આ પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી, શિષ્યા પર બળાત્કારનો છે આરોપ
ઉત્તરપ્રદેશ કોર્ટે શુક્રવારે શિષ્યા પર બળાત્કાર કરવાના કેસમાં પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી સ્વામી ચિન્મયાનંદ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ (NBW) જારી કર્યું છે. ટ્રાયલમાં કોર્ટમાં હાજર ન રહેવા બદલ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું છે. આ પહેલા પણ કોર્ટે વોરંટ પર કાર્યવાહી ન કરવા બદલ ઈન્સ્પેક્ટરને ફટકાર લગાવી હતી.
ચિન્મયાનંદ પર 2011માં બળાત્કારનો કેસ દાખલ કરાયો
આ અંગે મળતી માહિતી મુજબ પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અને મુમુક્ષુ આશ્રમના સ્થાપક ચિન્મયાનંદ પર 2011માં તેમની શિષ્યા દ્વારા બળાત્કારનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. 2018 માં, ઉત્તર પ્રદેશ સરકારે કેસ પાછો ખેંચવાની પ્રક્રિયા શરૂ કરી હતી, પરંતુ પીડિતાએ વાંધો ઉઠાવ્યા બાદ કોર્ટે અરજી ફગાવી દીધી હતી. તેમજ જામીનપાત્ર વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું. આ પછી ચિન્મયાનંદે હાઈકોર્ટમાં અરજી કરીને કાર્યવાહી રોકવા માટે સ્ટે ઓર્ડર મેળવ્યો હતો. બાદમાં હાઇકોર્ટનો પત્ર શાહજહાંપુર કોર્ટમાં આવ્યો ત્યારે કેસને વેગ મળ્યો. ચિન્મયાનંદ ન તો કોર્ટમાં હાજર થયા અને ન તો તેમને જામીન મળ્યા. એમપીએમએલ કોર્ટ/એસીજેએમ એ ત્રણ મહિના પહેલા ચિન્મયાનંદ સામે બિનજામીનપાત્ર વોરંટ પણ જારી કર્યું હતું. ચોક કોતવાલી ઈન્સ્પેક્ટરને પણ તેના હળવા વલણ બદલ કોર્ટે ઠપકો આપ્યો હતો. શુક્રવારે ચિન્મયાનંદ વતી બે વકીલોએ વોરંટ સામે દલીલ કરી હતી. કડકતા દાખવતા કોર્ટે ફરીથી બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે.