ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી કોઈ રાહત નહીં: સુનાવણી ટળી ગઈ, CBIને આપ્યો નિર્દેશ

  • જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાહત માટે હજુ વધુ રાહ જોવી પડશે

નવી દિલ્હી, 23 ઓગસ્ટ: CBI કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની  ધરપકડને પડકારતી અરજી પર આજે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ટળી ગઈ છે. CBI દ્વારા વધુ સમય માંગવામાં આવ્યો હતો, જેને કોર્ટે સ્વીકારી લીધો હતો અને 5 સપ્ટેમ્બરે કેસની યાદી આપવા જણાવ્યું હતું. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની 26 જૂનના રોજ કથિત દારૂ કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. મની લોન્ડરિંગ કેસમાં કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે.

 

જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની બેંચ સમક્ષ CBI તરફથી હાજર રહેલા ASG SV રાજુએ કહ્યું કે, “તેઓએ એક કેસમાં જવાબ દાખલ કર્યો છે, જ્યારે બીજા કેસમાં જવાબ દાખલ કરવા માટે સમયની જરૂર છે.” કેજરીવાલ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ CBIની માંગનો વિરોધ કર્યો અને કહ્યું કે, તેઓ દલીલો કરવા માટે તૈયાર છે.

સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે, એક કેસમાં એફિડેવિટ દાખલ કરવામાં આવ્યું છે અને બીજી અરજીનો જવાબ આપવા માટે CBIને વધુ એક સપ્તાહનો સમય આપવામાં આવે છે. જો કોઈ જવાબ હોય તો બે દિવસ પછી ફાઇલ કરે. આ બાબત 5 સપ્ટેમ્બર, 2024ના રોજ સૂચિબદ્ધ કરવામાં આવે. ધરપકડને પડકારવાની સાથે-સાથે કેજરીવાલે જામીન માટે પણ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.

CBIએ કેજરીવાલની અરજીનો વિરોધ કરીને સુપ્રીમ કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો છે. વિવાદાસ્પદ આબકારી નીતિના ઘડતર અને અમલીકરણમાં અરવિંદ કેજરીવાલની ભૂમિકાને મહત્ત્વપૂર્ણ ગણાવતા CBIએ કહ્યું કે, તપાસ પૂર્ણ કરવા માટે કેજરીવાલની ધરપકડ જરૂરી હતી. ખાસ કરીને તેના કારણે કે પુરાવા હોવા છતાં તેઓ સહકાર આપી રહ્યો નહોતા. ગુરુવારે રાત્રે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા તેના જવાબમાં CBIએ કહ્યું કે, કેજરીવાલ ષડયંત્રનો ભાગ હતા.

આ મામલે અગાઉ શું થયું?

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર કેજરીવાલની CBI દ્વારા 26 જૂને ધરપકડ કરવામાં આવી હતી. મની લોન્ડરિંગ કેસમાં 21 માર્ચે ધરપકડ કરાયેલા કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળી ગયા છે. પરંતુ CBIના કેસમાં તેમની ધરપકડના કારણે તેઓ જેલમાંથી બહાર આવી શક્યા નથી. આ પહેલા હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડને યોગ્ય ગણાવીને તેમને જામીન આપવાનો ઈન્કાર કર્યો હતો. છેલ્લી સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે પણ કેજરીવાલને વચગાળાના જામીન આપવાનો ઇનકાર કર્યો હતો અને CBIને તેનો જવાબ દાખલ કરવા કહ્યું હતું.

આ પણ જૂઓ: CBIના નામે ઠગ ટોળકીએ બિહારમાં પ્રખ્યાત ડોક્ટર પાસેથી 4.40 કરોડની લૂંટ ચલાવી

Back to top button