ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

CAA પર કોઈ રોક નહીં: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી માંગ્યો જવાબ

  • સુપ્રીમ કોર્ટમાં CAA પર આગામી સુનાવણી 9 એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે

નવી દિલ્હી, 19 માર્ચ: દેશભરમાંથી CAA વિરુદ્ધ દાખલ 200 થી વધુ અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં આજે મંગળવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાલમાં સુપ્રીમ કોર્ટે CAA પર કોઈપણ પ્રકારનો પ્રતિબંધ લગાવવાનો ઈન્કાર કરી દીધો છે. કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી CAA પર ત્રણ અઠવાડિયામાં જવાબ માંગ્યો છે. SCમાં સુનાવણી દરમિયાન, CJIએ કેન્દ્ર સરકારને પૂછ્યું કે, તેમને CAA (નાગરિકતા સુધારણા અધિનિયમ)ના નોટિફિકેશન પર રોક લગાવવાની માંગ કરતી અરજીનો જવાબ આપવા માટે કેટલો સમય જોઈએ છે. જેના પર કેન્દ્ર વતી હાજર થયેલા સોલિસિટર જનરલે 4 અઠવાડિયાનો સમય માંગ્યો હતો. જો કે, કોર્ટે પોતાનો જવાબ દાખલ કરવા માટે કેન્દ્રને ત્રણ અઠવાડિયાનો જ સમય આપ્યો છે, હવે આ કેસની આગામી સુનાવણી 9 એપ્રિલે થશે.

 

કપિલ સિબ્બલે કેન્દ્રને સમય આપવાનો વિરોધ કર્યો હતો

અરજીકર્તા તરફથી હાજર રહેલા વકીલ કપિલ સિબ્બલે કેન્દ્ર સરકારને સમય આપવાનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, “CAA ચાર વર્ષથી લાગુ છે. એકવાર લોકોને નાગરિકતા મળી જશે તો તેને પરત કરવી મુશ્કેલ બનશે.” તેમણે કહ્યું કે, “આ પછી આ અરજીઓ બિનઅસરકારક બની જશે.” કપિલ સિબ્બલે કહ્યું કે, “આ નોટિફિકેશનની રાહ જોઈ શકાય છે. અમે સમયનો વિરોધ નથી કરી રહ્યા, ચાર વર્ષ બાદ એવું શું અર્જન્ટ છે?” આ સાથે કપિલ સિબ્બલે કોર્ટ પાસેથી નોટિફિકેશન પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી.

અરજદાર વતી કોર્ટમાં હાજર રહેલા અન્ય એક વકીલ ઈન્દિરા જયસિંહે CAA પર સ્ટે મૂકવાની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે, “આ મામલો મોટી બેંચને મોકલવો જોઈએ.” તે જ સમયે, CJIએ કહ્યું કે, “કેન્દ્ર સરકારને જવાબ આપવા માટે થોડો સમય તો આપી શકાય છે, કારણ કે તે થોડો વધુ સમય માંગવા માટે હકદાર છે.” સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે, 236 અરજીઓમાંથી કેટલા કેસમાં કોર્ટે નોટિસ જારી કરી છે.

આસામના કેસોની અલગથી સુનાવણી

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે, પહેલાથી જ જારી કરાયેલા આદેશ મુજબ, આસામના કેસની સુનાવણી અલગથી થશે. અરજદારોના એક વકીલે કહ્યું કે, 6B(4) કહે છે કે આસામના અમુક આદિવાસી વિસ્તારોમાં CAA લાગુ થશે નહીં. જ્યારે મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ સંપૂર્ણપણે બહાર રહેલું છે. તો CJIએ કહ્યું કે, “આખું રાજ્ય બહાર નથી, પરંતુ માત્ર તે ભાગો જે 6ઠ્ઠી અનુસૂચિમાં સામેલ છે તે તેની બહાર છે.” સોલિસિટર જનરલે કહ્યું કે, “શરૂઆતથી જ આવું રહ્યું છે.”

આ દરમિયાન CJIએ કેન્દ્રને કહ્યું કે, “તેમને તેનો જવાબ દાખલ કરવા માટે બે અઠવાડિયાનો સમય મળશે અને આગામી સુનાવણી 2 એપ્રિલે હાથ ધરવામાં આવશે.” ત્યારે વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ લુથરાએ કહ્યું કે, “યુનિયને ચાર અઠવાડિયા સુધી કાઉન્ટર ફાઇલ દાખલ ન કરવાનો નિર્ણય કર્યો છે.” આ સમયે વકીલ ઈન્દિરા જયસિંહે કહ્યું કે, “તેમને આટલો સમય આપો, પરંતુ આ દરમિયાન તેમને નાગરિકતા ન આપો.” કેન્દ્રએ કહ્યું કે, “આ મામલે કુલ 236 અરજીઓ દાખલ કરવામાં આવી છે, 2 અઠવાડિયામાં જવાબ દાખલ કરવો શક્ય નથી.”

આખરે SCએ કેન્દ્ર પાસેથી 3 અઠવાડિયામાં જવાબ માંગ્યો

કપિલ સિબ્બલે કોર્ટને કહ્યું કે, “બંધારણીયતાના મુદ્દા ગંભીર છે.” પ્રવાસીઓ તરફથી હાજર રહેલા એડવોકેટ રણજીત કુમારે કહ્યું કે, “તેઓ બલૂચિસ્તાનથી ભારત આવ્યા છે કારણ કે ત્યાં તેમના પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. જો તેમને નાગરિકતા આપવામાં આવશે તો તેમની પર શું અસર થશે?” ઈન્દિરા જયસિંહે પૂછ્યું કે, “શું તેમને મત આપવાનો અધિકાર મળશે”. આખરે CJIએ કેન્દ્ર પાસેથી 3 અઠવાડિયામાં જવાબ માંગ્યો અને 9 એપ્રિલે સુનાવણી કરવાનો આદેશ આપ્યો.

આ પણ જુઓ: શ્રીકૃષ્ણ જન્મભૂમિ કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી મસ્જિદ પક્ષને ઝટકો, અરજી ફગાવી

Back to top button