આ રાજ્યમાં કોઈ પક્ષને કદી બહુમતી મળતી નથી, એક વખત તો અપક્ષ MLA મુખ્યપ્રધાન બન્યા હતા!
રાંચી, 18 નવેમ્બર, 2024: દેશમાં એક એવું પણ રાજ્ય છે જ્યાં અત્યાર સુધીના ચૂંટણીના ઇતિહાસમાં એકપણ પક્ષને બહુમતી મળી નથી. હંમેશાં અલગ અલગ પક્ષોએ સાથે મળીને જ સરકાર બનાવવી પડે છે. આ રાજ્યની રચનાને 24 વર્ષ થયા છે પરંતુ આટલા ઓછા સમયમાં અહીં 13-13 મુખ્યપ્રધાન સત્તા પર આવ્યા. આમછતાં અહીં ત્રણ વખત તો રાષ્ટ્રપતિ શાસન લગાવવું પડ્યું. અને એક સમય એવો આવ્યો હતો જ્યારે રાજ્યના મુખ્યપ્રધાનપદની ખુરશી ઉપર એક અપક્ષ ધારાસભ્યને બિરાજમાન થવાનું સૌભાગ્ય મળ્યું હતું.
આ રાજ્ય છે ઝારખંડ, જ્યાં બે દિવસ પછી બીજા તબક્કાનું મતદાન થશે અને આગામી 23 નવેમ્બરે પરિણામ જાહેર થશે.
ઝારખંડ વિધાનસભામાં 81 બેઠકો છે અને કોઈપણ પક્ષને અથવા વિવિધ પક્ષોના જોડાણને બહુમતી માટે 41 બેઠકો જીતવી પડે. દેશના ઘણાં રાજ્યોની સરખામણીમાં 41ની આ સંખ્યા નાની લાગે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, આ રાજ્યમાં કોઇપણ એક પક્ષને બહુમતી મળતી નથી. 2014માં ભાજપને અહીં 37 બેઠક મળી હતી જે અત્યાર સુધીના ઇતિહાસમાં કોઈ એક પક્ષને મળેલી સૌથી વધુ બેઠક હતી.
24 વર્ષ પહેલાં બિહારથી અલગ કરવામાં આવેલા આ રાજ્યમાં અત્યાર સુધીની ચૂંટણીઓમાં માત્ર 2009ની ચૂંટણીમાં ચાર પક્ષોને 10 કરતાં વધુ બેઠકો મળી હતી. તે સમયે ભાજપ તથા ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)ને 18-18, કોંગ્રેસને 14 અને ઝારખંડ વિકાસ મોરચાને 11 બેઠકો મળી હતી. આ પહેલાંની અને ત્યારપછી ત્રણ કે વધુ પક્ષોને બે આંકડામાં બેઠકો મળી હોય એવું બન્યું નથી.
આ પણ વાંચોઃ પુરુષો પણ પોતાના સૌંદર્યને નિખાર આપી શકે છેઃ જાણો કેટલીક ટ્રિક્સ