ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજન

ભારતીયોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો કોઈને અધિકાર નથી: IC814 વિવાદ પર સરકારે કરી લાલ આંખ

  • અમારા પ્લેટફોર્મ પર ભવિષ્યના તમામ કન્ટેન્ટ રાષ્ટ્રની ભાવનાઓ પ્રત્યે સંવેદનશીલ રહેશે: નેટફ્લિક્સે ખાતરી આપવી પડી

નવી દિલ્હી, 3 સપ્ટેમ્બર: Netflix પર રિલીઝ થયેલી વેબ સિરીઝ  ‘IC-814: The Kandahar Hijack’માં હાઇજેક કરનારાઓના નામને લઈને વિવાદ શરૂ થયો છે. જેને પગલે કેન્દ્ર સરકારે નેટફ્લિક્સના કન્ટેન્ટ હેડને સમન્સ પાઠવ્યું હતું અને આ વેબ સિરીઝના વિવાદાસ્પદ પાસાં પર સ્પષ્ટતા આપવા જણાવ્યું હતું. મળતી માહિતી મુજબ, નેટફ્લિક્સ ઇન્ડિયાનાં કન્ટેન્ટ હેડ મોનિકા શેરગિલ આ મુદ્દે આજે મંગળવારે માહિતી અને પ્રસારણ મંત્રાલય સમક્ષ હાજર થયાં હતાં. આ બેઠક દિલ્હીના શાસ્ત્રી ભવન ખાતે યોજાઇ હતી. નેટફ્લિક્સના કન્ટેન્ટ હેડે માહિતી અને પ્રસારણ મંત્રાલયના સંયુક્ત સચિવને મળ્યા છે. બેઠકમાં મંત્રાલયે મોનિકા શેરગીલને કહ્યું કે, કોઈને પણ દેશના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો અધિકાર નથી. આ પછી, નેટફ્લિક્સે મંત્રાલયને એવી ખાતરી આપી છે કે, તેમના પ્લેટફોર્મ પર ભવિષ્યના તમામ કન્ટેન્ટ રાષ્ટ્રની ભાવનાઓ પ્રત્યે સંવેદનશીલ રહેશે, તે આવી બાબતોનું ખાસ ધ્યાન રાખશે.

 

વેબ સિરીઝ પર પ્રતિબંધ મૂકવાની માંગ

IC 814 સિરીઝ નેટફ્લિક્સ પર 29 ઓગસ્ટે રિલીઝ કરવામાં આવી છે, જે કંદહાર પ્લેન હાઇજેક પર આધારિત છે. સોમવારે દિલ્હી હાઈકોર્ટમાં એક જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં OTT સિરીઝ ‘IC 814: ધ કંદહાર હાઇજેક’ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી. અરજીકર્તાએ ફિલ્મ મેકર્સ પર તથ્યોમાં ફેરફાર કરવાનો આરોપ લગાવ્યો હતો. આ અરજી હિન્દુ સેના પ્રમુખ સુરજિત સિંહ યાદવે દાખલ કરી છે. તેમણે કહ્યું છે કે, સિરીઝમાં આતંકવાદીઓનાં હિન્દુ નામો દર્શાવવામાં આવ્યાં છે, જેમાં ભગવાન શિવના અન્ય નામ ‘ભોલા’ અને ‘શંકર’ સામેલ છે. જ્યારે હાઈજેક કરનારા આતંકીઓના અસલી નામો કંઈક બીજાં જ હતાં. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આનાથી હિન્દુ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચી છે.

Netflixના વડાને શા માટે બોલાવવામાં આવ્યા?

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, સરકારે કહ્યું કે, “ભારતની સંસ્કૃતિ અને સભ્યતા માટે આદર અને સન્માન હંમેશાં સર્વોપરી છે. કંઈપણ ખોટું બતાવતા પહેલાં તમારે વિચારવું જોઈએ. સરકાર આ બાબતે ખૂબ જ કડક છે. શું આપણે કોઈ વિદેશી વ્યક્તિને આપણા સાંસ્કૃતિક મૂલ્યો સાથે રમવાની મંજૂરી આપવી જોઈએ? ફિલ્મ નિર્માતાઓએ કંઇક ખોટું દર્શાવતા પહેલા વિચારવું પડશે. તમે ઉદાર બની શકો છો, પરંતુ તમે સંસ્થાઓને ખોટી રીતે ચિત્રિત કરી શકતા નથી.

નેટફ્લિક્સે આપી સ્પષ્ટતા

સરકારી સૂત્રો મુજબ, માહિતી અને પ્રસારણ મંત્રાલયની બેઠકમાં નેટફ્લિક્સે કન્ટેન્ટનું રિવ્યુ (સામગ્રીની સમીક્ષા) કરવાનું આશ્વાસન આપ્યું છે. આ સાથે નેટફ્લિક્સે કહ્યું કે, તેમના પ્લેટફોર્મ પર ભવિષ્યના તમામ કન્ટેન્ટ સંવેદનશીલ અને દેશની ભાવનાઓ અનુસાર રહેશે.

આ પણ જૂઓ: ‘જવાન’ના ડાયરેક્ટર એટલીએ શાહરુખ બાદ સલમાન સાથે મિલાવ્યો હાથ, કમલ હાસનનો સાથ!

Back to top button