ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : બોર્ડનો બહિષ્કાર..!, ડીસા માર્કેટ યાર્ડ ની સાધારણ સભામાં એક પણ સભ્ય હાજર ના રહ્યો

  • સભાની કામગીરી મોકૂફ રહી

બનાસકાંઠા 15 જુલાઈ 2024 :  ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની આજે સાધારણ સભા યોજાવાની હતી પરંતુ સમિતિના તમામ સભ્યોએ આ સભાનો બહિષ્કાર કરતાં સભાની કામગીરી મોકૂફ રહી હતી. સભ્યોએ બોર્ડનો બહિષ્કાર કરવા પાછળનું કારણ ચેરમેન દ્વારા સભ્યોને વિશ્વાસમાં લીધા વગર કરવામાં આવી રહેલા વહીવટને જણાવ્યો હતો.

ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હંમેશા વિવાદના કેન્દ્રમાં રહેતી હોય છે.ગત વર્ષે કોંગ્રેસમાથી ભાજપમાં આવેલા ગોવાભાઇ દેસાઇની પેનલને ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યા બાદ પણ ભાજપના આશીર્વાદથી ચેરમેન બનાવવામાં આવ્યા હતા. પરંતુ તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપને તેનો લાભ મળ્યો નહીં. અને તેના લીધે ગોવાભાઇ દેસાઇનું ચેરમેન પદ જોખમમાં આવી ગયું છે. ત્યારે ગોવાભાઇ દેસાઇને વધુ ઝટકો લાગ્યો છે. આજે ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સાધારણ સભા યોજાનારી હતી.પરંતુ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના તમામ ૧૫ સભ્યો આ સાધારણ સભાનો વિરોધ નોંધાવીને ગેર હાજર રહી આજની સાધારણ સભાનો બહિષ્કાર કર્યો હતો. ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના તમામ સભ્યો આજે એક સાથે ગેરહાજર રહેતા આ સાધારણ સભા રદ્દ થઈ હતી.

આ અંગે ડીસા વિધાનસભા બેઠકના ધારાસભ્યના પિતરાઇ ભાઈ રમેશભાઈ ટાંકે જણાવ્યુ હતું કે વર્તમાન ચેરમેન કોઈપણ સભ્યને વિશ્વાસમાં લીધા વગર વહીવટ ચલાવી રહ્યા છે. જેથી તેમના દ્વારા આચરવાઆમાં આવતી ગેરરીતિમાં તેઓ કોઈપણ રીતે સામેલ થવા માંગતા નથી. અને ચેરમેન દ્વારા પાર્ટી લાઇનથી વિરુધ્ધ જઈને વહીવટ કરવામાં આવી રહ્યો છે. આ સાધારણ સભાની બેઠકમાં સભ્યોની ગેર હાજરી તો આંખે ઉડીને વળગી રહી હતી. જેમાં વાઇસ ચેરમેને પણ આ સાધારણ સભામાં જવાનું ટાળ્યું હતું.

આ અંગે વાઇસ ચેરમેન અરજણભાઈ પટેલે જણાવ્યુ હતું કે વર્તમાન ચેરમેન દ્વારા મનસ્વી નિર્ણય લેવા ઉપરાંત સભ્યોને વિશ્વાસમાં લીધા વગર તુઘ્લખી વહીવટ કરવામાં આવી રહ્યો છે. જ્યારે આ અંગે ચેરમેન ગોવાભાઇ દેસાઇએ જણાવ્યુ હતું કે બોર્ડના કેટલાક સભ્યોને આકસ્મિક કારણોસર બહાર જવાનું હોવાના લીધે તે હાજર રહી શકે તેમ નહોતા.. જેથી તમામ સભ્યો સાથે મળીને બોર્ડની કાર્યવાહી કરે તે માટે આજે બોર્ડની કામગીરી મોકૂફ રાખવામા આવી હતી.

એક તરફ ચેરમેન જણાવી રહ્યા છે કે, કેટલાક સભ્યો આકસ્મિક કારણોસર હાજર ના રહેતા આ સભાની કામગીરી મોકૂફ રાખવામા આવી છે. તો બીજી તરફ બોર્ડના સભ્યો જણાવી રહ્યા છે કે ચેરમેન સભ્યોને વિશ્વાસમાં લીધા વગર વહીવટ કરતાં હોવાના લીધે તેઓએ સભાનો બહિષ્કાર કર્યો હોવાનો ખુલાસો કરી રહ્યા છે. ત્યારે ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન ગોવાભાઇ દેસાઇ માટે આવનારો સમય કપરો સમય સાબિત થઈ શકે છે.

એક તરફ ગત લોકસભાની ચૂંટણીમાં ગોવાભાઇ દેસાઇ ભાજપને કેટલા મદદરૂપ થયા તે સાબિત કરવાની કવાયતમાં છે તો બીજી તરફ જોખમમાં મુકાયેલા તેમના ચેરમેન પદને હવે સભ્યોની નારાજગીનો સામનો કરવો પડી રહ્યો છે.. ત્યારે હવે જોવાનું એ રહે છે કે આગામી સમયમાં ગોવાભાઇ દેસાઇ ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં પોતાનું ચેરમેન પદ જાળવી રાખવામા કેટલા અંશે સફળ થાય છે.

આ પણ વાંચો : બનાસકાંઠા : મધ્યાહન ભોજન કેન્દ્રોને ફાળવાયેલ તુવેરદાળની ગુણવત્તા મામલે તંત્રની કાર્યવાહી

Back to top button