આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો એક પણ ટીકાકાર શોધ્યો નહી જડેઃ હર્ષ સંઘવી
- વોલીબોલ એસોસિએશનના સન્માન સમારંભમાં હર્ષ સંઘવીનું મોટુ નિવેદન
- ગુજરાતીઓએ સાબિત કરી દીધુ કે તેઓ તમામ બાબતમાં અવ્વલ છે
- હવે ગુજરાત દિકરા દિકરીઓ રમત ગમતમાં પણ મેડલ લાવી રહ્યા છે
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બની રહ્યુ હતુ ત્યારે અનેક ટીકાકારો હાજર હતા
અમદાવાદ ખાતે આજે ગુજરાત સ્ટેટ વોલીબોલ એસોસિએશનના અભિવાદન સમારંભ દરમિયાન રાજ્યના ગૃહ પ્રધાન અને રમત ગમત પ્રધાન હર્ષ સંઘવી, બીસીસીઆઇના સેક્રેટરી અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રેસિડન્ટ જય શાહ ઉપસ્થિત રહ્યા હતા. હર્ષ સંઘવીએ આ પ્રસંગે ગુજરાતમાં સ્પોર્ટ્સની થોડા વર્ષો પહેલાની પરિસ્થિતિ અને આજની પરિસ્થિતિના તફાવત અંગે ઉત્તમ વાતો કરી હતી.
ગુજરાતીઓએ ફાફડા-જલેબીની ઇમેજ બદલી નાંખી
ગુજરાતની સ્પોર્ટસની વાત આવે તો બરાબર 20 વર્ષ પહેલાની વાત કરીએ તો મારા વડીલો બહુ સારી રીતે જાણતા હશે કે 20 વર્ષ પહેલા આપણી ગુજરાતની ટીમ રાષ્ટ્રીય કક્ષાએ અનેક રમતોમાં ભાગ લેવા જતી હતી. આપણા ગુજરાતીઓ પહેલા ફાફડા-જલેબી અને ખમણ ઢોકળાના નામે ઓળખાતા હતા. તેના સાક્ષી અનેક લોકો બન્યા છે. આપણા ગુજરાતને લોકો કઇ રીતે જોતા હતા અને આપણા ગુજરાતને લોકો રમત ગમત ક્ષેત્રે કઇ રીતે બોલાવતા હતા, કેવી રીતે જોતા હતા. આપણા માટે સૌથી મોટી ચેલેન્જ તો એ હતી કે ગુજરાતમાં સ્પોર્ટ્સ કલ્ચર ડેવલોપ કરવુ. મેડલ લાવવા માટે સૌથી પહેલા તો સ્પોર્ટ્સ કલ્ચર ડેવલોપ કરવુ પડે.
આ બદલાવની શરૂઆત કરવા આપણા અત્યારના પીએમ જ્યારે નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે તેમણે અને હાલના ગૃહ પ્રધાન અમિત શાહ ત્યારે તેમના નેતૃત્વમાં એક બદલાવની શરૂઆત કરવામાં આવી. આ શરૂઆતનું નામ હતુ ખેલ મહાકુંભ. ભારત પાકિસ્તાનની બોર્ડર પર વસતા બનાસકાંઠા, કચ્છ, પાટણ અને આદિવાસી જિલ્લા ડાંગ જેવા અનેક જિલ્લાઓમાં ખેલ મહકુંભની શરૂઆત કરાઇ. તેના દ્વારા રમતગમતને નવા ખેલાડીઓ મળ્યા. ગુજરાત રમત ગમત ક્ષેત્રે આગળ આવવા લાગ્યુ. કુસ્તી હોય, વોલીબોલ હોય કે એથ્લિટીક હોય. આજે એવી અનેક રમતો જેમાં કોઇ જતુ ન હતુ તેમાં ગુજરાતના દિકરા દિકરીઓ મેડલ જીતીને આવે છે અને ભારતનું નામ રોશન કરે છે. ભારતને મેડલ અપાવવામાં ગુજરાતે અગત્યનો ભાગ ભજવ્યો. અહીં બેઠેલા લોકોને તેનો અનુભવ છે.
રાજ્ય સરકારની યોજનાઓએ ખેલાડીઓને મદદ કરી
આ 20 વર્ષની યાત્રા બાદ રમતગમત ક્ષેત્રે બદલાવ આવ્યો છે. હજુ પરિવર્તનો થતા રહે છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતે શરુ કરેલી શક્તિ દુત યોજના, ઇન્સ્કુલ યોજના, ડીએલએસએસ જેવી અનેક યોજનાઓનો લાભ રાજ્યભરના સ્પોર્ટ્સના ખેલાડીઓને થઇ રહ્યો છે. ગુજરાતના બાળકો ભણતરની સાથે સાથે સ્પોર્ટ્સમાં પણ ભાગ લઇ શકે, રમતમાં સારી ટ્રેનિંગ લઇ શકે તેવી 24થી વધુ રમતો માટેનો સંપુર્ણ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. શક્તિદુત યોજનામાં આપણે એસોસિએશન પાસે અનેક સુચનો માંગ્યા, ખેલાડીઓના પરિવારજનો પાસે પણ સુચનો માંગ્યા અને આ સુચનો બાદ આપણે તેમાં વધુ સારું શું કરી શકીએ, તેમજ રાજ્યના ખેલાડીઓને વધુ પ્રોફેશનલ ટ્રેનિંગ કેવી રીતે આપી શકીએ તેના પ્રયાસો ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર કરી રહી છે.
વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે જય શાહનો ખૂબ આભાર
આપણા સૌ માટે ગર્વની વાત છે કે આપણો ગુજરાતનો દીકરો જે આપણી વચ્ચે મોટો થયો, તે જય શાહ આજે બીસીસીઆઇની એક આદરણીય પોસ્ટ પર બિરાજમાન છે અને સ્પોર્ટસ ક્ષેત્રે પરિવર્તન લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. તમને નવાઇ લાગશે, પરંતુ આપણા દેશમાં એક એવો બદલાવ આવ્યો જેનો ગર્વ આજે દેશની તમામ મહિલાઓ 100 ટકા અનુભવતી હશે. ગોલ્ડ મેડલ તો કોઇ દીકરી કે દિકરો લાવે તેમાં તફાવત નથી હોતો. ગોલ્ડ મેડલ તો ગોલ્ડ મેડલ જ હોય. તો પછી ક્રિકેટમાં આ તફાવત શા માટે હતો? ક્રિકેટમાં મહિલાઓ અને પુરુષ વચ્ચેનો તફાવત દુર કરવામાં બીસીસીઆઇના ચેરમેને મહત્ત્વનો ભાગ ભજવ્યો.
લેબલ્ડ ટીકાકારો આજે ગાયબ થઇ ગયા છે
નરેન્દ્ર મોદી સ્ટેડિયમે અમદાવાદને નવી ઓળખ આપી છે. દુનિયા ભરના લોકો જ્યારે મેચ જોતા હોય છે ત્યારે તેઓ સ્ટેડિયમને જોતા હોય છે. આ સ્ટેડિયમની અનેક વિશેષતાઓ છે. આઇપીએલની મેચમાં પોલીસ કમિશ્નરે મને કહ્યુ કે મેચ પતતાની સાથે સ્ટેડિયમની બહાર નીકળતા અહીં માત્ર 18 મિનિટ લાગે છે. દુનિયાનું સૌથી મોટુ સ્ટેડિયમ ગુજરાતમાં બની રહ્યુ હતુ ત્યારે ટીકાકારો પણ હતા, લેબલ્ડ ટીકાકારો આપણી પાસે હંમેશા હોય છે, આ સ્ટેડિયમાં કેટલો ખર્ચ થશે અને તેનાથી શું પ્રાપ્ત થશે. આજે તમને શહેરમાં એક પણ ટીકાકાર મળશે નહીં આજે એ સાબિત થઇ ચુક્યુ છે કે આ સ્ટેડિયમે અમદાવાદને દુનિયાભરમાં પ્રસિદ્ધિ અપાવી છે. આઇપીએલની ક્લોઝિંગ સેરેમની હોય કે ઓપનિંગ સેરેમની હોય કે કોઇ પણ ફાઇનલ મેચ હોય આ મેચ થકી આપણા શહેરને શું પ્રાપ્ત થયું છે તે જાણવુ હોય તો મેટ્રો ટ્રેનના આંકડા જોઇ લેજો. અમદાવાદ શહેરના નાનામાં નાના ટેક્સી ડ્રાઇવર કે રિક્ષાચાલકને પુછી લેજો. આસપાસની હોટલ્સને જઇને પૂછજો. આઇપીએલના માધ્યમથી કેટલાય લોકોને રોજગારી મળી છે. આ સ્ટેડિયમથી ગુજરાતની ઇકોનોમીને ખૂબ ફાયદો થયો છે.
14 ઓક્ટોબરે અમદાવાદ દુનિયાની સૌથી મોટી મેચની મેજબાની કરશે
હમણાં 14 ઓક્ટોબરે દુનિયાની સૌથી મોટી મેચ આપણા ગુજરાતમાં લાવવામાં સૌથી મોટી સફળતા મળી એ માટે હું બીસીસીઆઇનો આભાર માનુ છુ. જ્યારે આ મેચની તારીખ જાહેર થઇ ત્યારથી એ દિવસ માટે ગુજરાતમાં નાની મોટી કોઇ હોટલમાં એક પણ રૂમ ખાલી નહીં મળે. 14 ઓક્ટોબરે દુનિયાની સૌથી મોટી મેચની મેજબાની કરવા જઇ રહ્યા છીએ તે આપણા લોકો માટે ગૌરવની વાત છે.
વોલીબોલ એસોસિએશનને ખાસ વિનંતી કે..
રમત ગમત પ્રધાન હર્ષ સંધવી વોલીબોલ એસોસિએશનને ઉદ્દેશીને જણાવ્યુ કે આ એસોસિએશનને ખાસ વિનંતી કે નેશનલ ઇન્ટરનેશનલ જે ટુર્નામેન્ટ તમે ગુજરાતમાં લાવી શકતા હો તે લાવજો, ગુજરાત સરકાર તમને તેમાં પુરેપુરો સહયોગ આપશે. આપણે જે પણ ટુર્નામેન્ટ ગુજરાતમાં આવી શકતી હોય તેના માટે સરકાર પણ પ્રયત્ન કરે છે.
સમયની સાથે સાથે બદલવા જરૂરી હોય છે. આ વખતે દોઢ બે મહિના સુધી નહીં, પરંતુ છ મહિના સુધી ખેલ મહાકુંભ ચાલશે. ખેલાડી માત્ર એક નહિં, પરંતુ એક કરતા વધુ ગેમ્સમાં ભાગ લઇ શકશે. ગુજરાતને એક સારુ પ્લેટફોર્મ આપવા અમે પ્રયાસ કરી રહ્યા છીએ.
જે નેશનલ ગેમની તૈયારીમાં સાત સાત વર્ષ લાગી જતા હોય અને કરોડો રૂપિયાનો ખર્ચ થઇ જતો હોય, તે ગેમ્સની તૈયારી આપણે ગુજરાતમાં બે મહિનામાં કરી લીધી છે અને ઉત્તમ ફેસિલિટી આપવામાં આપણે ખૂબ પ્રયાસો કરી રહ્યા છે. આનો શ્રેય જો કોઇને આપવુ હોય તો આજથી 20 વર્ષ પહેલા જેણે આ સપનું જોયુ હતુ કે ગુજરાતમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ડેવલોપ કરવામાં આવે તેને આપવો જોઇએ. આ ઇન્ફ્રાસ્ટક્ચર તૈયાર ન હોય તો બીજા રાજ્યની જેમ આપણે પણ નેશનલ ગેમ્સની તૈયારીમાં બે વર્ષ લાગી જાય.
ગૃહ પ્રધાન ખુદ સ્પોર્ટ્સ કલ્ચરને ડેવલોપ કરવાની પ્રેરણા પુરી પાડે તે ગૌરવની વાત
તમે એક વસ્તુ વિચારો દેશના ગૃહ પ્રધાન જેની પાસે એક મિનિટની નવરાશ હોતી નથી, તેમની દરેક મિનિટ દેશની મહત્ત્વની કામગીરીમાં લાગી હોય છે, પરંતુ જ્યારે પણ તેઓ અમદાવાદમાં આવે છે ત્યારે રાજ્યના મહત્ત્વના લોકો સાથે બેસીને સ્પોર્ટ્સ કલ્ચર કેવી રીતે વધુ ડેવલોપ થઇ શકે તે માટે મહત્ત્વની પ્રેરણા પુરી પાડે છે. આ આપણા માટે ગૌરવની વાત છે. નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનુ ખાતમુહુર્ત અમિત શાહના હસ્તે કરવામાં આવ્યુ છે. તેનું કામ રોકેટ ગતિએ ચાલી રહ્યુ છે. તે ઝડપ ભેર પુર્ણ થશે અને લોકો માટે ખુલ્લુ મુકાશે.
આ પણ વાંચોઃ ગુજરાત સ્ટેટ વોલીબોલ એસોસિએશન અભિવાદન સમારોહમાં હાજર મહેમાનોનું કરાયું સ્વાગત