કોઈપણ આદિવાસી નેતાને CM તરીકેનો કાર્યકાળ પૂરો કરવા દેવાતો નથી : મુખ્યમંત્રી હેમંત સોરેન
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને વિપક્ષ ભારતીય જનતા પાર્ટી પર આડકતરી રીતે આરોપ લગાવ્યો છે કે ઝારખંડમાં કોઈપણ આદિવાસી નેતાને મુખ્યમંત્રી તરીકેનો તેમનો કાર્યકાળ પૂરો કરવા દેવામાં આવ્યો નથી. આદિવાસી નેતાને રાજ્યમાં આગળ વધતા રોકવાના પ્રયાસો થઈ રહ્યા છે. પોતાને ઝારખંડી ગણાવતા સોરેને એવો પણ આક્ષેપ કર્યો હતો કે વિપક્ષી પાર્ટી ખોટા આરોપો લગાવીને તેમને મુખ્યમંત્રી પદેથી હટાવવાનું ષડયંત્ર રચી રહી છે.
પક્ષના 51માં સ્થાપના દિવસે હતી રેલી
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી હેમંત સોરેને જેએમએમના 51મા સ્થાપના દિવસના અવસર પર પાર્ટી દ્વારા આયોજિત એક રેલીને સંબોધતા હતા. તેમાં તેમણે વિપક્ષ ઉપર નિશાન ટાક્યું હતું. વધુમાં બીજેપીનું નામ લીધા વિના તેમણે કહ્યું કે ઝારખંડના પ્રથમ મુખ્યમંત્રી બાબુલાલ મરાંડીને ત્રણ વર્ષ પૂરા કરતા પહેલા જ હટાવી દેવામાં આવ્યા હતા. બાદમાં અર્જુન મુંડાને ત્રણ વર્ષથી વધુ સમય માટે પદ પર રહેવાની મંજૂરી આપવામાં આવી ન હતી. પરંતુ તે જ સમયે, એક છત્તીસગઢીને મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા અને તેમને તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. જેએમએમ નેતા દેખીતી રીતે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રઘુબર દાસનો ઉલ્લેખ કરી રહ્યા હતા જેમનું પૈતૃક ઘર છત્તીસગઢના રાજનાંદગાંવ જિલ્લામાં બોઇરહાઇડ ખાતે હતું.