અમદાવાદગુજરાત

અમદાવાદમાં ઓવરસ્પીડ વાહન ચલાવનારાઓની ખેર નહીં, જુઓ પોલીસે જાહેર કર્યો છે એક વીડિયો

અમદાવાદઃ શહેરમાં ઓવરસ્પીડને લીધે થતાં અકસ્માતોની સંખ્યા ખૂબ વધી રહી છે. ટ્રાફિક વિભાગના સુત્રોના જણાવ્યા પ્રમાણે ટ્રાફિક પોલીસના ધ્યાને આવ્યું છે કે હાલમાં શહેરમાં સૌથી વધુ ઓવર સ્પીડના કેસ પશ્ચિમ વિસ્તારમાં ખાસ કરીને સરખેજ ગાંધીનગર હાઈવે તેમજ પકવાન ચાર રસ્તાથી લઈને હોટલ તાજ સુધીના રોડ પર બને છે. ત્યારે હવે પોલીસ સ્પીડગનનો ઉપયોગ કરીને ઓવરસ્પીડમાં જતાં વાહનચાલકો સામે કાર્યવાહી કરશે. અમદાવાદ ટ્રાફિક પોલીસે એક વીડિયો શેર કરીને વાહન ચાલકોને ચેતવણી આપી છે. હાઈવે પર ટ્રાફિક પોલીસ કર્મીઓ સ્પીડગનથી ઓવરસ્પીડમાં આવતા વાહનચાલકોને દંડ ફટકારશે.

ગુજરાતમાં અકસ્માતની સંખ્યામાં વધારો
ગુજરાતમાં માર્ગ અકસ્માતના વધતા જતાં કેસ અને તેનાથી થતાં મૃત્યુનો આંક ચિંતાના વિષય સમાન બની રહ્યા છે. ગત વર્ષે ગુજરાતના માર્ગ ઉપર પ્રતિદિવસે સરેરાશ 43 રોડ એક્સિડેન્ટ થયા હતા અને દરરોજ સરેરાશ 21 વ્યક્તિના મૃત્યુ થયા હતા. વાહન અકસ્માતના મોટાભાગના કેસમાં વધુ પડતી ઝડપ જવાબદાર હોય છે. ગત વર્ષે માર્ગ અકસ્માતમાં થયેલા કુલ 7618 મૃત્યુમાંથી 7236માં વધુ પડતી ઝડપ જવાબદાર હતી. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા વર્ષ 2022ના અહેવાલ અનુસાર ગુજરાતમાં કુલ 15,751 માર્ગ અકસ્માત થયા હતા. વર્ષ 2021માં કુલ 15, 186 માર્ગ અકસ્માત થયા હતા. વર્ષ 2022માં સૌથી વધુ માર્ગ અકસ્માત થયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત 10માં સ્થાને છે.

 

ગત વર્ષે માર્ગ અકસ્માતમાં 7618 વ્યક્તિના મૃત્યુ થયા હતા
ગુજરાતમાં ગત વર્ષે માર્ગ અકસ્માતમાં 7618 વ્યક્તિના મૃત્યુ થયા હતા. એક જ વર્ષમાં સૌથી વધુએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હોય તેમાં ગુજરાત 9માં સ્થાને છે. વર્ષ 2018થી 2023 દરમિયાન ગુજરાતમાંથી 36, 626 વ્યક્તિના માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયા છે. રાજ્યમાં ગત વર્ષે અકસ્માતમાં જે મૃત્યુ થયા છે તેમાંથી 6999માં સ્થળ પર જ મૃત્યુ થયા હતા. ગત વર્ષે નેશનલ હાઇવે પર 3536 અકસ્માત થયા હતા અને તેમાં 2109 વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. નેશનલ હાઇ વેમાં માર્ગ અકસ્માતમાં સૌથી વધુ મૃત્યુમાં ગુજરાત સમગ્ર દેશમાં 10માં સ્થાને છે. નેશનલ હાઇવે પર થયેલા અકસ્માતમાં 1899એ સ્થળ પર જ છેલ્લા શ્વાસ લીધા હતા.

આ પણ વાંચોઃ પાલનપુર અમદાવાદ હાઈવે પર સ્કોર્પિયો કારે બે વાહનોને અડફેટે લીધા, 8 મુસાફરો ઈજાગ્રસ્ત

Back to top button