પૂર્વ PM ઈમરાન ખાન સામેનું બિન-જામીનપાત્ર ધરપકડ વોરંટ રદ્દ કરાયું
પાકિસ્તાનની સામાન્ય ચૂંટણી પહેલા પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન કોર્ટમાં અનેક કેસોનો સામનો કરી રહ્યા છે. ગુરુવારે ન્યાયિક મેજિસ્ટ્રેટ દ્વારા ખાન વિરુદ્ધ બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. તેમના પર રાષ્ટ્રીય સંસ્થાઓ વિરુદ્ધ નફરત ફેલાવનાર ભાષણ આપવાનો આરોપ છે. તેના એક દિવસ પછી શુક્રવારે એક સર્વોચ્ચ અદાલતે બિન-જામીનપાત્ર ધરપકડ વોરંટ રદ કર્યું હતું.
બલૂચિસ્તાન હાઈકોર્ટમાં અરજી દાખલ કરી
ખાનની પાર્ટી પીટીઆઈએ ક્વેટામાં ન્યાયિક મેજિસ્ટ્રેટના આદેશ વિરુદ્ધ બલૂચિસ્તાન હાઈકોર્ટ (બીએચસી) માં અરજી દાખલ કરી ધરપકડ વોરંટ અને ક્વેટાના પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી એફઆઈઆરને રદ કરવાની વિનંતી કરી હતી. ક્વેટા બલૂચિસ્તાનની રાજધાની છે. BHC જસ્ટિસ ઝહીર-ઉદ-દિન કાકરે બલૂચિસ્તાનના પોલીસ મહાનિરીક્ષક, તપાસ નિર્દેશક, વરિષ્ઠ અધિક્ષક (કાયદો), સ્ટેશન હાઉસ ઓફિસર અને ફરિયાદીને નોટિસ જારી કર્યા પછી, ધરપકડ વોરંટ રદ કર્યું અને સુનાવણી બે અઠવાડિયા માટે મુલતવી રાખી.
ઈમરાન ખાનને રજૂ કરવાના આદેશ
ન્યાયિક મેજિસ્ટ્રેટે પોલીસને ખાનની ધરપકડ કરવા અને તેને કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. ખાનને એપ્રિલ 2022 માં પદ પરથી હટાવવામાં આવ્યા ત્યારથી તેમની સામે નોંધાયેલા 76 થી વધુ કેસોમાં આ નવીનતમ છે. ઉલ્લેખનીય છે કે, રવિવારે ખાને તોશાખાના કેસના સંબંધમાં લાહોરમાં તેમના જમાન પાર્ક નિવાસસ્થાનમાંથી પોલીસે તેમની ધરપકડ કરવાનો અસફળ પ્રયાસ કર્યા પછી દેશની સૈન્ય સંસ્થાન સામે ધડાકાભેર હુમલો કર્યો હતો.