હવે આવું નહીં થાય: SCમાં એવું તે શું થયું કે તેણે પોતાનો જ 2018નો નિર્ણય પલટાવ્યો
- સિવિલ અને ફોજદારી કેસોમાં હાઈકોર્ટનો વચગાળાનો સ્ટે ઓર્ડર છ મહિનામાં આપમેળે સમાપ્ત થશે નહીં: SC
નવી દિલ્હી, 29 ફેબ્રુઆરી: સુપ્રીમ કોર્ટે દેશભરમાં સિવિલ અને ક્રિમિનલ કેસને લઈને મોટો નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, “સિવિલ અને ફોજદારી કેસોમાં હાઈકોર્ટનો વચગાળાનો સ્ટે ઓર્ડર છ મહિનામાં આપમેળે સમાપ્ત થશે નહીં.” હકીકતમાં, સુપ્રીમ કોર્ટે ગુરુવારે ચુકાદો આપ્યો હતો કે, “સિવિલ અને ક્રિમિનલ કેસોમાં નીચલી કોર્ટ અથવા હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલો સ્ટે ઓર્ડર છ મહિના પછી આપમેળે રદ થઈ શકે નહીં. આ રીતે સુપ્રીમ કોર્ટે તેના 2018ના નિર્ણયને ફેરવી નાખ્યો હતો.
Supreme Court constitution bench rules that a stay order granted in civil & criminal cases does not automatically lapse after 6 months unless the orders are specifically extended.
Supreme Court Constitution bench sets aside a 2018 decision of the Supreme Court as per which… pic.twitter.com/fDeOngWnul
— ANI (@ANI) February 29, 2024
ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેંચ તેના 2018ના ચુકાદા સાથે અસંમત થઈ હતી કે, “નીચલી અદાલતોના સ્ટે ઓર્ડર જ્યાં સુધી ખાસ રીતે લંબાવવામાં ન આવે ત્યાં સુધી આપમેળે રદ્દ થઈ જવા જોઈએ.” સુપ્રીમ કોર્ટે તેના 2018ના નિર્ણયમાં કહ્યું હતું કે, “જો હાઈકોર્ટમાં વધુ સુનાવણી નહીં થાય તો 6 મહિના પછી વચગાળાનો સ્ટે આપોઆપ સમાપ્ત થઈ જશે.”
સુપ્રીમ કોર્ટે ચુકાદાની માર્ગદર્શિકામાં શું કહ્યું?
આ વિષય પર તેના ચુકાદામાં માર્ગદર્શિકા જારી કરતી વખતે સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે, બંધારણીય અદાલતો, સુપ્રીમ કોર્ટ અને ઉચ્ચ અદાલતોએ કેસોના નિકાલ માટે સમય મર્યાદા નક્કી કરવાનું ટાળવું જોઈએ અને આ ફક્ત અસાધારણ સંજોગોમાં જ થઈ શકે છે. બેંચે બે અલગ-અલગ, પરંતુ સર્વસંમત નિર્ણયો આપ્યા છે.
જસ્ટિસ એ.એસ.ઓકાએ શું જણાવ્યું ?
જસ્ટિસ એ.એસ.ઓકાએ જણાવ્યું હતું કે, ‘બંધારણીય અદાલતોએ કેસોના નિર્ણય માટે કોઈ સમય મર્યાદા નક્કી કરવી જોઈએ નહીં, કારણ કે ગ્રાઉન્ડ લેવલના મુદ્દાઓ માત્ર સંબંધિત અદાલતો જ જાણતી હોય છે અને આવા આદેશો માત્ર અસાધારણ સંજોગોમાં જ પસાર કરી શકાય છે.” જસ્ટિસ ઓકાએ પોતાની તરફથી અને જસ્ટિસ ચંદ્રચુડ, જસ્ટિસ જે. બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા માટે ચુકાદો લખ્યો હતો.તેમણે કહ્યું કે, ‘સ્ટે ઓર્ડર આપોઆપ રદ કરી શકાતા નથી.’
જસ્ટિસ પંકજ મિત્તલે કેસમાં એક અલગ, પરંતુ સહમત દર્શાવતોચુકાદો લખ્યો હતો. વરિષ્ઠ વકીલ રાકેશ દ્વિવેદીની દલીલો સાંભળ્યા બાદ સર્વોચ્ચ અદાલતે 13 ડિસેમ્બર, 2023ના રોજ આ કેસમાં પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.
આ પણ જુઓ: 1993ના સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં અબ્દુલ કરીમ ટુંડા નિર્દોષ: ટાડા કોર્ટનો ચુકાદો