જીવનના ચિત્રમાં કોઇ નાની રેખા ક્યારેય નજીવી નથી હોતી
અમદાવાદઃ શક્ય અને અશક્ય વચ્ચે તફાવત શું ? જે શક્ય છે એ આપણાથી દૂર છે પરંતુ એટલું દૂર નથી કે જ્યાં આપણા હાથ ન પહોચે. શક્યની વાત જરા જુદી છે. એ ખાસ્સુ દૂર છે અને આપણને લાગે છે કે ત્યાં સુધી આપણાં પ્રયત્નો પહોચે એમ નથી. આવું માની લઇને હારી જવું એ આપણામાં પડેલી અપાર શકયતાઓનું અપમાન છે. રોજબરોજના જીવનમાં આપણને એવાં ઘણાં અનુભવો થાય છે કે શરૂઆતમાં અશક્ય લાગતુ કાર્ય આપણે પાર પાડીએ છીએ. અશક્ય જણાતી બાબતો માણસના પ્રયત્ન, પરાક્રમના કારણે શક્ય બને છે અને એટલે જ કહેવાય છે કે ઇશ્વરને પરાક્રમી માણસો વધુ પ્રિય હોય છે.
જીવનનું લક્ષ્ય શું છે ?
રોજ અરીસામાં જોવો છો કે બહાર બધુ બરાબર છે કે નહિ ? પરંતુ ક્યારેક અંદર પણ જોવો કે અંદર બધુ બરાબર છે કે નહી ? અરીસામા જોતી વખતે તમારી આંખો તમને પ્રશ્ન કરશે કે જન્મ શા માટે લીધો છે ? જીવનનું લક્ષ્ય શું છે ? જેઓએ પોતાની જાતને આ પ્રશ્ન નથી પૂછ્યો તેઓનું જીવન પ્રારંભ થયું જ નથી. જીવનનું પરિવર્તન આ પ્રશ્નથી થાય છે જેઓ આ પ્રશ્ન પોતાની જાતને પૂછે છે તેઓનું જીવન બદલાય જાય છે. આપણને એ નથી ખબર કે ક્યાં જવાનું છે ? આપણે શું બનવાનું છે એ નક્કી કરી લીધું છે, પરંતુ શું કરવાનું છે એ નક્કી કર્યુ નથી. માણસની ભીતર પડેલી શક્યતા જુવારના દાણા જેવી છે. ઘંટી પાસે ભોંય પર પડેલા એ દાણાને ખબર નથી હોતી કે એની ભીતર છોડ પર બેસનારાં કણસલાં સંતાઇને સૂતાં છે.
નાનું કાણું મોટા વહાણને ડુબાડી શકે છે
જીવનની પ્રત્યેક ક્ષણ પોતાની સાથે ચમત્કાર લેતી આવે છે અને એનો ચહેરો નિરંતર યુવાની જેવો હોય છે. ચોવીસ કલાકમાંથી છથી આઠ કલાકની ઉંઘને બાદ કર્યા પછીનો ગાળો માણસની જાગ્રત અવસ્થાનો સમય. સવાલ એ છે કે આ 16થી18 કલાક દરમિયાન ખરેખર માણસ જાગતો હોય છે ? આપણે વિચારીએ કે ગઇકાલના આખા દિવસ દરમિયાન આપણે જે નથી તે બીજાને બતાવવામાં કેટલો સમય બરબાદ કર્યો ? બીજાઓ આગળ સારા દેખાવવામાં આપણે પોતાના પરનો આદર ઓછો થઇ જાય એવું વર્તન કરી બેસીએ છીએ. વાસ્તવિકતા અને કલ્પના વચ્ચેનો સંઘર્ષ ટાળવા જીવનમાં ઉત્કટતા જોઇએ. પેશન જિંદગી જીવવાનો આવેગ હોવો જોઇએ. કુતુહલ, મુગ્ધતા અને સતત કશુંક નવું જાણવાનો કે અનુભવવાનો અંજપો જીવવાની અદમ્ય ઇચ્છા, જીવનના સુખોનો, દુખોનો સો ટકા અનુભવ લેવાની આતુરતા ભરપૂર પેશન સાથે ભરાયેલું જીવનનું દરેક ડગલું જિંદગીને વધુને વધુ જીવવા જેવી બનાવતું રહે છે. માણસ પોતાની શ્રેષ્ઠ કાબેલિયત નિચોવીને જે કામ કરે તેના પરિણામે જે મળે છે એ શ્રેષ્ઠ જ હોય છે. તમારા જીવનનું ચિત્ર તમારે પોતાને જ દોરવાનું છે. જીવનના ચિત્રમાં કોઇ નાની રેખા ક્યારેય નજીવી નથી હોતી. જે નાની વસ્તુઓને આપણે છોડી દઇએ છીએ તે સમય જતાં મોટી ભૂલોરૂપે આપણી સમક્ષ પ્રસ્તુત થાય છે. નાનું કાણું મોટા વહાણને ડુબાડી શકે છે. નાની ખીલી મોટી પીડા આપી શકે છે. નાનકડા જંતુનો ડંખ જીવલેણ નીવડી શકે છે. આપણી જિંદગીના આપણે પોતે જ ચિત્રકાર છીએ. જીવનરૂપી ચિત્ર અસંખ્ય નાનીનાની રેખાઓમાંથી બનતું રહે છે. એમાંની કોઇ રેખા નકામી નથી હોતી. જીવનનું ચિત્ર કેવું બનાવવું તે આપણા જ હાથમાં છે. બેદરકાર રહેવું કે જાગૃત તે પણ આપણા જ હાથમાં છે.
અંતે રવીન્દ્રનાથ ટાગોર લિખિત અને મહાદેવભાઈ દેસાઈ દ્વારા અનુવાદિત આ પંક્તિઓ સૌ કોઈને પ્રેરણા આપશે એ આશા સાથે…
તારી જો હાક સુણી
કોઈ ના આવે તો
એકલો જાને રે
એકલો જાને, એકલો જાને, એકલો જાને રે
તારી જો હાક સુણી
કોઈ ના આવે તો
એકલો જાને રે
જો સૌનાં મોં સીવાય
ઓરે ઓરે ઓ અભાગી
સૌનાં મોં સીવાય
જ્યારે સૌએ બેસે મોં ફેરવી
સૌએ ડરી જાય
ત્યારે હૈયું ખોલી અરે તું મૌન મૂકી
તારા મનનું ગાણું એકલો ગાને રે
તારી જો હાક સુણી
કોઈ ના આવે તો
એકલો જાને રે
જો સૌએ પાછાં જાય
ઓરે ઓરે ઓ અભાગી ! સૌએ પાછાં જાય
જ્યારે રણવગડે નીસરવા ટાણે
સૌ ખૂણે સંતાય
ત્યારે કાંટા રાને
તું લોહી નીંગળતે ચરણે
ભાઈ એકલો ધાને રે
તારી જો હાક સુણી
કોઈ ના આવે તો
એકલો જાને રે
જો દીવો ન ધરે કોઈ
ઓરે ઓરે ઓ અભાગી ! દીવો ન ધરે કોઈ
જ્યારે ઘનઘેરી તુફાની રાતે
બાર વાસે તને જોઈ
ત્યારે આભની વીજે, તું સળગી જઈ
સૌનો દીવો એકલો થાને રે
તારી જો હાક સુણી
કોઈ ના આવે તો
એકલો જાને રે