નોર્થ કોરિયાએ ટેસ્ટિંગ માટે જાપાન તરફ બેલેસ્ટિક મિસાઈલ છોડી, જાપાને આપ્યું એલર્ટ; એક સપ્તાહમાં પાંચમી વખત પરીક્ષણ કર્યું


ટોક્યોઃ ઉત્તર કોરિયાએ મંગળવારે ફરી એકવાર બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું. દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફના જણાવ્યા અનુસાર ઉત્તર કોરિયાએ તેના પૂર્વ કિનારેથી બેલેસ્ટિક મિસાઈલ છોડી છે. ઉત્તર કોરિયાએ ટોક્યો પર અજાણી બેલેસ્ટિક મિસાઈલ છોડ્યા બાદ જાપાને મંગળવારે તેના રહેવાસીઓને આશ્રયસ્થાનો ખાલી કરવા વિનંતી કરી હતી.
જાપાન સરકારે જાહેર કર્યુ એલર્ટ
ક્યોડો ન્યૂઝ અનુસાર, સરકારે મંગળવારે વહેલી સવારે એક ચેતવણી જારી કરી હતી, જે જાપાનના સૌથી ઉત્તરીય મુખ્ય ટાપુ હોક્કાઇડો અને દેશના ઉત્તરપૂર્વીય પ્રાંત ઓમોરીના રહેવાસીઓને ઇમારતોની અંદર રહેવા વિનંતી કરી હતી. મિસાઈલ લોન્ચ થયાના અહેવાલ બાદ જાપાન સરકારે પણ નાગરિકોને સલામત સ્થળે ખસી જવા જણાવ્યું હતું. તમને જણાવી દઈએ કે કિમ જોંગ ઉનના દેશે એક અઠવાડિયામાં આ પાંચમું મિસાઈલ પરીક્ષણ કર્યું છે.

અમેરિકા અને દક્ષિણ કોરિયાના સંયુક્ત સૈન્ય અભ્યાસથી નારાજ
અમેરિકા અને દક્ષિણ કોરિયાના સૈન્ય અભ્યાસ બાદ ઉત્તર કોરિયાએ એક સપ્તાહમાં પાંચ જેટલા મિસાઈલ પરીક્ષણો કર્યા છે. ઉત્તર કોરિયાના વડા કિમ જોંગ-ઉને પહેલાથી જ બંને દેશોને અભ્યાસ ન કરવા ચેતવણી આપી હતી. આ સૈન્ય અભ્યાસ અમેરિકા, જાપાન અને દક્ષિણ કોરિયા વચ્ચે થયો હતો.
જાપાન-દક્ષિણ કોરિયાની ચિંતા વધી
જ્યારે પણ ઉત્તર કોરિયા મિસાઈલ પરીક્ષણ કરે છે ત્યારે તે જાપાન અને દક્ષિણ કોરિયા માટે ચિંતાનો વિષય બની જાય છે. આમાંની મોટાભાગની મિસાઇલો જાપાનના સમુદ્રને નિશાન બનાવે છે. જાપાન અને દક્ષિણ કોરિયાએ આ વિસ્તારમાં યુએસ સાથે સબમરીન લશ્કરી કવાયત હાથ ધરી હતી.

અમેરિકાની ચેતવણીની પણ કોઈ અસર નહીં
અમેરિકાએ ઉત્તર કોરિયાને ઘણી વખત મિસાઈલ પરીક્ષણ ન કરવાની ચેતવણી આપી છે, પરંતુ અમેરિકાની ચેતવણીને કિમ જોંગ ઉન ઘોળીને પી જાય છે. અને પોતાનું શક્તિ પ્રદર્શન કરે છે. અને તેથી એક જ અઠવાડીયામાં પાંચમી વખત બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું છે.