બેકફૂટ પર આવી જવાની જરૂર નથીઃ ભાજપના નેતાઓ-કાર્યકરોને સીએમ યોગીની સલાહ
- લોકસભા અને વિધાનસભા પેટા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન પછી પ્રથમ વખત યોજાયેલી કારોબારીમાં સીએમ યોગીએ આપ્યો બુસ્ટર ડોઝ
- પીએમ મોદીના નેતૃત્વમાં આપણે 2014, 2017, 2019ની ચૂંટણીઓ જીત્યા જ છીએ, ફરી જીતીશુંઃ યોગી આદિત્યનાથ
લખનઉ, 14 જુલાઈઃ લોકસભાની તાજેતરની ચૂંટણીમાં ધાર્યા મુજબની સફળતા નહીં મેળવી શકનાર ભાજપ હવે લગભગ તમામ રાજ્યમાં સમીક્ષા કરી રહ્યો છે. આ સંદર્ભમાં આજે ઉત્તરપ્રદેશમાં લોકસભા પરિણામો પછીની પહેલી કારોબારી બેઠક યોજાઈ હતી. બેઠકમાં સંબોધન કરતા મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ભાજપના નેતાઓ અને કાર્યકરોને કહ્યું હતું કે, આ પરિણામથી હતોત્સાહ થવાની જરૂર નથી અને બેકફૂટ પર આવી જવાની જરૂર નથી.
ક્યારેક અતિ આત્મવિશ્વાસને કારણે આવું પરિણામ આવી શકે છે, પરંતુ તેનાથી આપણે બધું જ હારી ગયા છીએ એવું નથી. સીએમ યોગીએ ભાજપના નેતાઓ-કાર્યકરોને યાદ કરાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આપણે 2014, 2017, 2019, 2022ની વિવિધ ચૂંટણીમાં જીત મેળવી જ છે. અને 2027માં પણ ફરીથી પ્રચંડ જીત મેળવીશું. તેથી હાલના પરિણામોથી હતાશ થઈને બેકફૂટ પર આવી જવાની જરૂર નથી.
સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે, ક્યારેક આપણે આત્મવિશ્વાસમાં રહીએ છીએ. આપણને લાગે છે કે આપણી જીત તો નિશ્ચિત છે. પરંતુ એવા સમયે ક્યારેક હારનો સામનો કરવો પડે છે, અને તેથી વિપક્ષો હાલ ક્ષણિક ઊછળકૂદ કરી રહ્યા છે.
યોગીજીએ જણાવ્યું કે, આપણે 500 વર્ષની રાહ જોયા પછી અયોધ્યામાં શ્રીરામ મંદિરનું નિર્માણ કરી શક્યા છીએ. કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકાર હોવાથી ઉત્તરપ્રદેશને તેનો ઘણો લાભ થઈ રહ્યો છે.
ઉત્તપ્રદેશના મુખ્યપ્રધાને આ તબક્કે રાજ્યમાં યોજાનાર 10 બેઠકની પેટાચૂંટણીનો પણ ખાસ ઉલ્લેખ કર્યો હતો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આપણે તમામ બેઠક જીતી શકીશું, પરંતુ એ માટે તમામ નેતાઓ-કાર્યકરોએ આજથી જ કામે લાગી જવું પડશે.
આ પણ વાંચોઃ બંગાળમાં 50 લાખ હિન્દુઓને મત આપવા દેવામાં આવ્યા નહોતાઃ ભાજપ નેતાનો આક્ષેપ