ગુજરાતબિઝનેસ

પુરતો ગેસ ન મળતા મોરબીના સિરામિક ઉદ્યોગને માઠી અસર

Text To Speech

મોરબીઃરશિયા યુક્રેન યુદ્ધની પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સીધી અસર મોરબી સિરામિક ઉદ્યોગ ઉપર જોવા મળી રહી છે. યુદ્ધના કારણે અન્ય દેશોમાં પણ પેટ્રોલિયમ પેદાશ અને ગેસની સપ્લાય ચેઇન તૂટી છે. જેના કારણે ભારતમાં પેટ્રોલ ડિઝલની સાથે ઉદ્યોગને મળતા પીએનજી ગેસમાં મોટા પાયે અછત ઉભી થઇ છે. ગેસ સપ્લાયમાં છાસવારે થતી વધ-ઘટને કારણે સિરામિક ઉદ્યોગને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉદ્યોગકારો પૂરતા રૂપિયા આપતા હોવા છતાં પૂરતો ગેસ મળી રહ્યો નથી. ત્યારે વર્ષે અબજોનું ટર્ન ઓવર ધરાવતા સિરામિક ઉદ્યોગની હાલત છેલ્લા 2 મહિનાથી અત્યંત કફોડી બની છે. મોરબીની 1000થી વધુ સિરામિક ફેકટરીમાં ગુજરાત ગેસ દ્વારા અગાઉ કરાયેલા કરારના માત્ર 80 ટકા ગેસ જ આપતું હતું તેમાં પણ અનિયમિતતા જોવા મળી હતી. ત્યારે ગળાકાપ હરીફાઈમાં સિરામિક ઉદ્યોગને ટકાવી રાખવા યોગ્ય પગલા ભરાય તેવી રજુઆત ઉદ્યોગકારો દ્વારા કરવામાં આવી છે.

ઉદ્યોગકારોને આર્થિક નુકસાન જવાનો ભય
મોરબીમાં સિરામિક ઉદ્યોગની કેટલીક ફેકટરી માર્ચના અંતિમ સપ્તાહ તેમજ એપ્રિલમાં બંધ પડી હતી તો બાકીની કેટલીક ફેકટરી ગેસને ધ્યાને લઈ મર્યાદિત ઉત્પાદન સાથે ચાલતી હતી. આ ફેકટરીઓને મે મહિનામાં પૂરતો ગેસ મળશે તેવું અગાઉ આશ્વાસન આપ્યું હતું. જેના ભાગરૂપે દરેક એપ્રિલમાં જેમણે ગેસ વપરાશ કર્યો હતો. તેઓને ગુજરાત ગેસ દ્વારા મે મહિનામાં મળનાર ગેસ અંગે મેઈલ દ્વારા માહિતી આપવામાં આવી હતી. જો કે આવી માહિતી 200 જેટલી ફેકટરી ધારકોને ન મળતા આગામી મે મહિનામાં પણ ફેકટરી બંધ રાખવી પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને તેના કારણે ઉદ્યોગકારોને થઈ રહેલા આર્થિક નુકશાનમાં વધારો થવાની સંભાવના રહેલી છે.

મોરબીની વિવિધ ફેકટરીના ઉદ્યોગકારોએ ગુજરાત ગેસની ઓફિસે જઈને રજુઆત કરી હતી

ઉદ્યોગકારોએ કરી ઉગ્ર રજુઆત
ગેસની સપ્લાય ચેઇન તૂટવાથી થઈ રહેલા નુકસાનને ધ્યાને લઈ મોરબીની વિવિધ ફેકટરીના ઉદ્યોગકારો ગુજરાત ગેસની ઓફિસે પહોંચ્યા હતા અને પહેલા ગુજરાત ગેસના અધિકારીઓને મળ્યા હતા. જો કે ત્યાંથી કોઈ સંતોષકારક જવાબ ન મળતા કચેરી બહાર જ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતુ. આ બાદ સિરામિક એસોસિએશનનાં આગેવાનો પણ આવી પહોંચ્યા હતા અને પ્રથમ ગુજરાત ગેસના અધિકારીઓ સાથે ફોન પર ચર્ચા કરી હતી. જો કે કોઈ સમસ્યાનો ઉકેલ ન આવતા અંતે ગાંધીનગરમાં ફોનનો મારો ચાલુ થયો હતો, અને સાંસદ મોહનકુંડારીયા અને મંત્રી બ્રીજેશ મેરજાએ રાજય સરકાર સુધી ફોનનો મારો ચાલતા રાજય સરકાર દ્વારા વહેલી તકે પ્રશ્ન હલ કરવાની ખાતરી આપતા ઉદ્યોગકારો શાંત થયા હતા.

રશિયા યુક્રેન યુદ્ધના કારણે ચાલતી ગેસ કટોકટીને પગલે 2 મહિનાથી ગેસની સપ્લાય ઘટી છે ત્યારે મે મહિનામાં ગેસ કંપની દ્વારા ગેસ સપ્લાય અંગેનો મેઇલ આપવામાં આવ્યો છે તે મેઈલ ન મળ્યો હોવાથી આ ફેકટરી હજુ એક મહિનો બંધ રહે તેવી સંભાવના વધી જતા આ બાબતે અમે ગુજરાત ગેસ અને રાજય સરકારમાં રજુઆત કરી હતી જે બાદ સરકાર તેમજ ગુજરાત ગેસ કંપની દવરા તમામ ફેકટરીને પૂરતો ગેસ આપવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે તેમ મોરબી સીરામીક એસોસિએશન પ્રમુખ મુકેશ કુંડારીયાએ જણાવ્યું હતું.

Back to top button