અમદાવાદકૃષિખેતીગુજરાત

હવે નહીં રહે અછતઃ ભારત સરકારે ગુજરાતને 62.60 લાખ મેટ્રીક ટન ખાતરનો જથ્થો ફાળવ્યો

ગાંધીનગર, 21 ઓગસ્ટ 2024, વિધાનસભા ગૃહ ખાતે ગુજરાતમાં ખાતરની ઉપલબ્ધતા અંગે ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખાતરનો પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યમાં ક્યાંય પણ ખાતરની અછત ન સર્જાય તે માટે ભારત સરકારે ગુજરાતને વધુ ખાતરનો જથ્થો પૂરો પાડ્યો છે. છેલ્લા એક વર્ષમાં ભારત સરકાર સમક્ષ યુરિયા ડી.એ.પી અને અન્ય ખાતર મળીને કુલ 59.82 લાખ મેટ્રિક ટન જથ્થાની માંગણી કરી હતી. જેની સામે ગુજરાતને માંગણી કરતા વધુ આશરે 62.60 લાખ મેટ્રિક ટન જથ્થો ફાળવવામાં આવ્યો છે.

ખાતર વિક્રેતાના વેચાણ કેન્દ્રો પર સતત તકેદારી
કૃષિ મંત્રીએ પૂરક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, યુરિયા ખાતર સાથે અન્ય વસ્તુઓ ખરીદવાની કોઈપણ પ્રકારની ફરજ પાડવામાં ન આવે તે માટે રાસાયણિક ખાતર વિક્રેતાના વેચાણ કેન્દ્રો પર સતત તકેદારી રાખવામાં આવી રહી છે.તેમ છતાં રાજ્યમાં આવી ઘટના ધ્યાને આવશે, તો રાજ્ય સરકાર વિક્રેતા અને કંપનીનું લાયસન્સ રદ કરવા સહિતના કડક પગલા લેશે. ખેડૂતોને સરળતાથી ખાતર મળી રહે તે માટે ગુજકો માસોલ અને ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ જેવી 17 જેટલી સરકાર માન્ય ખાતર વિતરક સંસ્થાઓ, 850થી વધુ હોલસેલર વિક્રેતા તથા અન્ય મળીને કુલ 9 હજારથી વધુ સહકારી મંડળીઓ તથા ખાનગી ખાતર વિક્રેતાઓ દ્વારા ખાતરનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.

દેશના કુલ નીમ કોટેડ યુરિયાના ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 14%
ગુજરાત નીમ કોટેડ યુરિયાના ઉત્પાદન બાબતે દેશનું એક અગ્રણી રાજ્ય છે. ભારતના કુલ નીમ કોટેડ યુરિયાના ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 14% છે, જ્યારે વપરાશની દ્રષ્ટિએ ગુજરાતનો હિસ્સો 9% છે. રાજ્યમાં નીમ કોટેડ યુરિયાનું ઉત્પાદન ગુજરાત નર્મદા વૅલી ફર્ટિલાઇઝર્સ ઍન્ડ કૅમિકલ્સ લિમિટેડ (GNFC) ભરૂચ ખાતેના પ્લાન્ટમાં થાય છે. આ ઉપરાંત, GSFC, IFFCO અને KRIBHCO પણ નીમ કોટેડ યુરિયાનું ઉત્પાદન કરે છે. ગુજરાતમાં વર્ષ 2021-22માં 37,76,000 મેટ્રિક ટન નીમ કોટેડ યુરિયાનું ઉત્પાદન થયું હતું, જેની સરખામણીમાં 2022-23માં 38,92,000 મેટ્રિક ટન અને 2023-24માં 39,73,000 મેટ્રિક ટન નીમ કોટેડ યુરિયાનું ઉત્પાદન થયું હતું. નીમ કોટેડ યુરિયાના ફાયદાઓને જોતાં તેની માંગ સતત વધી રહી છે.

આ પણ વાંચોઃગુજરાત સરકારે વિધાનસભામાં કહ્યું, બે વર્ષમાં 55 હજાર આવાસો બનાવ્યા, 1952 કરોડ સહાય ચૂકવી

Back to top button