રાજ્યમાં આવશે ‘નો મોબાઈલ પોલિસી’, શાળામાં મોબાઈલ લાવનાર વિદ્યાર્થીને પકડાવાશે એલસી

- દેશમાં શાળાઓમાં મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધના નિયમો દાખલ કરનાર ગુજરાત પ્રથમ રાજય બનશે
- આગામી શૈક્ષણિક વર્ષથી અમલમાં આવશે ‘નો મોબાઈલ પોલિસી’
ગાંધીનગર, 19 ફેબ્રુઆરી : રાજ્યમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં અવારનવાર મોબાઈલ ફોન પકડાવવાના કિસ્સા સામે આવ્યા છે. ત્યારે હવે રાજ્ય સરકાર આ અંગે સતર્ક બની છે અને એક નવી નો-મોબાઈલ પોલિસી અમલમાં લાવવાની તૈયારી કરી રહી છે. આ નવી પોલિસી વિદ્યાર્થીઓ અને શિક્ષકો તથા નોન-ટીચીંગ સ્ટાફ તમામ માટે સમાન રહેશે. આ અંગેનો મુત્સદો રાજય સરકારને સુપ્રત કરી દેવામાં આવ્યો છે. જેના પર હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નિર્ણય લેશે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજય સરકાર ફકત નિયમો મેળવવા માટે જ નહી પણ તેનો અમલ પણ પુરી ગંભીરતાથી થાય તે જોવા માંગે છે અને તેમાં શાળા સંચાલકોની પણ જવાબદારી નિશ્ચિત કરવામાં આવશે અને તેથી આ અંગેની માર્ગરેખા ટુંક સમયમાં જ જાહેર કરવામાં આવશે. હાલમાં જ 14 વર્ષની એક છોકરીને તેના માતાએ મોબાઈલ ફોનનો સતત ઉપયોગ કરવાની ના કહેતા આ છોકરીએ આત્મહત્યા કરી જે કિસ્સાએ મોબાઈલ મેનીયા કઈ રીતે ગયો છે તે દર્શાવે છે અને તેના પરિણામે શિક્ષણ વિભાગ દ્વારા એક બેઠક બોલાવીને ખાસ કરીને શાળાઓમાં મોબાઈલ ઉપયોગ પર નિયંત્રણ મુકવાની તૈયારી છે.
શાળામાં મોબાઈલના ઉપયોગ પર પૂર્ણ રીતે પ્રતિબંધ આવશે. કલાસ રૂમમાં પણ સાથે લઈ જઈ શકાશે નહી અને આગામી શૈક્ષણિક વર્ષથી તેની આકરી ગાઈડલાઈન આવશે. જો કોઈ વિદ્યાર્થી બે કે વધુ વખત શાળામાં મોબાઈલના ઉપયોગ કરતો ઝડપાય તો તેને સ્કુલ લીવિંગ સર્ટી પણ પકડાવી દેવાશે.
રાજયના શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરીયાએ આ ગાઈડલાઈનને સમર્થન આપતા કહ્યું કે આ અંગે જીલ્લા શિક્ષણ અધિકારીઓની બેઠક બોલાવીને પહેલા શાળાઓમાં વિદ્યાર્થીઓ-સંચાલકોમાં મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ અંગે જાગૃતતા આવે તે માટે કાર્યક્રમો નિશ્ચિત કરાશે અને પછી દરેક શાળા તેમના વિદ્યાર્થીઓના વાલીઓ સાથે તે અંગે બેઠકો સહિતના આયોજનો ગોઠવીને તેઓને પણ તેમના સંતાનો મોબાઈલ મેનીયાનો ભોગ ન બને તે જોવા સહકાર મંગાશે.
ખાસ કરીને એક તરફ ચોકકસ ઉમર સુધીના વિદ્યાર્થીઓના સોશ્યલ મીડીયાના ઉપયોગ પર પ્રતિબંધ આવી રહ્યા છે તે અંગે પણ શાળા સ્તરે ખાસ માહિતી અપાશે. જો કે હવે મોબાઈલ ફોનનો એક સેફટી ટુલ તરીકે પણ ઉપયોગ થઈ રહ્યો છે અને તેમાં માતા-પિતા સાથે સંપર્ક રાખવા પણ જરૂરી બની ગયો છે.
તેમ વિદ્યાર્થીઓ ઈન્ટરનેટ વગરનો મોબાઈલનો ઉપયોગ કરે તે માટે મંજુરી અપાશે. ઉપરાંત શાળાઓ હવે વિદ્યાર્થીઓને અભ્યાસ મટીરીયલ તથા અન્ય સૂચનાઓ પણ મોબાઈલ મારફત વોટસએપ ગ્રુપમાં અપાય છે. તે અંગે હવે વૈકલ્પિક માર્ગો અપનાવાશે. આ અંગેના અનેક નિયમો નિશ્ચિત થઈ રહ્યા છે જે અંગે સરકાર નિર્ણય લેશે.
આ પણ વાંચો :- DGP વિકાસ સહાય શુક્રવારે યોજશે ક્રાઈમ કોન્ફરન્સ, આ વખતે આ શહેરમાં એકઠા થશે ઉચ્ચ અધિકારીઓ