્ટના પ્રમાણે 60ના દશકામાં વરદરાજન વાર્ષિક 60 કરોડ રૂપિયાથી વધારેનો ધંધો કરતો હતો. આજની સરખામણીમાં તે ₹1000 કરોડથી પણ વધારે થાય. સાઉથથી ટોળે-ટોળા મુંબઈની ધારાવીમાં વસાવી વરદરાજને પોતાનું એક સામ્રાજ્ય બનાવી લીધું હતું. ધારાવીને મસમોટું રૂપ આપવામાં વરદરાજનની મોટી ભૂમિકા રહેલી છે. પોલીસે દારૂના ધંધાને લીલી ઝંડી આપી પરંતુ દારૂના ધંધામાંથી વરદની ટોળકી મર્ડર ક્યારે કરવા લાગી તેનો પોલીસને પણ ખ્યાલ આવ્યો નહીં.
દાઉદ એક પોલીસ કર્મચારીનો છોકરો હતો
તો મસ્તાન અને વરદરાજનની પણ સાઇડ કાપીને પોતાને અંડરવર્લ્ડનો ડોન સ્થાપિત કર્યા પહેલા દાઉદની ભૂમિકા પણ સામાન્ય જ હતી. મસ્તાન અને વરદરાજન જેવા લોકોના કોન્ટેક્ટમાં આવનાર દાઉદ એક પોલીસ કર્મચારીનો છોકરો હતો. પરંતુ તેના ક્રાઈમ વૃત્તિના હુનરે તેને નવી જ પાંખો આપી અને તે ગુનાહિત દુનિયાનો ભાઈ બની ગયો. દાઉદને ડોન બનાવવામાં સૌથી મોટી ભૂમિકા પોલીસે જ ભજવવાના આરોપ અત્યાર સુધી લગાવવામાં આવી રહ્યાં છે.
આ પણ વાંચો : ખેરાલુ-વડનગર અને વિસનગરમાં ડબ્બા ટ્રેડિંગનો ફાટ્યો રાફડો; પોલીસની ભૂમિકા શંકાસ્પદ
આ તમામ અપરાધીઓને ઉંચાઈ પર લઈ જવામા પોલીસની ભૂમિકા
આ તમામ અપરાધીક જગતના મોટા નામ છે, તેમને બનાવવામાં ક્યાંકને ક્યાંક પોલીસની ભૂમિકા રહેલી છે. તેવી જ ભૂલ વર્તમાન સમયમાં ગુજરાતની પોલીસ કરી રહી છે. જે રીતે 60ના દશકામાં ચીજ-વસ્તુઓની સ્મગલીંગ તેના પારંભિક તબક્કામાં હતી, તેવી જ રીતે અત્યારે ડબ્બા ટ્રેડિંગ અને સાઇબર ક્રાઈમ ધીમે-ધીમે પોતાના પ્રારંભિક તબક્કાને પાર કરીને યુવાવસ્થામાં આવી રહ્યાં છે.
મોટા અપરાધીઓની જેમ ડબ્બા ટ્રેડિંગના યુવાઓ પર પણ પોલીસની રહેમનજર
ઉત્તર ગુજરાતના ખાસ કરીને “વિસનગર તાલુકાના ગામડાઓ”માં ડબ્બા ટ્રેડિંગને યુવાઓ વ્યવસાયના રૂપમાં અપનાવી રહ્યાં છે. આ યુવાઓ આને ક્રાઈમ ગણી જ રહ્યાં નથી અને તેના કારણે તેઓ દેશના જ લોકો સાથે ગદ્દારીભર્યું કામ કરી રહ્યાં છે. પોતાના સ્વાર્થને સાંધવા માટે તેઓ રાજ્ય અને દેશની સામાન્ય જનતાને લાખો રૂપિયાથી લઈને કરોડો રૂપિયાનો ચૂનો લગાવી રહ્યાં છે. આ વિસ્તારમાં ડબ્બા ટ્રેડિંગ સાથે સંકળાયેલા લોકોને તેવી જ પ્રકારની છૂટ મળી રહી છે, જેવી એક સમયે મસ્તાન-દાઉદ અને વરદરાજનને મળેલી હતી. પોલીસની રહેમનજરનો લાભ મળી ન રહ્યો હોય તે શક્યતાને નકારવી અઘરી છે.
ડબ્બા ટ્રેડિંગમા પણ થઈ રહી છે યુવાઓની ભરતી
પરંતુ પોલીસ પોતે જ અજાણ છે કે, આ લોકો ડબ્બા ટ્રેડિંગને એક નવી ઉંચાઈ પર લઈ ગયા છે. જે પહેલા નાના પાયે કરવામાં આવતા કામને અપરાધીઓએ કરોડો રૂપિયાની આવક કરતો ધંધો બનાવી દીધો છે. પહેલા થતું એવું હતું કે,ગ્રામીણ વિસ્તારની આડમાં 10-15 લોકોની ટીમ બનાવીને બેસાડી દેવામાં આવતી હતી. તેઓ દિવસભર શેરબજારના નામે કોલિંગ કરીને લોકો સાથે છેતરપિંડી કરતાં હતા. પરંતુ હવે તેઓ આ ધંધામાં નવા-નવા યુવકોની ભરતી કરી રહ્યાં છે, તે પણ સત્તાવાર રીતે ઇન્ટરવ્યું લઈને… જે ટીમો પહેલા 10-15 લોકોની હતી, તેનું સ્વરૂપ મોટું થઈ ગયું છે. હવે 100થી વધારે લોકોની ટીમોને છેતરપિંડી કરવા માટે બેસાડવામાં આવી રહી છે.
ડબ્બા ટ્રેડિંગના નામે છેતરતા લોકોની આવકમાં મોટો ઉછાળો આવ્યો
હવે વાત એમ બની છે કે, ડબ્બા ટ્રેડિંગ કરતાં લોકો લાખોમાં નહીં પરંતુ કરોડો રૂપિયામાં આવક કરતાં થઈ ગયા છે. ભારતીય લોકોમાં ટેકનોલોજીની સમજ અને શેરબજારમાં રોકાણ કરવાની વધારે માહિતી ન હોવાના કારણે ડબ્બા ટ્રેડિંગના નામે છેતરતા લોકોની આવકમાં મોટો ઉછાળો આવ્યો છે. આ ઉછાળો જેવો-તેવો નથી. એક વિશ્વસનિય સુત્ર પાસેથી મળેલી માહિતી અનુસાર, એક વ્યક્તિ વર્ષના ઓછામાં ઓછા 50 કરોડ રૂપિયાથી વધારે કમાઈ લે છે. તો તેની હાથ નીચે કામ કરતાં લોકો એટલે કે કોલિંગ માટે રાખવામાં આવેલા છોકરાઓ પણ એક કરોડથી વધારે રૂપિયા છાપી લે છે.
ડબ્બા ટ્રેડિંગના અપરાધીઓ કરોડો રૂપિયાની પ્રોપર્ટી વસાવી
આપણે આપણી પહેલી સ્ટોરીમાં પ્રશ્ન કર્યો હતો કે પીન્ટુ ભાવસાની ધરપકડ તો કરવામાં આવી છે પરંતુ તેના સાથીદાર સેધાજીને ક્યારે પકડવામાં આવશે? પીન્ટુ ભાવસાર ડબ્બા ટ્રેડિંગનો જન્મદાતા છે. તેને અત્યાર સુધીમાં એટલા પૈસા કમાઈ લીધા છે કે આઉટ ઓફ ઈન્ડિયા રોકાણ કરેલું છે. જોકે, એક સારી બાબત તે છે કે, હાલમાં તે પોલીસની કસ્ટડીમાં છે. હવે વાત કરીએ એવા ડબ્બા ટ્રેડિંગના અપરાધીઓની જેઓ ટૂંક જ સમયમાં કરોડો રૂપિયાની પ્રોપર્ટી વસાવીને ડર વગર ખુલ્લેઆમ ફરી રહ્યાં છે.
કંકૂપુરામાં એકથી એક ધૂરંધર અપરાધીઓનું મેન્યુફેક્ચરિંગ
વિસનગરથી થોડે દૂર કંકૂપુરા કરીને એક ગામ આવેલું છે. આ ગામ વિસનગર વિધાનસભા તો મહેસાણાના સંસદીય મતવિસ્તાર હેઠળ આવે છે. તો વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનની હદ્દ લાગે છે. આ ગામનું નામ અત્યારે ભલે જિલ્લા લેવલે ચમકી રહ્યું છે પરંતુ આગામી વર્ષોમાં તે રાજ્ય અને દેશ લેવલે ચમકી શકે છે. જે રીતે ઝામતારા ચમકી રહ્યું છે. ઝામતારા ઝારખંડનો એક પછાત વિસ્તાર છે. ત્યાંથી જ સાઇબર ક્રાઈમની શરૂઆત થઈ છે. જેવી રીતે ઉત્તર ગુજરાતમાં કંકૂપુરા હોટફેવરિંટ બન્યું છે. કંકૂપુરામાં એકથી એક ધૂરંધર અપરાધીઓનું મેન્યુફેક્ચરિંગ થઈ રહ્યું છે.
ડબ્બા ટ્રેડિંગનું કામ કરનાર સેધાજી ઉર્ફે પ્રકાશ અને તેનો સાથીદાર અનિલ કંકૂપુરાના રહેવાસી
પીન્ટુ ભાવસારને પણ વટી જાય તેવું ડબ્બા ટ્રેડિંગનું કામ કરનાર સેધાજી ઉર્ફે પ્રકાશ અને તેનો સાથીદાર અનિલ કંકૂપુરાના છે. જેવી રીતે મુન્ના ભાઈનો સાથી સર્કિંટ છે તેવી જ રીતે સેધાજી અને અનિલનો સાથી છેણાજી છે. આ ત્રિપુટીએ અત્યાર સુધીમાં લાખો લોકો પાસેથી કરોડો રૂપિયા લૂંટી લીધા છે. એક સમય હતો, જ્યારે આ તમામ અપરાધીઓ ખેતરોમાં મજૂરી કરતા હતા. પરંતુ વર્તમાનમાં કરોડો રૂપિયાની પ્રોપર્ટી વસાવી લીધી છે. વિસનગરમાં ઘર ખરીદી રાખ્યા છે તો આસપાસના વિસ્તારોમાં દુકાનોમાં પણ ઇન્વેસ્ટ કરવામાં આવ્યું છે. તો પોતાના સગાસંબંધીઓ ઉપર પણ રહેમ નજર રાખી છે.
ધંધામાં પૈસા વધારે આવતા હોવાથી ધંધાનો વિસ્તાર કર્યો
એક સમયે બાઈક લેવાના પૈસા નહતા પરંતુ અત્યારે આ તમામ લોકો પાસે 50 લાખથી વધારેની ગાડીઓ છે. આટલા ટૂંક સમયમાં આટલા બધા પૈસા? કેવી રીતે? કેમ કે તેમને ડબ્બા ટ્રેડિંગને એક નવી દિશા આપી દીધી છે. પહેલા નાના પાયે એટલે કે પાંચ-દસ લોકોને ગ્રામીણ વિસ્તારોમાં બેસાડીને લોકોને ચૂનો લગાવવામાં આવતો હતો પરંતુ તેઓ સમજી ગયા કે આ ધંધામાં પૈસા વધારે છે. તો ધંધાનો વિસ્તાર કર્યો.
ધંધાના વિસ્તાર કરનારાઓમાં સેધાજી-અનિલનું નામ મોખરે
આ ધંધાના વિસ્તાર કરનારાઓમાં સેધાજી-અનિલનું નામ મોખરે આવે છે. આ બંને ખુબ જ ઝડપી સમજી ગયા હતા કે, આને વિવિધ જગ્યાઓ પર બેસીને કરવામાં આવે તો પોલીસથી બચી શકાય છે અને તેની ગંધ પણ કોઈને આવશે નહીં. તેથી તેમણે ગુજરાત ઉપરાંત પડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ પોતાની મસમોટી ટીમો બેસાડી રાખી છે.
રાજસ્થાનમાં ચાલતી ટીમોની સંખ્યા 100થી વધુ
રાજસ્થાનમાં ચાલતી ટીમોની સંખ્યા 100થી વધુ હોવાની માહિતી સામે આવી રહી છે. તો સેધાજી અને અનિલે રાજસ્થાનમાં પોલીસથી બચવા અને ફરવા માટે બે સ્કોર્પિયો આરજે નંબરની છોડાવી છે. હવે પ્રશ્ન તે થાય છે કે આ બધી બાબતોમાં પોલીસની શું ભૂમિકા છે. પ્રશ્ન તે ઉઠી રહ્યો છે કે કરોડો રૂપિયાનું છેતરપિંડીનું રેકેટ ચાલી રહ્યું છે અને પોલીસને તેનો ખ્યાલ નથી? જો ખરેખર પોલીસને નવી જન્મી રહેલી અપરાધિક દુનિયાનો ખ્યાલ નહોય તો તેને પોતાના બાતમીદારોની સંખ્યા વધારવાની સાથે પોતાને અપડેટ કરવી પડશે.
અપરાધીઓને કાયદાનો ડર નહીં
બીજા પ્રશ્ન તે છે કે, અપરાધીક પ્રવૃતિઓને અંજામ આપનારા સેધાજી અને અનિલ કેમ આટલા બિન્દાસ રીતે ધંધો કરી રહ્યાં છે? તેમને કાયદાનો ડર કેમ નથી? શું પોલીસની રહેમનજરની સાથે-સાથે કોઈ રાજકીય નેતાનો હાથ તેમના પર છે? આ તમામ પ્રશ્નોના જવાબ ચોક્કસથી મળી શકે છે જો ગૃહવિભાગ એટલે કે યુવા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી એક્શનમાં આવી જાય. જોકે, હજું આ મુદ્દો એટલો મોટો બન્યો નથી કે, ગૃહ રાજ્યમંત્રી સુધી પહોંચી શકે. પરંતુ ડબ્બા ટ્રેડિંગના વિકાસને જોતા લાગી રહ્યું છે કે, આગામી સમયમાં ગૃહ વિભાગ માટે ચોક્કસ આ સમસ્યા માથાનો દુખાવો બની જશે.
કોઈપણ અપરાધી ક્યારે એકદમ ડર વગર ધંધો કરી શકે? તેનો સરળ જવાબ છે કે જ્યારે તેની પીઠબળ મજબૂત હોય તો તેને કોઈનો ડર રહેતો નથી. સેધાજી અને અનિલના કેસમાં પણ કંઇક એવું જ દેખાઈ રહ્યું છે. જ્ઞાતિના સંગઠન સાથે જોડાયેલો એક શખ્સ સેધાજી-અનિલને પીઠબળ પુરૂ પાડીને તેમની અપરાધિક પ્રવૃત્તિમાં ભાગીદાર બની રહ્યો છે.
અપરાધિઓ વૈભવી જીવનના કારણે આકર્ષાઇ રહ્યાં છે યુવાઓ
આ અપરાધીઓની લાઈફસ્ટાઈલ વૈભવી છે. હવે બની રહ્યું એવું છે કે, અપરાધીઓની વૈભવી લાઈફસ્ટાઇલને જોઈને તેમના ગામના અને તેમના સગાસંબંધીઓ પણ ક્રાઈમની દુનિયામાં એન્ટ્રી કરી રહ્યાં છે. આમ પ્રતિદિવસ ડબ્બા ટ્રેડિંગની દુનિયામાં અપરાધીઓની સંખ્યા કૂદકેને ભૂસકે વધી રહી છે. આ ધંધામાં એક્સપર્ટ બની ગયેલા લોકો પોતાની અલગ ટીમો બનાવવા લાગ્યા છે. એક-બે વર્ષમાં તેઓ એટલા નિષ્ણાત થઈ જાય છે કે, 20-25 લોકોની ટીમ બનાવીને પોતાનો અલગ ધંધો ચાલું કરી રહ્યાં છે.
સેધાજી-અનિલ અને છેણાજી જેવા અપરાધિઓની ક્યાં સુધી ખુલ્લો દૌર મળશે?
હવે આપણે આપણા મૂળ પ્રશ્ન પર પરત ફરીએ કે, સેધાજી-અનિલ અને છેણાજી જેવા અપરાધિઓની ક્યાં સુધી ખુલ્લો દૌર મળશે? પોલીસ ક્યારે આવા અપરાધીઓની ધરપકડ કરશે? જેઓ અપરાધ કરવાની સાથે-સાથે અપરાધને સામાન્ય બનાવી રહ્યાં છે. જે ગંભીર મુદ્દો છે. જેમ આપણા રાજ્યમાં દારૂબંધી છે પરંતુ તે માત્ર નામ પૂરતી છે. તેવી જ રીતે આગામી સમયમાં બિલાડીની ટોપની જેમ ડબ્બા ટ્રેડિંગ કરનારાઓની જમાત ફૂટી નિકળશે. તેવું થાય તે પહેલા જ પોલીસે આકરી કાર્યવાહી કરીને ડબ્બા ટ્રેડિંગ કરતાં અપરાધીઓને જેલના સળીયા પાછળ ધકેલીને તેમની તમામ સંપત્તિ જપ્ત કરી લેવી જોઇએ.
જેવી રીતે દાઉદ-વરદરાજન જેવા અપરાધી નાનામાંથી મોટા થઇને દારૂ અને સ્મગલીંગ જેવા ધંધાથી શરૂઆત કરીને મર્ડર સુધી પહોંચી ગયા તેવી જ રીતે સેધાજી-અનિલ જેવા નાના અપરાધીઓ પણ પોતાના રસ્તામાં આવતા કાંટા સમાન લોકોને ગાયબ કરતાં વાર લગાડશે ખરા?.
આ પણ વાંચો : પીન્ટુ ભાવસારને તો પકડ્યો પરંતુ તેના રાઇટહેન્ડ સેધાજીને ક્યારે પકડવામાં આવશે ?