બીજા પક્ષોમાંથી 200-500 નહીં પણ અધધ 80,000 નેતાઓ-કાર્યકરો ભાજપમાં જોડાયા!
- ભાજપ જોઇનિંગ કમિટીમાં વિપક્ષી નેતાઓ અને કાર્યકરોને પાર્ટીમાં સામેલ કરવામાં આવી રહ્યા છે
- મધ્યપ્રદેશમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો ભાજપમાં જોડાયા
- પંજાબમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના સાંસદો ભાજપમાં જોડાયા
નવી દિલ્હી, 28 માર્ચ : હાલમાં જ 80 હજારથી વધુ કાર્યકર્તાઓ અને વિરોધ પક્ષોના નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હોવાની માહિતી મળી છે. અને તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે લોકસભાની ચૂંટણીની જાહેરાત બાદ કોંગ્રેસ સહિત વિવિધ પક્ષોના વરિષ્ઠ નેતાઓ તેમના સમર્થકો સાથે મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા છે. જેને જુઓ તેમણે ભગવો પહેરી લીધો છે.
આના કેટલાંક ઉદાહરણો જોઇએ તો- પંજાબમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને લાંબા સમયથી કોંગ્રેસની ટિકિટ પર જીતતા અનેક સાંસદો ભાજપના પક્ષમાં આવી ગયા છે. જેમાં પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહના પત્ની અને પટિયાલાના સાંસદ પ્રનીત કૌર, પૂર્વ મુખ્યમંત્રી બિઅંત સિંહના પૌત્ર અને સાંસદ રવનીત સિંહ બિટ્ટુ, આમ આદમી પાર્ટીના સાંસદ સુશીલ કુમાર રિંકુ અને જલંધર (પૂર્વ) વિધાનસભા સીટના AAP ધારાસભ્ય શીતલ અંગૂરલનો સમાવેશ થાય છે. માત્ર પંજાબ જ નહીં, દેશનું ભાગ્યે જ એવું કોઈ રાજ્ય હશે જ્યાંથી વિરોધ પક્ષોના નેતાઓ ભાજપમાં જોડાયા ન હોય. હરિયાણાના કુરુક્ષેત્રથી બે વખત સાંસદ રહી ચૂકેલા કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી નવીન જિંદલ સંપૂર્ણ તાકાત સાથે ભગવા છાવણીમાં જોડાયા છે અને ભાજપે પણ તેમને કુરુક્ષેત્રથી ટિકિટ આપી છે. હરિયાણામાં જ રાનિયાથી અપક્ષ ધારાસભ્ય રણજીત ચૌટાલાએ પણ ભાજપમાં જોડાવાની જાહેરાત કરી છે.
24 માર્ચે, ભૂતપૂર્વ એરફોર્સ ચીફ આરકેએસ ભદૌરિયા અને YSR કોંગ્રેસ પાર્ટીના નેતા વરપ્રસાદ રાવ વેલ્લાપલ્લી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. જનાર્દન રેડ્ડી કર્ણાટકમાંથી ભાજપમાં જોડાયા એટલું જ નહીં, તેમણે તેમની પાર્ટી કલ્યાણ રાજ્ય પ્રગતિ પક્ષ (KRPP)ને પણ ભાજપમાં ભેળવી દીધી છે. છત્તીસગઢમાં જગદલપુર મ્યુનિસિપલ કોર્પોરેશનના કોંગ્રેસના મેયર સફીરા સાહુ સહિત આઠ કોંગ્રેસી કાઉન્સિલરો ભાજપમાં જોડાયા છે. બસ્તર લોકસભામાંથી કુલ 2300 કાર્યકરો ભાજપમાં જોડાયા છે.
આ મોટા નેતાઓએ ભાજપનું સભ્યપદ લીધા
ભાજપમાં જોડાયેલા મોટા નેતાઓની વાત કરીએ તો તેમાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ, બસપા સાંસદ રિતેશ પાંડે, બસપા સાંસદ સંગીતા આઝાદ, લાલચંદ કટારિયા, અર્જુન સિંહ, કિરણ કુમાર રેડ્ડી, જ્યોતિ મિર્ધા, અર્જુન મોઢવાડિયા વગેરેનો સમાવેશ થાય છે.
મધ્યપ્રદેશમાં સૌથી વધુ ભંગાણ
વિપક્ષી પાર્ટીઓમાં સૌથી વધુ ભંગાણ મધ્ય પ્રદેશમાં જોવા મળ્યું છે. એમપીમાં કોંગ્રેસના લગભગ 10 હજાર નેતાઓ અને કાર્યકરો ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસમાંથી આ ભંગાણમાં બ્લોક લેવલથી લઈને જિલ્લા અને વિધાનસભા સ્તર સુધીના નેતાઓ સામેલ છે. બીજેપી નેતા નરોત્તમ મિશ્રાના જણાવ્યા અનુસાર, આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં લગભગ 8,000 નેતાઓ અને કાર્યકરો ભાજપમાં જોડાયા છે. જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ પચૌરી, જગતપ્રકાશ અન્નુ (જબલપુર મેયર), શશાંક શેખર સિંહ, રાકેશ કટારે (વિદિશા જિલ્લા પ્રમુખ), ગજેન્દ્ર સિંહ રાજુખેડી (પૂર્વ સાંસદ), સંજય શુક્લા (પૂર્વ ધારાસભ્ય), વિશાલ પટેલ (પૂર્વ ધારાસભ્ય), અર્જુન પલિયા (પૂર્વ ધારાસભ્ય), દિનેશ અહિરવાર (પૂર્વ ધારાસભ્ય), કમલપત આર્ય (પૂર્વ ધારાસભ્ય) સહિત ઘણા પ્રખ્યાત નેતાઓનો સમાવેશ થાય છે. વિદિશાથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શશાંક ભાર્ગવ તાજેતરમાં ભાજપમાં જોડાયા છે. ભાજપના મધ્ય પ્રદેશ એકમના વડા વીડી શર્માએ દાવો કર્યો છે કે લગભગ 50,000 કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા છે.
હિમાચલ પ્રદેશમાં સરકાર પર સંકટ
હિમાચલ પ્રદેશમાં, કોંગ્રેસના 6 ધારાસભ્યો ભાજપમાં જોડાયા અને તેમની જ સરકાર સામે મોરચો ખોલ્યો. કેન્દ્રીય મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે કોંગ્રેસ સામે બળવો કરનારા સુધીર શર્મા, રવિ ઠાકુર, રાજીન્દર રાણા, ઈન્તર દત્ત, ચેતન્ય શર્મા અને દેવિન્દર ભુટ્ટોને ભાજપનું સભ્યપદ આપ્યું હતું.
ભાજપની જોઇનિંગ કમિટી
ભાજપે અન્ય પાર્ટીઓના નેતાઓ અને કાર્યકરોને આકર્ષવા અને પાર્ટીમાં જોડાવા માટે જોઇનિંગ કમિટીની રચના કરી છે. આ સમિતિના સંયોજક તરીકે વિનોદ તાવડેને જવાબદારી સોંપવામાં આવી હતી. તેમને પશ્ચિમ ભારતની જવાબદારી પણ સોંપવામાં આવી હતી. રવિશંકર પ્રસાદને પૂર્વ ભારત, રાજીવ ચંદ્રશેખરને દક્ષિણ ભારતની, અનુરાગ સિંહ ઠાકુરને ઉત્તર ભારતની અને ભૂપેન્દ્ર યાદવને મધ્ય ભારતની જવાબદારી સોંપવામાં આવી છે.
આ પણ વાંચો : ભારતમાં ગેમિંગ કંપનીઓનો બિઝનેસે જોર પકડયું છે, 2028 સુધીમાં આવક $6 બિલિયન સુધી પહોંચી જશે